અમેરિકા-ઈરાનઃ ટ્રમ્પને યુદ્ધ કરતાંય ચૂંટણીમાં વધારે રસ છે

મેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થશે કે કેમ તેવી વાતો વચ્ચે ભારતીય સમય પ્રમાણે 8 જાન્યુઆરી રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી ‘ઑલ ઇઝ વેલ’ની વાતો કરી. તેમણે લાંબું નિવેદન આપ્યું, તેનો સાર એટલો હતો કે હાલમાં અમેરિકાને ઈરાન સામે યુદ્ધ કરવામાં રસ નથી. ઈરાને એવા દાવો કર્યો હતો કે મિસાઇલ હુમલો કરીને અમેરિકી દળોના 80 સૈનિકોને તેમણે ખતમ કર્યો છે. આ દાવા સામે પોતાના દેશના લોકોને ટ્રમ્પ જણાવવા માગતા હતા કે એક પણ સૈનિકનો જીવ ગયો નથી. તેમણે કહ્યું કે ઇરાક ખાતેના જે થાણા પર ઈરાનની મિસાઇલો પડી ત્યાં સામાન્ય નુકસાન થયું છે.

ગયા અઠવાડિયે અમેરિકાએ ડ્રોન હુમલો કરીને ઈરાની સેનાના ટોચના કમાન્ડર કાસેમ સોલેમાનીને  (ભારતમાં કાસિમ સુલેમાની ઉચ્ચાર પ્રચલિત બન્યો છે) ઠાર કર્યા પછી ઈરાને બદલો લેવાની વાત કરી હતી. સુલેમાની માત્ર સેનાના કમાન્ડર નહોતા, પણ એક રાજકારણી જેવા હતા અને ઈરાનની વિદેશ નીતિ તેમના હાથમાં હતી. સુલેમાનીના મોતથી ઈરાનની પ્રજામાં ભારે રોષ છે અને તેના કારણે ઈરાની સત્તાધીશોએ કાર્યવાહી કરવી જરૂરી બની છે. આ સંજોગોમાં ફરી અખાતમાં યુદ્ધ થશે કે કેમ તેની ચિંતા ઊભી થઈ હતી.


આવી ચિંતા વચ્ચે ઈરાને જાહેરાત કરી તેણે ઇરાકમાં આવેલા અમેરિકી દળોના બે થાણા પર હુમલો કર્યો છે. અલ અસદ અને ઇરબિલ હવાઇ અડ્ડા પર મિસાઇલ્સનો મારો ચલાવ્યો હતો. 80 અમેરિકી સૈનિકોને ઠાર માર્યાનો દાવો કરાયો હતો, પણ ટ્રમ્પે સોશ્યલ મીડિયામાં મેસેજ મૂક્યો હતો કે ઑલ ઇઝ વેલ. પત્રકાર પરિષદમાં તેમણે સ્પષ્ટતા કરી કે કોઈ અમેરિકી જવાન માર્યો ગયો નથી. તેમણે ઈરાન સામે કોઈ મોટી કાર્યવાહીની વાતો ના કરી, બલકે દેશના મતદારોને સંબોધતા હોય તેવી રીતે વાતો કરી. તેમણે કહ્યું કે ઈરાને જે મિસાઇલો નાખી તે ભૂતકાળના અમેરિકી પ્રમુખોએ આપેલી આર્થિક સહાયના કારણે જ બની હતી. મારા નેતૃત્ત્વમાં અમેરિકા સેના બહુ મજબૂત બની છે અને અમેરિકા ફરી ગ્રેટ બન્યું છે તેવી ચૂંટણી જેવી વાતો પણ કરી.

તેથી વિશ્લેષકોએ તારણ એ કાઢ્યું છે કે ટ્રમ્પને હાલમાં ઈરાન સામે યુદ્ધમાં રસ નથી. તેમને પોતાની 2020માં આવી રહેલી ચૂંટણીમાં રસ છે. તેમણે ઇમ્પિચમેન્ટનો સામનો કરવાનો છે અને તે પછી બીજી વાર પ્રમુખ બનવા માટે ચૂંટણી જીતવાની છે. ટ્રમ્પની ભરપુર મજાક અમેરિકામાં થઈ રહી છે, પણ તેમની લોકપ્રિયતામાં બહુ ફરક પડ્યો નથી. તે ઇમિગ્રન્ટ્સ વિરોધી, માત્ર શ્વેત લોકોના હિતની, તોડફોડ અને આમ કરી નાખવાની અને તેમ કરી નાખવાની વાતો કરે છે તે અમેરિકાના રૂઢિચૂસ્ત લોકોને ગમે છે.

