![]()
ડુંગરા દૂરથી રળિયામણાં |
કોઈપણ પર્વતમાળાને દૂરથી જોઈએ ત્યારે એ સરસ મજાનાં વૃક્ષોથી આચ્છાદિત અને રમ્ય લાગે છે. જ્યારે નજદીક જઈએ ત્યારે આ સુંદરતા ધીરે ધીરે કાળમીંઢ ખડકો, કપરાં ચઢાણ, ઊંડી ખીણ અને કાંટાળા ઝાડી-ઝાંખરાં ઉપરાંત હિંસક પશુઓના ભયને કારણે જે સોંદર્ય દૂરથી જોયું હતું તેનો આનંદ ઉડાડી દે છે.
કેટલાક માણસોનું પણ આવું જ હોય છે. જ્યાં સુધી એમના નજીકના પરિચયમાં ન આવો ત્યાં સુધી એમનું બાહ્ય વર્તન તેમજ વ્યવહાર એ ઉમદા વ્યક્તિ તરીકેની છબી ઊભી કરે છે. કેટલાક કિસ્સાઓમાં તો માણસને બહારની દુનિયા માટે આ પ્રકારનો મુખવટો પહેરીને જીવવાની ટેવ પડી ગઈ હોય છે. ખરેખર આવા વ્યક્તિના નજીદીકી પરિચયમાં આવવાનું થાય ત્યારે ધારણા કરતાં તદ્દન વિપરીત વ્યવહાર અને વર્તન જોવા મળે છે. આ પ્રકારની વાસ્તવિકતા સામે ચેતવણી સ્વરૂપે આ કહેવત પ્રયોજાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
