![]() સઈની સાંજ ને મોચીની કાલ |
આજના જેમ રેડીમેડનો જમાનો નહોતો ત્યારે દરેક ગામ કે શહેરમાં કપડાં અથવા જોડા માપ પ્રમાણે સીવડાવવા પડતા હતા. લગનસરા કે એવું કોઈ ટાણું હોય ત્યારે દરજી અથવા મોચીને ત્યાં સારો એવો ધસારો રહે. ઘરાક હોય એટલે કામ તો લેવું જ પડે પણ સમયમાં પહોંચી ન વળાય એટલે વાયદા થાય. સરવાળે ધક્કા ખાવા પડે તે પરિસ્થિતીનું નિર્માણ થાય.
દરજી અથવા મોચી પણ તમે ઢળતા બપોરે જાવ તો કાલે સવારે ચોક્કસ આપી દઇશ એવો વાયદો પાડે અને સવારે જાવ તો સાંજનો વાયદો કરે. આમ, મુદ્દતો પડ્યે રાખે. આ પરિસ્થિતીમાંથી ખોટા વાયદા કરવાની વૃત્તિને ‘સઈની સાંજ ને મોચીની કાલ’ કહેવત દ્વારા વ્યક્ત કરાઇ છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
