બાબા રામદાસઃ કેફી દ્વવ્યોના પ્રયોગો પછી યોગના પ્રયોગો

બાબા રામદાસનું અમેરિકામાં 88 વર્ષે અવસાન થયું. તેઓ શાંતિપૂર્વક અંતિમયાત્રાએ નીકળ્યા એવું તેમના ભક્તોએ જણાવ્યું, પણ તેમની જીવનયાત્રા જિંદગીભર શાંતિની શોધમાં ઘટનામય રહી હતી. કેફી દ્વવ્યોનો નશો કરીને શું થાય છે અને અચેતન મન તમને કેવા અનુભવો કરાવે છે તેના પ્રયોગો તેમણે અમેરિકામાં કર્યા તેના કારણે વિવાદો પણ થયા હતા. પણ પછી તેમણે ખબર મળ્યા કે ભારતમાં સાધુઓ ધ્યાન લગાવીને, વગર કેફી દ્વવ્યોએ અચેતન મન અને અગાધ અને અગોચ વિશ્વનો અનુભવ કરી શકે છે. તેથી તેઓ ભારત આવ્યા હતા અને અહીં અંગ્રેજીમાં જેને hallucination (હાલૂસિનેશન) કહે છે કે તેવી ભ્રમણા કે કલ્પનાવિહારની સ્થિતિને સમજવા માટે યોગ અને ધ્યાનનો પ્રયોગો શીખ્યા હતા.

આટલા પરથી તમને અંદાજ કદાચ આવ્યો પણ હશે કે કોઈ મૂળ અંગ્રેજ અથવા ગોરો માણસ હશે અને ભારતમાં આવીને ભગવા પહેરીને બાબા બન્યા હશે. વાત સાચી છે, ભારતની અને પૂર્વની સંસ્કૃતિના પ્રેમમાં પડીને ઘણા ગોરા લોકો ભારત આવે, ભગવા પહેરે, ભક્તિ કરે, યોગ કરે, ધ્યાન કરે અને ભારતીય નામ ધારણ કરીને પશ્ચિમમાં તેનો પ્રચાર કરે. ભારતમાં કોઈને ગુરુ ધારે અને ગુરુનો મહિમા પણ પશ્ચિમના જગતમાં કરે ત્યારે ભારતીયો બહુ ખુશ થતા હોય છે. તેઓ ગહન ધ્યાન વિશે અને અધ્યાત્મિક અનુભવ વિશે, માયા અને મોહ વિશે વાતો અંગ્રેજીમાં જણાવે એટલે કે કેટલાકને વધારે આકર્ષક લાગે. તેઓ માયાની કલ્પના ભારતીય માનસમાં છે તેને કેટલી હદે સમજ્યા હશે તે કહેવું મુશ્કેલ હોય છે, પણ ભક્તોને તેમનું ભારે આકર્ષણ હોય છે.

તેથી જ બાબા રામ દાસ પણ આવા કેટલાક ગોરા ગુરુઓની જેમ અમેરિકામાં ઘણા લોકપ્રિય બન્યા હતા. તેઓ ભારત આવીને નીમ કરોલ બાબાના શિષ્ય બન્યા હતા. રામ દાસનું અસલી નામ રિચર્ડ આલ્પર્ટ હતું. તેમના પિતા બોસ્ટનના જાણીતા વકીલ હતા. હાર્વર્ડમાંથી તેઓ સાયકોલૉજીનું ભણ્યા હતા અને બાદમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ કર્યું હતું. 1960ના દાયકામાં સાયકોલૉજીના પ્રોફેસર તરીકે તેમનું નામ જાણીતું થવા લાગ્યું હતું અને તેઓ કાઉન્ટર-કલ્ચર એટલે કે મુખ્ય ધારાના પ્રવાહોથી અલગ કલાની દુનિયામાં રાચતા, મોટા ભાગના નશેડી કલાકારોના કલ્ચર તરફ આકર્ષાયા હતા. ટિમોથી લીયરી અને એલેન ગિન્સબર્ગ તેમના સાથીઓ બન્યા હતા. માત્ર નશીલા પદાર્થો લેવાના બદલે આ લોકો તેમના અભ્યાસમાં અને માનવમનના ઊંડાણમાં, અચેતન મનમાં તેની શું અસર થાય છે તેનો અભ્યાસ પણ કરતા થયા હતા. એલએસડી સહિતના કેફીદ્વવ્યોનો જાત અનુભવ કર્યા પછી જેલમાં કેદીઓને, જીવલેણ બીમારી પિડાતા લોકોને કે માનસિક રીતે વિક્ષિપ્ત લોકોને નિયંત્રિત અવસ્થામાં કેફીદ્વવ્યો આપવા જોઈએ તે પ્રકારની તેમની મૂવમેન્ટ ચાલતી થઈ હતી. નશો માણસને અંતરમનના ઊંડાણમાં લઈ જાય છે અને એક જુદી જ દુનિયાનો અનુભવ કરાવે છે અને તેનાથી વિક્ષિપ્ત લોકોને, પરેશાન લોકોને રાહત મળે છે તે પ્રકારના પ્રયોગો અને અનુભવ તેઓ અને તેમના સાથીઓ કરતા રહ્યા હતા.

