આંબે મ્હોર ને કલાલે લેખાં…

 

આંબે મ્હોર ને કલાલે લેખાં…

 

 

આંબે મ્હોર બેસે અને એનું ફળ પાકવા માટે તૈયાર થાય એટલે કે સાખ પડે બે વચ્ચે ત્યારે અનેક પ્રકારની તકલીફો આવી શકે છે. હુડા અને બીજાં પક્ષીઓ ફળ બગાડે, વાંદરા કૂદે, કોઈ છોકરાની ટોળી કેરી પાડી જાય. આ ઉપરાંત, મ્હોર આવે ત્યારથી કેરીના મરવાને સાકરીયો જેવો રોગ અને વૈશાખની આંધીઓ અથવા કમોસમી માવઠું જેવી કુદરતી આપત્તિઓમાંથી પણ પસાર થવું પડે છે.

આ કારણથી આંબે મ્હોર આવ્યો હોય ત્યારે આવકનો હિસાબ ન મંડાય. કલાલ એટલે દારૂના પીઠાવાળો. એના ઘરાકો પણ દારૂડીયા જ હોય. જો એણે ચોપડો લખ્યો હોય અને આ નશેડીઓની ઉધારી હોય તો ચોપડે ગમે તેટલી ઉઘરાણી બોલતી હોય ખરેખર એ હાથમાં આવે ત્યારે માનવાની. આમ, આંબે આવેલો મ્હોર અને કલાલની ઉઘરાણી હાથમાં આવે ત્યારે ખરી એવો ભાવાર્થ આ કહેવતનો છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)