દાયકાઓ સુધી તમિળ સમસ્યાને કારણે હિંસા જોનારા શ્રીલંકનો માટે પણ કોલંબોની હોટેલો અને ચર્ચમાં થયેલાં બોમ્બધડાકા આઘાતજનક હતાં. હવે શાંતિ રહેશે એવી આશા વચ્ચે નવા પ્રકારની હિંસાનો ભય ઊભો થયો છે. ઇસ્લામી જેહાદી આતંકવાદ પોતાના દેશમાં પહોંચી ગયો તેની ચિંતા લંકાના લોકોને થાય તેવું છે. દેશ પર ઇસ્લામિક સ્ટેટ જેવા ઇસ્લામી જેહાદી ત્રાસવાદી જૂથોનો ભય વધ્યો છે, ત્યારે દેશના નેતાઓ અંદરોઅંદર લડી રહ્યાં છે તે વાત આઘાતજનક છે. તેનાથી વધારે આઘાતજનક વાત તપાસ પછી ખુલી રહી છે. બોમ્બધડાકા કરનારા તત્ત્વોમાં મોટા ભાગે એવા લોકો હતાં, જે સારા વેપારી ઘરના હતાં, ભણેલાગણેલા હતાં અને સાઉદી અરેબિયાથી નિકાસ થતા વહાબી પંથના ઉદ્દામવાદમાં પૂરેપૂરા રંગાઈ ગયાં હતાં. ગીચ વસતિમાં રહેતાં, ગરીબ, બેકાર, અભણ યુવાનોને ધર્મને નામે ભરમાવામાં આવે અને તેમને હુમલાખોર બનાવવામાં આવે તે કલ્પના સહજ લાગે. પરંતુ ભણેલાંગણેલાં, વિદેશમાં અભ્યાસ કરી આવેલા, ધનિક વેપારી વર્ગના છોકરાઓ પણ જેહાદી અને વહાબી ત્રાસવાદી બની રહ્યાં છે તે વાત લંકાના લોકોને ચિંતા કરાવી રહી છે.
આવી ચિંતા ઘણા સમયથી ઊભી થઈ હતી, પણ લંકાના નેતાઓએ સમસ્યા તરફ ધ્યાન જ નહોતું આપ્યું તે વધારે આઘાતજનક હતું. આત્મઘાતી હુમલા થયાં અને 250નાં મોત થયાં તે પછીય પ્રમુખ સિરિસેના અને વડાપ્રધાન વિક્રમાસિંઘે એકબીજા સામે આક્ષેપો જ કરી રહ્યાં હતાં. ચિત્રલેખાએ અગાઉ આપેલા અહેવાલ પ્રમાણે ભારતે, અમેરિકાએ સ્પષ્ટ ચેતવણી આપી હતી. ભારતીય ગુપ્તચર તંત્રને ચોક્કસ માહિતી મળી હતી કે હુમલા થવાના છે. નામ, સરનામા અને ફોન નંબર અપાયાં હતાં, પણ લંકાની પોલીસ અને સલામતી દળો ઊંઘતા રહ્યાં. હવે તપાસમાં સ્પષ્ટ થવા લાગ્યું છે કે આખ્ખેઆખ્ખા કુટુંબ ત્રાસવાદમાં સંડોવાયેલા હતા. કુંટુંબમાંથી એકાદ માથાફરેલો યુવાન જતો રહે અને ત્રાસવાદીઓ સાથે ભળી જાય તેવું કાશ્મીરમાં આપણે જોયું છે. પણ કુટુંબના બાકીના સભ્યો કાયદાનું પાલન કરનારા નાગરિકો તરીકે જ રહેતાં હોય છે. શ્રીલંકામાં એવું જોવા મળ્યું કે બોમ્બધડાકામાં ત્રણેક કુટુંબ સંડોવાયા હતા અને તેના બધા જ સભ્યો આતંકીઓ કહેવાય તે રીતે સક્રિય હતાં. આ વાત વધારે ચિંતાજનક છે, કેમ કે આખેઆખે કુટુંબો ત્રાસવાદી થવા લાગે ત્યારે સામાજિક રીતે અને સલામતીની રીતે ચિંતા થાય. સમગ્ર કુટુંબ પર પોલીસને ઓછી શંકા જાય. મહિલાઓ અને દીકરીઓ પર પણ ઓછી શંકા જાય. બીજું માહિતીની આપલે કુંટુંબમાં અંદરોઅંદર થાય અને એક કુટુંબની વાતચીત બીજા ત્રાસવાદી કુટુંબ સાથે થાય. તેના કારણે પણ માહિતી લીક થઈ જવાની શક્યતા ઓછી થઈ જાય. તપાસ એજન્સીઓ માટે કામ કપરું બની જાય.