હાર્વર્ડમાં ભણતા હતા ત્યારે આલ્પર્ટ અને લીયરીએ હાલૂસિનોજિક મશરૂમ અને એલએસડીના પ્રયોગો ત્યાંના કેટલાક સાથી વિદ્યાર્થીઓ અને બુદ્ધિજીવીઓ પર કર્યા હતા. માણસ નશામાં ઊંડો ઉતરી જાય ત્યારે શું થાય તે જાણવામાં તેમને રસ પડતો હતો. સાઇલોસ્બિન તરીકે ઓળખાતા પદાર્થો જેમાંથી મળે છે તે મશરૂમને જાદુઈ મશરૂમ તરીકે પણ ઓળખાવામાં આવે છે. દક્ષિણ ભારતમાં અમુક ભાગમાં આવા મશરૂમ થાય છે. તેના કારણે ગાંજા, કાલા કે અફિણ જેવો નશો ચડી જાય છે. કેટલાક દેશોમાં તેનો દવા તરીકે પણ ઉપયોગ થાય છે.

જોકે હાર્વર્ડ યુનિવર્સિટીના સત્તાવાળાઓને ખ્યાલ આવ્યો કે પછી આલ્પર્ટ અને લીયરીને કાઢી મૂકવામાં આવ્યા હતા. જાદુઈ મશરૂમનો નશો કર્યા પછી પોતે ગહન તંદ્રમાં ઉતરી ગયા હતા. ચારે બાજુ આછો ઉજાસ દેખાતો હતો અને પોતાના સિવાય બીજું કોઈ દેખાતું નહોતું. હાર્વર્ડનો હું પ્રોફેસર, પણ મારો એક હિસ્સો મારાથી જુદો થઈ ગયો હોય એમ મને લાગ્યું હતું એવું બધું તેમણે લખ્યું હતું.

હાર્વર્ડમાંથી કાઢી મૂક્યા પછી તે અને લીયરી ન્યૂ યોર્કમાં રહેવા ગયા હતા અને ત્યાં ધીમે ધીમે તેમના જેવા આપણી ભાષામાં કહીએ તો ગંજેર કલાકારોના ઝૂંડ એકઠા થતા રહ્યા હતા. ગિન્સબર્ગ, વિવિયમ બરો અને જેક કેરાઉક જેવા આપણા માટે અજાણ્યા, પણ ત્યાંના જાણીતા કલાકારો તેમની સાથે જોડાયા હતા.

એ દાયકો જ અમેરિકામાં નશામાં ઝૂમતા યુવાનોનો હતો. આપણા ઉડતા પંજાબ જેમ ઉડતા અમેરિકા જેવી હાલત હતી. એલએસડી અને મેરિયુઆના (ગાંજા)નો નશો યુવાનોમાં વ્યાપક બન્યો હતો. જોકે બીજા યુવાનોથી આલ્પર્ટ આખરે એ રીતે જુદા પડ્યા કે નશો કર્યા વિના નશામાં રહેવા માટે તેમણે ભારત તરફ નજર દોડાવી. ગિન્સબર્ગની સલાહને કારણે તેઓ 1967માં ભારત આવ્યા હતા અને નીમ કરોલી બાબાના આશ્રમમાં રોકાયા હતા.
આશ્રમમાં તેમણે યોગ, ધ્યાન, વિપશ્યના, સુફીઝમ સહિતની ભારતની અને પૂર્વની અધ્યાત્મ અને સમાધીની અવસ્થાની પરંપરાનો અભ્યાસ કર્યો. તેમને એમાં એટલી મજા પડી ગઈ કે તેમણે બાબાના શિષ્ય બનવાનું નક્કી કર્યું અને પોતાનું નવું નામ રામ દાસ સ્વીકાર્યું. ભારતના અનુભવો પછી તેઓ અમેરિકા પરત ફર્યા અને બી હીયર નાઉ નામનું પુસ્તક લખ્યું. તેઓ હવે લેખક તરીકે અને ભારતીય પરંપરાના ધ્યાનથી સ્વની ઓળખ, સ્વની પ્રાપ્તિ માટેના માર્ગદર્શક તરીકે પણ જાણીતા થવાના હતા.