બીજી બાજુ અમેરિકા સેના વિશ્વમાં ઠેર ઠેર જઈને દખલ કરે છે અને તેની પાછળ અબજો ડૉલર વેડફાઇ છે તેનો સ્થાનિક ધોરણે થોડો વિરોધ પણ છે. અમેરિકામાં ગરબી વધી રહી છે – ચાર કરોડો અમેરિકીઓ ગરીબી રેખાની નીચે હોવાનો અંદાજ છે. તે સંજોગોમાં દુનિયાના રાજકારણમાં બિનજરૂરી દખલ દેવાના બદલે દેશના અર્થતંત્રને ફરી દોડતું કરવાની માગણી થઈ રહી છે. સાચી વાત એ છે કે વૈશ્વિક મંદી વચ્ચે પણ અમેરિકાનું અર્થતંત્ર ઓછા નુકસાન સાથે અને રાબેતા મુજબ ચાલી રહ્યું છે. બેકારીનું પ્રમાણ વધ્યું નથી, તેથી ટ્રમ્પ દાવો કરી શકે છે કે તેમના શાસનમાં અર્થતંત્ર સૌથી સારું છે, જે અર્ધસત્ય છે. અમેરિકા વધારે ગતિથી પ્રગતિ કરી શકે છે, પણ ટ્રમ્પ જેવા નેતાઓ આપવડાઇમાં દેશને જુદી દિશામાં લઈ જઈ રહ્યા છે તેની ચિંતા અમેરિકાના ઘણા લોકોને છે.

આ બધા વચ્ચે તેમણે કાસિમ સુલેમાનીને ઠાર કરવા માટે મંજૂરી આપી હતી. બગદાદમાં એરપોર્ટ નજીક તેમના કાફલા પર ડ્રોનથી હુમલો થયો હતો. આઈએસના વડા બગદાદીને સિરિયામાં તે છુપાયો હતો ત્યાં હુમલો કરીને ઠાર કરાયો તે પછી ટ્રમ્પ માટે આ મોટી સફળતા હતી. જોકે સુલેમાની અને બગદાદી કે બિન લાદેન વચ્ચે ફરક છે. બગદાદી અને લાદેન આતંકવાદી હતા, જ્યારે સુલેમાની ઈરાનના કૂદ્સ ફોર્સ તરીકે જાણીતા અર્ધલશ્કરી દળના સત્તાવાર કમાન્ડર હતા અને મહત્ત્વના નેતા પણ હતા. ઈરાનની શિયા પ્રભુત્વની મહત્ત્વાકાંક્ષા છે, તેમાં સુલેમાનીની ભૂમિકા અગત્યની હતી. તેમની આગેવાનીમાં કૂદ્સના કમાન્ડો ઈરાનની બહાર, ઇરાક સહિત સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાયેલા છે. સિરિયામાં કબજો જમાવ્યા પછી સુન્ની કટ્ટરપંથી આતંકવાદી આઈએસ આસપાસના દેશોને કબજે કરવા લાગ્યું હતું, ત્યારે તેની સામે લડવામાં ઈરાને પણ ભૂમિકા ભજવી છે. ઇરાકના બગદાદ પર આઈએસનો કબજો થવાનો હતો, પણ ઈરાનના સૈનિકોએ તેમનો સામનો કર્યો હતો. તુર્કીમાં અને ઈરાનની સરહદની નજીક આઈએસના આતંકવાદીઓ પહોંચી ગયા ત્યારે પણ સુલેમાનીએ પોતાના દળો દ્વારા તેને પાછા ભગાડ્યા હતા.