જાણકારો કહે છે કે આઈએસના ત્રાસવાદીઓએ આ નવી રીત અપનાવી છે. આખા કુટુંબને જ ત્રાસવાદી બનાવી દેવાનું. ઇન્ડોનેશિયામાં પણ કેટલાક વિસ્ફોટોમાં સમગ્ર કુટુંબ સંડોવાયેલું જોવા મળ્યું હતું. ભારતે ચિંતા કરવી પડશે, કેમ કે ભારતમાં પણ આખા કુટુંબો ત્રાસવાદીઓ થવા લાગશે ત્યારે સ્થિતિ સંભાળવી મુશ્કેલ બનશે. મુખ્ય આરોપી મોહમ્મદ ઝહેરાન હાશીમ, તેનો ભાઈ, તેના બે ભાઈઓ, તેની બહેન અને સંતાનો બધા વહાબી જેહાદી ત્રાસવાદી રંગે રંગાઈ ગયાં હતાં. પૂર્વ લંકામાં કટ્ટનકુડી શહેર મુસ્લિમ વસતિ ધરાવતું શહેર છે. તાલુકા કક્ષા જેવડા ગામમાં 60 મસ્જિદો છે. આટલી ઓછી હોય તેમ વધારે બની રહી છે. આ જ શહેરમાં હાશીમે પોતાના જૂથની તૌહિદ જમાતની અલગ મસ્જિદ બનાવી હતી. તેના માટેના નાણાં વિદેશમાંથી, ભારત અને મલેશિયામાંથી પણ મળ્યાં હતાં. ઝહેરાન હાશીમના પિતાએ તેને મદેરસામાં ભણવા મૂક્યો હતો, ત્યાં તે મૌલવીઓ સામે સવાલો કરવા લાગ્યો હતો. તે કહેતો હતો કે તમે અસલી ઇસ્લામ ભણાવતાં નથી. તેના વિચારો વધારે પડતાં ઉદ્દામવાદી લાગ્યાં એટલે મદરેસામાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. તેનો અર્થ એ થયો કે હાશીમના ઘરમાં જ ઉદ્દામવાદી માહોલ હતો. બાદમાં તેણે જાતે ધાર્મિક અભ્યાસ કર્યો અને મસ્જિદોમાં જઈને ભાષણો આપતો થયો. જોકે તેના ભાષણો જોખમી દેખાતાં, ઘણી મસ્જિદોએ તેને ના પાડી દીધી હતી. તેથી જ તેણે પોતાની અલગ મસ્જિદ અને અલગ ત્રાસવાદી સંસ્થા તૌહિદ જમાત બનાવી હતી.
ઝહેરાન અને તેનો ભાઈ રિલવાન કટ્ટનકુડી ગામના સૂફીઓની પાછળ પડી ગયાં હતાં. બંને વહાબી બન્યાં હતાં એટલે સૂફીને ગેરઇસ્લામી ગણીને તેમના પર હુમલા કરતાં હતાં. સુફીઓના એક કાર્યક્રમમાં તલવારો લઈને આ ભાઈઓએ હુમલો કર્યો હતો. તે પછી તેમની ધરપકડ પણ થઈ હતી, પણ પોલીસે તેમની પ્રવૃત્તિને ગંભીરતાથી લીધી નહોતી. ધરપકડ બાદમાં છૂટીને ઝહેરાન ભૂગર્ભમાં જતો રહ્યો હતો અને ઝેરીલા વિડિયો ઓનલાઇન મૂકતો હતો.
