![]()
કૂવામાં હોય તો હવાડામાં આવે |
પહેલાં કૂવા અને હવાડાનો સંબંધ સમજીએ. જે જમાનામાં કૂવાનાં પાણી ઉપર હતાં અને કોસથી પાણી બહાર કાઢવામાં આવતું તે જમાનામાં કૂવાની બરાબર બાજુમાં ગામનાં ઢોરને પીવા માટે હવાડો બાંધવામાં આવતો. સમયાંતરે આ હવાડો ભરવામાં આવતો. મૂળ કૂવામાંથી પાણી નીકળે તો જ હવાડો ભરાય.
કૂવો જ જો ખાલીખમ પડ્યો હોય તો હવાડો ભરી શકાય નહીં આ જ રોતે જે કોઈ વ્યક્તિ નોકરીદાતા અથવા આશ્રયદાતા છે તેની પોતાની સ્થિતિ સારી હશે તો જ તેની ઉપર નભતા માણસોને એ કંઈક આપી શકશે. જો એનો કૂવો જ સુકાયેલો હશે તો પછી એના ઉપર નભનાર માણસોને એ શું આપી શકવાનો છે? ક્યારેક આ કહેવત હળવાશમાં સંતાનો જરાં નબળા પાકે ત્યારે એના જનમદાતા અને પોષક મા-બાપનો જ વારસો નબળો છે એ અર્થમાં પણ વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
