થાઈલેન્ડના નવા રાજા ‘રામ દસમ’ કોણ છે?

ક તસવીર આજકાલ તમે જોઈ તેના તરફ તમારું ધ્યાન ખેંચાયું ખરું. ચિત્રલેખા ઓનલાઇનમાં પણ આ તસવીર થાઈલેન્ડના નવા રાજા અંગેના સમાચાર સાથે પ્રગટ કરેલી છે. થાઈલેન્ડમાં અત્યારે આમ તો રાજાશાહી પણ નથી અને લોકશાહી પણ નથી. લોકતંત્રના નામે લશ્કરી શાસન ચાલે જ ચાલે છે, પણ પ્રજામાં પરંપરાનું એટલું મહત્ત્વ છે કે બંધારણીય રાજાશાહી અકબંધ રાખવામાં આવી છે. આ રાજા આમ તો નામના રાજા હોય, રાજા, વાજા અને વાંદરા જેવા પણ હોય, પણ ચલાવી લેવા પડે.તે રીતે થાઈલેન્ડના નવા રાજાને પણ લશ્કરી શાસકો ચલાવી લેવા માગે છે.

એવી ચર્ચા છે કે રાજા અને લશ્કરી જનરલો વચ્ચે સમજૂતિ થઈ છે અને તેના ભાગરૂપે કામ આગળ ચાલ્યું છે. જે તસવીરની વાત છે એ રાજ્યાભિષેકને લગતી નથી, પણ રાજાએ સિંહાસન પર બેસતાં પહેલાં સત્તાવાર રીતે (વધુ એકવાર, છવાર તો થઈ ચૂક્યાં છે) લગ્ન કરીને નવી ધર્મપત્નીને રાણીનો દરજ્જો અપાવ્યો છે. નવી રાણીનો હોદ્દો જનરલ કક્ષાનો છે અને તેનું કામ રાજાની રક્ષા કરતા સુરક્ષાગાર્ડની આગેવાની કરવાનું છે. આ રાણી વિમાનમાં એરહોસ્ટેસ તરીકે કામ કરતી હતી. રાજાને ગમી તે રાણી, એટલે હવે તે થાઈલેન્ડની રાણી બનશે. જોકે પટરાણી
નહીં ગણાય, તથા અગાઉની પત્નીથી થયેલા સંતાનોમાં સૌથી મોટા પુત્રને વારસદાર ગણવામાં આવશે. તેમની ત્રીજી પત્ની શ્રીરશ્મી સુવાદીથી થયેલો જયેષ્ઠ પુત્ર દીપકર્ન રશ્મીજ્યોતિ ભાવી રામ અગિયાર બનશે. તસવીરમાં તમે જુઓ તે કઈ રીતે ફરસ પર અડધી પડીને રાજાને નમન કરી રહી છે.આપણે ત્યાં સાષ્ટાંગ દંડવત કરવાની રીત છે. તેમાં પણ કંઈ માનમોભો જળવાતો હોય છે. આ રીતનું નમન આપણને જરાક વિચિત્ર લાગે. તસવીરમાં જરાક પાછળ નજર કરો. બાકીના સુરક્ષા અધિકારીઓ પણ એ જ રીતે ફરસ પર ઘૂંટણીયે પડેલા છે.રાજા સિંહાસન જેવી ખુરશી પણ બેઠાં છે અને પાસે ઘૂંટણીયે પડેલી રાણીને આશીર્વાદરૂપે રજવાડી પ્રતીક અર્પણ કરે છે.ઠીક છે, તેમની પરંપરા હશે. આપણને કંઈ વાંધો નથી. પણ આ તસવીર એ દર્શાવે છે કે શા માટે છેલબટાઉ હોવા છતાં આ યુવરાજને થાઈલેન્ડના લશ્કરી શાસકોએ નવા સમ્રાટ તરીકે સ્વીકારવો પડ્યો છે. અગ્નિ એશિયાના દેશોમાં આજેય બહુ ચૂસ્ત રીતે પરંપરાને વળગી રહેવામાં આવે છે. ઘણા ભારતીયો બહુ ગૌરવ લેતાં હોય છેકે થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને મલેશિયા અને બર્મા વગેરેમાં ભારતીય પરંપરાઓ, ભારતીય શાસ્ત્રો, રામાયણ આજે પણ એટલાં જ માનમોભો દર્શાવે છે.