ઝહેરાનનું કુટુંબ મધ્યમ વર્ગનું હતું, પણ તેની સાથે જોડાયેલું કોલંબોનું એક કુટુંબ પૈસાદાર અને ચાનો મોટો ધંધો ધરાવતું હતું. આ પરિવારના બે ભાઈઓ હાશીમ સાથે જોડાઈને ત્રાસવાદી બની ગયાં હતાં. (હાશીમ અને તેના ભાઈએ આત્મઘાતી વિસ્ફોટ કર્યાં હતાં, પણ બચી ગયેલા પરિવારના લોકો છુપાયાં હતાં ત્યાં પોલીસે દરોડો પાડ્યો હતો. કટ્ટનકુડી ગામની નજીક નાના ગામમાં હાશીમનું કુટુંબ છુપાયું હતું. પોલીસ આવી એટલે અંદર રહેલાં તેના બે ભાઈઓ અને પિતાએ વિસ્ફોટ કરી નાખ્યો. તેમાં બાળકો સહિત 16 માર્યા ગયાં. હાશીમની પત્ની અને એક દીકરી ઇજા સાથે બચ્યાં છે.)
ઝહેરાન સાથે જોડાયેલો ત્રાસવાદી અબ્દુલ લતીફ મોહમ્મદ જમીલ ચાનો વેપાર કરનારા ધનિક કુટુંબનો હતો. યુકે અને ઓસ્ટ્રેલિયામાં ભણ્યો હતો અને બાદમાં સિરિયા પહોંચી ગયો હતો. 2014માં તુર્કી સુધી પહોંચ્યો હતો અને પછી શ્રીલંકા પાછો આવી ગયો. જમીલ વિદેશી ત્રાસવાદી જૂથો સાથે સંપર્કમાં હતો તેમ માનવામાં આવે છે અને ઝહેરાનને મદદ કરતો હતો. શ્રીલંકાની પોલીસની અહીં પણ ચૂક થઈ હતી. ઘણા વર્ષો પહેલાં તેના પિતા, જે કોલંબોમાં રાજકીય વગ પણ ધરાવે છે, તેમણે પોતાના દીકરાની ચિંતા વ્યક્ત કરી હતી. જમીલના ઉદ્દામવાદી વિચારોથી ગભરાઈને પોલીસના ઉચ્ચ અધિકારીની મદદ લીધી. અધિકારીએ તેને સમજાવીને આવા તત્ત્વોથી દૂર રહેવાનું કહ્યું હતું. તેના પર થોડો વખત નજર પણ રખાઈ હતી, પણ પછી પોલીસ આખી વાત કદાચ ભૂલી ગઈ હતી.
લંકાનું બીજું એક કુટુંબ પણ ત્રાસવાદી વિચારધારામાં આવી ગયું હતું. શ્રીલંકાના મધ્ય જિલ્લામાં એક શાળામાં આચાર્ય તરીકે કામ કરનારો મોહમ્મદ મુહસીન નીલમ સિરિયા પહોંચી ગયો હતો. જોકે 2015માં તે રક્કામાં માર્યો ગયો હતો. મુહસીન નીલમે જ સિરિયામાં રહીને બોમ્બધડાકા કરનારા પરિવારોને તૈયાર કર્યા હતા તેવી પણ તપાસ અધિકારીઓને શંકા છે.
કોલંબોમાં મસાલાનો વેપાર કરનારા એક કુટુંબના બે સંતાનો પણ ત્રાસવાદી બની ગયા હતા. ઝહેરાનના કુટુંબની જેમ જ ઇન્શાફ અહમદ ઇબ્રાહિમ અને ઇલ્હામ ઇબ્રાહિમ બંને ભાઈઓના કુટુંબો ઉગ્રવાદી વિચારોમાં આવી ગયા હતા.
ઇબ્રાહિમ પરિવારનો મસાલોનો વેપાર મધ્ય લંકાના શહેરોમાં પણ ચાલે છે. ઇલ્હામ ઇબ્રાહિમ મતાલેમાં રહીને વેપાર સંભાળતો હતો. તેનાથી 50 કિમી દૂર કુરુનેગલા ગામમાં જ ઝહેરાન હાશીમનું સાસરું હતું. હાશીમ અને ઇલ્હામની દોસ્તી અહીં જ થઈ હશે તેમ માનવામાં આવે છે. બંને ભાઈઓ આખરે આત્મઘાતી બોમ્બર બનવા તૈયાર થઈ ગયા હતા. ઇલ્હામ ઇબ્રાહિમનો પરિવાર કોલંબોના ઉપનગરમાં જ વૈભવી બંગલામાં રહેતો હતો. બોમ્બધડાકા પછી તપાસ કરવા પોલીસ તેના બંગલે પહોંચી ત્યારે તેની પત્ની ફાતીમા ઇબ્રાહિમે વિસ્ફોટ કરી દીધો. તેના શરીર પર પણ વિસ્ફોટકો હતા. તે પોતે મરી, સાથે તેના ત્રણ બાળકો અને ત્રણ પોલીસ પણ માર્યા ગયા.