અમેરિકા પાછા ફર્યા પછી તેમણે સાથીઓને જણાવ્યું કે યોગ અને ધ્યાનની પદ્ધતિથી નશો કર્યા વિના પણ મનના ઊંડાણમાં ઉતરી શકાય છે. ભારતમાં રહીને તેમણે જોયું હશે કે ભારતના સાધુઓ પણ ગાંજાની ચલમો ફૂંક્યા કરતા હોય છે અને અહીં તો ભાંગ પ્રસાદમાં ભક્તો પણ ગટગટાવી જતા હોય છે. પણ તેમણે અમેરિકામાં જ નશો કર્યો હતો તેની સામે આ કંઈ નહોતું. 1974માં તેમણે હનુમાન ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી અને ભારતમાં પોતાને યોગ અને ધ્યાનના અનુભવો થયા હતા તેનો ઉપયોગ કરીને વગર ડ્રગ્સથી કઈ રીતે ચિત્તને શાંત કરી શકાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. અગાઉ યુવાનીમાં તેઓ કેદીઓને ગાંજાનો નશો કરાવીને હળવાશ અનુભવે કે કેમ તેના પ્રયોગો વિચારતા હતા, પણ હવે તેમને વધારે સારો વિકલ્પ મળ્યો હતો. તેથી તેમણે પ્રિઝન આશ્રમ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં જેલમાં જઈને ધ્યાન અને અધ્યાત્મના માર્ગે કેદીઓને વાળવાના.

તેમના પ્રયાસોને સફળતા પણ મળવા લાગી હતી અને તેમના ઘણા અનુયાયીઓ પણ થવા લાગ્યા હતા. તેમણે આગળ જતા અંધાપા નિવારણ માટે સેવા ફાઉન્ડેશનની સ્થાપના કરીને બીજા સેવા કાર્યો પણ કર્યા હતા. સાથે જ પોતાના ગુરુ નીમ કરોલી બાબાના સંદેશના પ્રસાર અને પ્રચાર માટે તેમણે લવ સર્વ રિમેમ્બર (પ્રેમ સેવા સ્મરણ) ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી હતી. પૂર્વ અને પશ્ચિમનો મિલાપ થાય તે માટે તેઓ પ્રયાસો કરતા રહ્યા હતા. ભારતના અનુભવો પછી તેઓ પ્રકૃત્તિનું મહત્ત્વ સમજ્યા હતા અને તેથી શહેર છોડીને તેઓ કેલિફોર્નિયાના સેન એન્સેમ્લો જેવા નાના ગામમાં રહેવા જતા રહ્યા હતા. બૌદ્ધ પરંપરા અને તેની ધ્યાન પદ્ધતિઓ પણ તેમને એટલો જ રસ પડ્યો હતો.

તેમણે એકથી વધુ પુસ્તકો લખ્યા હતા અને ધ્યાન અને અધ્યાત્મના પોતાના અનુભવો તેઓ વર્ણવતા રહ્યા હતા. 1997માં તેમને લકવો થયો તે પછી તેમણે શારીરિક પીડાને અધ્યાત્મના અનુભવ સાથે જોડવાની કોશિશ કરી હતી. શારીરિક પીડા ઘણીવાર તમને અંતરમનના ઊંડાણમાં લઈ જાય છે એવું તેઓ માનતા હતા. બીમારી અને વૃદ્ધાવસ્થામાં પીડાનો સામનો કેવી રીતે અધ્યાત્મ અને ધ્યાનના માર્ગે થઈ શકે તે પ્રકારનો સંદેશ ફેલાવવા તેઓ કોશિશ કરતા રહ્યા હતા.

એક સંસ્કૃતિનો માણસ બીજી સંસ્કૃતિના પરિચયમાં આવે અને પ્રભાવિત થાય ત્યારે આવા કિસ્સા સર્જાતા હોય છે. ભારત અનોખો અને અજબગજબનો દેશ છે એમ માનીને ઘણા ભારત આવે છે અને બાબાઓ પાસે ધ્યાનના પ્રયોગો કરતા રહે છે. તેમાંથી સ્ટીવી જૉબ્સ જેવા ઘણા વળી પાછા કર્મના માર્ગે પણ ચડી જાય છે. તેઓ જાણતા હોય છે કે સમાધી લગાવીને બેસી જવાથી કંઈ હાંસલ થતું નથી. કર્મ કર્યા સિવાય છૂટકો નથી, પણ ધ્યાનથી ડહોળાયેલું મન શાંત થાય છે અને તમારા કર્મના માર્ગ તમને ઉત્સાહ સાથે આગળ વધવા પ્રેરે છે એવું જ્ઞાન ઘણા પીરસતા હોય છે. આ બધુ અગમનિગમ છે, સૌએ પોતપોતાની રીતે સમજવું, પણ બાબા રામ દાસ જેવા કિસ્સાને કારણે એટલું સમજવા મળે કે દુનિયાની જુદી જુદી પરંપરાઓને સમજવી જોઈએ અને તેમાંથી કંઈ શુભ પ્રાપ્ત થતું હોય તો સ્વીકારવામાં કંઈ ખોટું નથી.