આ બધા કારણોસર સુલેમાનીને ઠાર કરવાના ટ્રમ્પના નિર્ણયને વિશ્વમાંથી વ્યાપક ટેકો મળ્યો નથી. નાટોના સાથે દેશો પણ બહુ રાજી નથી. યુરોપમાંથી પણ એટલો ટેકો મળ્યો નથી. ગલ્ફમાં અશાંતિ થાય તેની અસર યુરોપના અર્થતંત્ર પર થાય છે. જર્મની અને ફ્રાન્સે ખુલ્લો વિરોધ કર્યો છે. આ ઘટના પછીય જર્મની અને ફ્રાન્સે પોતાના દળો ગલ્ફમાંથી ઓછા કરવાની વાતને વળગી રહ્યા છે. ભારતના પોતાના મોટા હિતો ગલ્ફમાં છે. ભારતના 80 લાખ લોકો સંયુક્ત આબર અમિરાત સહિત અખાતના જુદા જુદા દેશોમાં કામ કરે છે. વર્ષ 40 કરોડ ડૉલરની કમાણી કરીને તેઓ ભારત મોકલે છે. ભારતની ક્રૂડની અને કુદરતી ગેસની આયાત ગલ્ફમાંથી થાય છે. તેના કારણે ભારત પણ આ બાબતમાં ટ્રમ્પને ટેકો આપી શકે નહિ. ગમે તેવી દોસ્તી છતાં નરેન્દ્ર મોદી ટ્રમ્પને ટેકો આપી શકે તેવી સ્થિતિમાં નથી.

બીજું અમેરિકાએ ક્રૂડ અને ગેસનું ઉત્પાદન વધારી દીધું છે અને તેને હવે ગલ્ફના ઑઇલની ગરજ નથી. ટ્રમ્પે પત્રકાર પરિષદમાં તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. અમેરિકાએ ઉર્જાની જરૂરિયાતની બાબતમાં સ્વાવલંબન હાંસલ કરી લીધું છે. આપણને ગલ્ફના ઑઇલની જરૂર નથી એમ તેમણે કહ્યું. તેમનો કહેવાનો ભાવ ચૂંટણી પ્રચારમાં હોય તેવો, મેં જ બધું કર્યું છે તેવું કહેવાનો પણ હતો, પણ વાત ખોટીય નથી. યુરોપના દેશો એટલે જ અમેરિકાથી નારાજ થયા છે. અમેરિકાએ પોતાના હિતો સાધી લીધા અને હવે યુરોપના દેશોનો ગલ્ફમાંથી ઑઈલ આયાતમાં મુશ્કેલી થાય તેવું પગલું લીધું છે.

ભારતનું ક્રૂડ આયાતનું બિલ ઓલરેડી આ અઠવાડિયે વધી ગયું છે. તંગદિલી વધશે અને ક્રૂડનો ભાવ ઊંચો જશે તો ભારતને ફટકો પડશે. બીજું ઈરાન સાથે ભારતના સંબંધો સારા છે. ભારત ત્યાં ચાબહર પોર્ટ પણ ડેવલપ કરી રહ્યું છે. તેથી ખુલ્લેઆમ યુદ્ધ થાય ત્યારે ભારત માટે વિમાસણ થાય તેવું છે. ભારત અમેરિકાના પ્રયાસોને ગમે તેવા સારા સંબંધો છતાં ટેકો આપી શકે તેમ નથી. જોકે હવે લાગે છે કે વાત ઠંડી પડી ગઈ છે. ટ્રમ્પને પણ લાગ્યું છે કે વિશ્વમાં તેને ટેકો મળ્યો નથી. સુલેમાનીને ઠાર કરવાના નિર્ણયનો સાથી દેશોએ વિરોધ જ કર્યો છે. બગદાદી અને બિન લાદેનન ઠાર કરવા જોઈએ, કેમ કે તે આતંકવાદી હતા, પણ કોઈ દેશના રાજકીય નેતાને ઠાર કરવામાં આવે અને તેને ચલાવી લેવામાં આવે તો ખોટો ચાલ પડે. તેના કારણે પણ ટ્રમ્પે પીછહેઠ કરી હોય તેવું લાગે છે.