વાત સાચી પણ છે. આજે પણ રામાયણની કથા, રામલીલા, રામકથાના પ્રતીકોનું સન્માન આ દેશોમાં જળવાઈ રહ્યું છે. તેના કારણે જ નવા રાજાને બીરૂદ અપાયું છે તે પણ અપાયું છે રામ દસમ. તેમના પિતા, જેમણે સૌથી લાંબો સમય ગાદી પર વિતાવ્યો તે ભૂમિબોલ અદુલ્યદેય રામ નવમ હતા. તેમના પછી આ તેમના એક માત્ર પુત્ર રાજા દસમ બનશે. તેમનું પૂરું નામ છે મહા વજિરાલોંગકર્ન દ્વાદેબાયા વાંકુન રામા દશમ.વજિરાલોંગકર્ન એટલે વજ્રધારી ઇન્દ્ર સમાન મહાબલી દેવતાઓનો વંશજ. આ વંશને ચક્રી રાજવંશ તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લાં રાજા ભૂમિબોલ 70 વર્ષ ગાદી પર રહ્યાં અને હવે તેમનો વારસો આગળ વધ્યો છે, પણ માત્ર બંધારણીય રીતે,
વાસ્તવમાં રાજાની કોઈ સત્તા હવે રહી નથી.1782માં ચક્રી રાજવંશની સ્થાપના થઈ હતી અને તેના પ્રથમ રાજાને રામ પ્રથમ તરીકે ગાદીએ બેસાડાયાં હતાં. તે વખતે તમિલનાડુના પંડિતોએ તેમનો રાજ્યાભિષેક કરાવ્યો હતો. તેમના વંશજો આજે પણ થાઈલેન્ડમાં રહે છે અને તેમના હસ્તે જ રામ દસમનો રાજ્યાભિષેક ચાલી રહ્યો છે. જાન્યુઆરી 2019માં કાર્યક્રમ જાહેર થયો હતો અને ભારતીય, હિન્દુ તથા બૌદ્ધ પરંપરા પ્રમાણેની વિધિઓ છઠ્ઠી એપ્રિલથી શરૂ થઈ છે. છઠ્ઠી મે આખરે રાજગાદી પર મહા વજિરાલોંગકર્નનેબેસાડીને તેમને રામ દસમ જાહેર કરાયાં છે..રામ નવમ ભૂમિબોલ અદુલ્યદેયનો રાજ્યાભિષેક પાંચમી 1950ના રોજ થયો હતો. તેમને એક પુત્ર અને બે પુત્રીઓ હતી. 1972માં છેક વજિરાલોંગકર્નને
સત્તાવાર રીતે રાજકુંવર જાહેર કરાયાં હતાં. ભૂમિબોલનું અવસાન 13 ઑક્ટોબર 2016ના રોજ થયું હતું. તે પછી સત્તાવાર શોક અને નવા રાજાની પસંદગીની વિધિઓ પ્રમાણે આખરે 28 જુલાઈ, 1952માં જન્મેલા રાજકુંવર રાજા બનશે.વજિરાલોંગકર્ન વિદેશમાં જ ભણ્યાં છે અને વધારે સમય વિદેશમાં જ રહેતાં હતાં.છેલ્લે તેમણે જર્મનીના બવેરિયા પ્રદેશમાં એક વીલા ખરીદ્યો ત્યારે સમાચારમાં ચમક્યાં હતાં. સ્ટાનબર્ગર નામે જાણીતા સરોવરના કિનારે બહુ ભવ્ય આ વીલા છે. વીલા સ્ટોલબર્ગ 2016માં ખરીદવામાં આવ્યો હતો. કોણે ખરીદ્યો તેના વિશે સ્થાનિક લોકોને બહુ ખબર નહોતી, પણ ધીમે ધીમે તેના વિશેની વાતો વહેવા લાગી હતી. સાયકલ લઈને તેનો માલિક ફરવા નીકળે ત્યારે ટીશર્ટ ફાંદની ઉપર ચડાવી દીધું હોય. પેટ પર ચીતરેલા ટેટૂ પણ દેખાય. કોઈએ તેની વિડિયો ક્લિપ બનાવીને મૂકી તે વાઇરલ થઈ હતી. જર્મનીના મ્યુનિકમાં પણ લેવાયેલી કેટલીક તસવીરો વાઇરલ થઈ ત્યાર પછી થાઈલેન્ડની સરકારે ફેસબૂકને જણાવ્યું હતું કે આ બધી તસવીરો અને વિડિયો ડીલીટ કરો.તેના કારણે લોકોને ખ્યાલ આવ્યો કે વૈભવી જીવન જીવતો આ માણસ તો થાઈલેન્ડનો ભાવિ રાજા છે. તે પછી અખબારોમાં તેની લાઈફ સ્ટાઇલ વિશે છપાતું રહ્યું.