ઇબ્રાહિમભાઈઓની જેમ જ બીજા બે હકભાઈઓ પણ ત્રાસવાદી નેટવર્કમાં જોડાયેલા હતા. જોકે તેઓ આત્મઘાતી બોમ્બધડાકામાં સામેલ થયા નહોતા. અઠવાડિયા પછી મોહમ્મદ અબ્દુલ-હક અને મોહમ્મદ શાહીદ અબ્દુલ-હકની પોલીસે ધરપકડ કરી હતી. ઇલ્હામ ઇબ્રાહિમ મધ્ય લંકામાં મસાલાનો વેપાર કરતો હતો, તેની સાથે આ ભાઈઓની કડી હોવાની શંકા છે. તેઓ મધ્ય લંકાના મવલેલ્લા શહેરમાં રહે છે. આ બંને ભાઈઓએ પુટ્ટાલમ જિલ્લામાં ખાનગી રહેણાંક બનાવ્યું હતું, જે ત્રાસવાદી અડ્ડા તરીકે ચાલતું હશે તેવી શંકા છે. તપાસમાં ખ્યાલ આવ્યો છે કે આ મિલકત ખરીદવા માટેનાં નાણાં ઇબ્રાહિમભાઈઓએ આપ્યા હતા. દરમિયાન ઝહેરાન હાશીમની બહેને નિર્દોષ દેખાવાની કોશિશ કરી હતી. તેણે પત્રકારોને જણાવ્યું કે પોતે ભાઈઓ અને કુટુંબ સાથે ઘણા સમયથી સંપર્કમાં નથી. મોહમ્મદ હાશીમ મદનિયા એવું નામ ધરાવતી બહેન પર પોલીસે નજર રાખી હતી. બાદમાં મદનિયાના ઘરે દરોડા પાડ્યા ત્યારે 20 લાખ શ્રીલંકન રૂપિયા મળી આવ્યા હતા. હાશીમે હુમલાના થોડા દિવસ પહેલાં જ મદનિયાને આ રૂપિયા પહોંચાડ્યા હતા.
આ રીતે એકથી વધુ પરિવારો ત્રાસવાદી નેટવર્કનો હિસ્સો બની ગયા હતા તેના કારણે શ્રીલંકાની પોલીસ ઉંઘતી રહી ગઈ. પોલીસને એમ લાગ્યું કે આ પરિવારો રૂઢિચૂસ્ત છે. વહાબી પંથમાં માનતા હોવાથી વધારે ચુસ્ત ઇસ્લામ અને વધારે સાદું જીવન જીવવામાં માને છે તેવી માન્યતાથી પ્રેરાઈને કદાચ પોલીસે ગંભીરતા દાખવી નહિ હોય. સુફી કાર્યક્રમમાં હુમલો, અલગ મસ્જિદ બનાવીને વહાબી પંથનો પ્રચાર, બૌદ્ધ પ્રતિમાઓ પર હુમલો, ગત જાન્યુઆરીમાં વિસ્ફોટકો અને 100 ડિટોનેટર્સનો જથ્થો પકડાયો – અને ભારત અને અમેરિકાના ગુપ્તચર તંત્રે પાકી બાતમી આપી હતી તે જૂદું. આમ છતાં પોલીસે વિચાર્યું જ નહિ કે આ કુટુંબો આત્મઘાતી બોમ્બધડાકા કરશે. આત્મઘાતી બોમ્બધડાકા કરવા માટે મોટું નેટવર્ક જોઈએ અને માથાફરેલા યુવાનો જ જોઈએ તેવી માન્યતા બદલવી પડશે. સીધાસાદા દેખાતા કુટુંબો પણ આત્મઘાતી ત્રાસવાદીઓ બની શકે તેની ચિંતા સલામતી અધિકારીઓએ કરવી પડશે.