બીજું કે તેમનો હેતુ સરી ગયો છે. 2020 ચૂંટણીમાં છાતી ફુલાવીને પ્રચાર કરવા માટેનો તેમનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. ટ્રમ્પ અને અમેરિકા પાસે મજબૂત દલીલો પણ છે. ઈરાનને વારંવાર ચેતવણી આપવામાં આવી હતી. ઈરાને અગાઉ અખાતમાંથી પસાર થતા વહાણો પર હુમલો કર્યો હતો. અમેરિકાનું ડ્રોન પણ તોડી પાડ્યું હતું. ઇરાકમાં અમેરિકાના અડ્ડા છે તેના પર વારંવાર હુમલા પણ કર્યા હતા. હુમલા કરનારામાં કૂદ્સના કમાન્ડો હતા, તેથી સુલેમાની અમેરિકી નાગરિકોના હત્યારા છે તેવું અમેરિકાએ કહ્યું હતું. આવા એક હુમલામાં જોકે એક સિવિલિયન અમેરિકન કોન્ટ્રેક્ટર માર્યો ગયો હતો. તેનું બહાનું કરીને, બીજાની ધરતી પર, ઇરાકની ધરતી પર ડ્રોનથી સુલેમાની પર હુમલો કર્યો તે વધારે પડતું હતું તેમ ઘણા દેશોએ માન્યું છે. અમેરિકા ઈરાની સેનાના અડ્ડા પર વળતા હુમલા કરી શક્યું હોત.

સામી બાજુ ઈરાન પણ ભલે પ્રજાના રોષને જોઈને બદલો લેવાની વાત કરે, પણ અમેરિકા સામે તે બાથ ભીડી શકે તેમ નથી. આર્થિક પ્રતિબંધોને કારણે ઈરાન મુશ્કેલીમાં છે પણ ખરું. તેથી જ જાણકારો એવું કહે છે કે ઇરાકમાં રહેલા અમેરિકી થાણા પર ઈરાને મિસાઇલોનો મારો કર્યો તે કાળજીપૂર્વક કર્યો હતો. એવી રીતે હુમલો થયો છે કે અમેરિકી સૈનિકો કે ઇરાકના નાગરિકો માર્યા ના જાય. તાજા અહેવાલો પ્રમાણે બુધવારે રાત્રે ફરી ઈરાને બગદાદમાં એક વિસ્તાર પર હુમલો કર્યો હતો. બગદાદના ગ્રીન ઝોન કહેવાતા વિસ્તાર પર બોમ્બમારો થયો છે. ભારે સુરક્ષા બંદોબસ્ત ધરાવતા આ વિસ્તારમાં અમેરિકાની એમ્બેસી સહિત ઘણા દેશોની એમ્બેસીઓ આવેલી છે. બે રોકેટ તે વિસ્તારમાં પડ્યા હતા તેવા અહેવાલો છે. તેમાં કોઈ જાનહાની થઈ છે કે કેમ તે સ્પષ્ટ નથી.


ટૂંકમાં તાત્કાલિક ઈરાન અને અમેરિકા બંનેને યુદ્ધમાં રસ નથી તેમ લાગે છે, પણ નાના મોટા હુમલા થતા રહેશે. ઈરાનમાં લોકોના આક્રોશ વચ્ચે કામગીરી થઈ રહી છે તેવું દેખાડવું જરૂરી છે. તેથી ઇરાક તથા મધ્ય પૂર્વમાં અમેરિકી દળો ગોઠવાયેલા છે તેના પર હુમલા થતા રહેશે. એમ્બેસી કે અમેરિકી સંસ્થાઓની કચેરીઓ પર પણ હુમલા થઈ શકે છે. તેમાં મોટા પાયે જાનહાની થશે ત્યારે ફરી તંગદિલી થઈ શકે છે. જાનહાની ઓછી હશે તો અમેરિકા પણ સામી એવી જ હુમલાની નાની મોટી કાર્યવાહી કરી શકે છે. મોટા પાયે આક્રમણ કરવામાં આવે અને તેમાં અમેરિકાના સૈનિકોની વધારે જાનહાની થાય તે ટ્રમ્પને પણ ચૂંટણીના વર્ષમાં પરવડે તેવું નથી. આ રીતે અમેરિકા અને ઈરાન બંનેની પોતપોતાની મજબૂરીઓ છે તે ભારત માટે રાહતની વાત છે. ભારતને આ ઝઘડામાં નાહકનું નુકસાન થાય તેવું છે, ત્યારે ભારતે પણ પોતાની રીતે તંગદિલી ના વધે તે માટેના પ્રયાસોમાં જોડાવું જોઈએ. સાઉદી અને ઇરાક જેવા અમેરિકાના સાથી દેશો પણ સ્થિતિ બગડવા દેવા માગતા નથી. યુરોપના દેશોનું દબાણ ટ્રમ્પ પર સંયમ રાખવા માટે છે. આ દબાણ કામ કરતું રહે તે ભારતના પણ હિતમાં છે.