આવા અનેક વૈભવી વીલા તેમની પાસે હોવાનું અને તેના ખર્ચા થાઈલેન્ડ સરકાર ભોગવતી હોવાના અહેવાલો ચમકતા રહ્યાં હતાં. તેમની છ પત્નીઓ છે અને ઉપપત્નીઓ અલગ. તે બધાથી 13 સંતાનો થયાં છે. ઉપપત્નીઓમાં છેલ્લે સુતિદાનો પણ સમાવેશ થતો હતો, પણ હવે તેમની સાથે લગ્ન કરીને રાણીનો દરજ્જો અપાયો છે. વિમાન પ્રવાસ દરમિયાન સુતિદા સાથે પ્રવાસ થયા પછી તેને યુવરાજના સુરક્ષા કર્મચારી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તે દળના કમાન્ડર તેમને બનાવી દેવાયાં. તે પછી હોદ્દો વધતો જ ગયો, કર્નલ, મેજર જનરલ અને લેફ્ટનન્ટ જનરલ સુધીની બઢતી તેમને આપવામાં આવી હતી.આ વર્ષની શરૂઆતમાં આખરે વજિરાલોંગકર્નના રાજ્યાભિષેકનો કાર્યક્રમ જાહેર થયો તે પછી સુતિદાનું શું થશે તે પણ સવાલ હતો, પણ યુવરાજ તેમના સંબંધો અંગે ગંભીર હતાં તેમ લાગે છે. કેમ કે પિતા ભૂમિબોલ બિમાર હતાં તે અરસામાં જ 2016માં તેમણે જર્મનીનો વીલા ખરીદાવ્યો હતો. તે વીલામાં તેમની સાથે સુદિતા જ રહેતી હતી તેવું અનુમાન છે. રાજાના અવસાન પછી યુવરાજ હવે રાજા બને ત્યારે તેમની સાથે સંબંધો રાખનારાની પણ ઓળખ કરવી જરૂરી બને. સુદિતાને અયુત્થયા તેવો દરજ્જો અપાયો હતો. લગ્ન ના થયા હોય, પરંતુ રાજા સાથે રહેતી હોય તેવી નારી તરીકેનો આ દરજ્જો ગણાય અને તેના કારણે પોતાના નામ પાછળ વજિરાલોંગકર્ન પણ લખી શકાય. જોકે આખરે રાજા બનતા પહેલાં અને રાજમહેલમાં ત્રીજી મેના રોજ પ્રવેશ કરતા પહેલાં જ બીજીએ સમાચાર આવ્યા કે સુદિતા સાથે લગ્ન કરી લેવામાં આવ્યાં છે. તેના કારણે સુદિતા હવે રાજાની અયુત્થયા નહીં,પણ રાણી થયાં.
જોકે તેમના પુત્રને પાટવીકુંવર થવા નહીં મળે કેમ કે તે દરજ્જો ત્રીજી પત્ની શ્રીરશ્મી સુવાદીથી થયેલા દીકરાને મળશે. તેમનો આ પુત્ર દીપકર્ન રશ્મીજ્યોતિ 14 વર્ષનો છે અને જર્મનીમાં જ ભણે છે. સ્ટોનબર્ગ સરોવરના
કિનારે આવેલા વીલામાં જ તે રહે છે. સરોવર જ્યાં આવેલું છે તે જર્મન શહેર ટુટસિંગનમાં તે ભણતો હોવાનું મનાય છે.
સુતિદાના દરજ્જાનો સવાલ ઊભો ના થાય તે માટે જ લગ્ન કરી લેવાયું મનાય છે.લગ્ન નહોતા કર્યા ત્યારે 1987માં એકવાર સુતિદા સાથે તેઓ જાપાનના પ્રવાસે ગયા હતા. જાપાનના સમ્રાટ સાથે મુલાકાત ગોઠવાઈ ત્યારે તેમણે સુતિદાને સાથે રાખવાનો આગ્રહ કર્યો હતો, પણ જાપાન સરકારે પ્રોટોકોલ અને જાપાની રાજવંશની પરંપરાને ધ્યાનમાં રાખીને તેમની સ્ત્રીમિત્રને સાથે રાખવાની મનાઈ કરી હતી.જાપાનના નેતાઓ સામે તેમને બરાબરની દાઝ હતી. માર્ચ 1996માં થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં સંમેલન યોજાયું તેમાં ભાગ લેવા જાપાની વડાપ્રધાન આવવાના હતા. વજિરાલોંગકર્ને તે વખતે ઇરાદાપૂર્વક પોતાનું વિમાન એરપોર્ટ પર રન વે પર નડે તેવી રીતે ઊભું રાખી દીધું હતું. જાપાની વડાપ્રધાનને રાહ જોવરાવ્યા પછી તેમણે પોતાનું વિમાન હટાવ્યું હતું. રાજદ્વારીનું કહેવું છે કે જાપાની નેતા સામેનો ગુસ્સો આ રીતે તેમણે કાઢ્યો હતો.

