કૂકડીનું સુંવાળું કોઈ દી મટે નહીં |
મરઘી (કૂકડી) નિરુપદ્રવી પક્ષી છે. એ વાડામાં કે કુબાની આસપાસ પોતાનું રહેઠાણ બનાવી રહે છે. ઈંડા પણ ત્યાં જ મૂકે છે. આ ઈંડા મૂકે એટલે કાગડાથી માંડી બિલાડી સુધીનાં અનેક હિંસક જીવ એને ફોડીને અંદરથી નીકળતો ગર્ભ ખાઈ જાય છે. કૂકડી જરા પણ આઘી પાછી જાય એટલે આ બધાને મોકળુ મેદાન મળી જાય છે. એનાં ઈંડાં આ ઘાતમાંથી બચી જાય તો એનો માલિક એ લઈને બજારમાં વેચી આવે છે. આમ કૂકડીના નસીબમાં તો શોક કરવાનો જ રહે છે. આ ઈંડા સેવાઈને ફૂટે ત્યારે એમાંથી નાનાં નાનાં બચ્ચાં નીકળે છે. આ બચ્ચાંને પણ બિલાડીથી માંડી બાજ સુધી ઉઠાવી જાય છે. સરવાળે કૂકડીનું કોઈક ઈંડું અથવા બચ્ચું વધેરાતું જ રહે છે.
સુંવાળું એટલે કોઈના મરણ પાછળ કરવામાં આવતી શોકની વિધિ. કૂકડીના કિસ્સામાં આ શોક કાયમી ધોરણે ચાલ્યા કરતો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર એક યા બીજા પ્રકારની મુશ્કેલીમાં ફસાયા કરતો હોય અથવા માંદો રહેતો હોય જેને પરિણામે એને શોકમગ્ન રહેવુ પડતુ હોય તે સંયોગોનું વર્ણન કરતી આ કહેવત છે.