ત્રીજી પત્નીથી થયેલો પુત્ર વારસદાર થવાનો છે અને જર્મનીમાં ખરીદેલા વીલામાં જ રહે છે, પણ તેની સાથે તેમની માતા શ્રીરશ્મી રહે છે કે કેમ તે સ્પષ્ટ નથી. કેમ કે વચ્ચે શ્રીરશ્મી અને તેમના વચ્ચે ઝઘડો થયો અને તેમને છૂટાછેડા આપી દેવાયાં તે પછી પોતાના સાસુસસરા અને સાળાસાળીઓને પણ જેલમાં પુરાવી દીધાં હતાં. થાઈલેન્ડના રાજાના નામે અઢળક સંપત્તિ છે અને સરકાર તરફથી તેમનો બધો ખર્ચ ઉપાડવામાં આવે છે. તેના કારણે તેમની આસપાસ
જાતભાતના લોકો જમા થઈ જતા હોય છે. કદાચ પૈસાના જ મામલે તેમની નીકટના 3ની રહસ્યમય હત્યા થઈ ગઈ હતી તેમ માનવામાં આવે છે. આવા વારસદારને થાઈલેન્ડના સૈનિક શાસકોએ શા માટે બંધારણીય સમ્રાટ તરીકે
સ્વીકાર્યા તે કદાચ આપણને નહીં સમજાય. પણ પરસ્પરના હિતો સંભાળવાની વાત લાગે છે. લશ્કરી શાસકોને પોતાનું કામ કરવા દેવાનું અને પોતે રાજકુંવર તરીકે રંગીન અને મોજીલું જીવન જીવતાં હતાં તેમ જીવતા રહે તેવી સમજૂતિ થયાનું ઘણાં કહે છે.

ઑક્ટોબર 2016માં તેમના પિતા અને રાજા ભૂમિબોલના અવસાન પછી લાંબો સમય તેઓ જાહેરમાં દેખાયા નહોતા. લશ્કરી શાસકોએ જુલાઈ 2017માં એક કાયદો કરીને રાજાઘરાની બધી સંપત્તિની માલિકી રાષ્ટ્રની કરીને તેની જવાબદારી સરકાર સંભાળશે તેવો નિર્ણય લીધો હતો. જોકે બાદમાં ખાનગીમાં ચર્ચાઓ થતી રહી હતી અને લશ્કરી શાસકો સાથે સમાધાન કરીને વળી નવા કાયદા કરાવાયાં છે. ફરીથી એકવાર રાજપરિવાર અને રાજમહેલની સુરક્ષા, તેમની વ્યવસ્થા વગેરે રાજવીકુટુંબને મળે તેવા કાયદા કરાવાયાં છે. બીજું બંધારણમાં રાજાનું સ્થાન અકબંધ રખાયેલું છે, તેથી જ્યાં સુધી બંધારણ ના બદલાય ત્યાં સુધી લશ્કરી શાસકોએ કે ભવિષ્યમાં ચૂંટાયેલી સરકારોએ પરંપરા જાળવવી પડશે. પરંપરા વિધિઓ પ્રમાણે જળવાશે, પણ પ્રજાનો અસલી પ્રેમ મેળવવા માટે નવા રાજાએ સુધરવું પડશે. રાજકુંવર તરીકે છેલબટાઉની જેમ ફરતાં હતાં, તેમાં ફેરફારો કરવા પડશે.જાપાનના વયોવૃદ્ધ સમ્રાટે પણ હાલમાં જ પરંપરા પ્રમાણે આજન્મ સમ્રાટ રહેવાના બદલે નિવૃત્ત થવાનું નક્કી કર્યું અને નવા સમ્રાટને નિમવામાં આવ્યાં. જાપાનના લોકોને તે માટે દસ દિવસની રજાઓ મળી, કેમ કે ત્યાં પણ વિધિવત રીતે નવા સમ્રાટનો રાજ્યાભિષેક ચાલ્યો. જોકે જાપાનના લોકોને બ્રિટનના લોકોની જેમ પોતાના સમ્રાટ માટે માન છે. થાઈલેન્ડમાં શું થાય છે તે જોવાનું રહ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]