અમેરિકામાં નમો…નમો…રાતે જાગીને પણ લાઈવ પરિણામો નિહાળાયાં

શિકાગો– સૌથી મોટી લોકશાહી ધરાવતાં ભારતમાં ભાજપે 300થી વધુ સીટો પર જીત મેળવીને ભગવો લહેરાવ્યો છે. ત્યારે અમેરિકામાં પણ મૂળ ભારતીયોએ, દેશમાં નરેન્દ્ર મોદીની જીતની ઉમળકાભેર ઉજવણી કરી હતી.લોકસભા ચૂંટણીનું વલણમાં પરિણામ જેમજેમ આવતું ગયું તેમતેમ એનઆરઆઈ સર્કલ્સમાં ઉત્સાહની લહેર ફરી વળી હતી. દેશની રાજનીતિમાં એક નવું પ્રકરણ આલેખાતું હોય તેવી જીતરુપે ભાજપે એકલેહાથે 300થી વધારે સીટો પર વિજેતા બની છે. ત્યારે દેશથી હજારો કિલોમીટર દૂર અમેરિકામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતને લઇને ઉજવણી કરવામાં આવી હતી.ઓવરસીઝ બીજેપીના હોદ્દેદોરાએ અમેરિકાના જુદાજુદા શહેરોમાં એકત્ર થઇને અમેરિકામાં રાત હોવા છતાં પણ દેશની ચૂંટણીનું પરિણામ લાઇવ જોયું હતું. નરેન્દ્ર મોદીની સરકાર ફરીથી આવી રહી છે તે નક્કી થતાં કેક કાપીને તેમ જ મીઠાઇ ખવડાવીને ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ દેશભક્તિના ગીતો પણ ગાઇને ખુશી વ્યક્ત કરી હતી..
છેલ્લાં એક વર્ષથી દેશમાં જ નહીં સમગ્ર દુનિયામાં જ્યાંજ્યાં ભારતીયો વસે છે. ત્યાં દેશની ચૂંટણીમાં કોની સરકાર આવે છે. તેની પર નજર રાખતાં હતાં. છેલ્લા 2 મહિનાથી તો અમેરિકામાં મૂળ ભારતીયો અને તેમાંય ઓવરસીઝ બીજેપી અને ઓવરસીઝ કોંગ્રેસના હોદ્દેદાર ભારતમાં આવીને તેમ જ અમેરિકામાં પણ ચૂંટણીને લઇને ભારે ઉત્સુક હતાં અને પ્રચાર કરતાં હતાં. પરિણામોનો ટ્રેન્ડ શરુ થયો ત્યાંથી લઇ ભાજપની જીત પાકી થઈ ત્યાં સુધી રાત્રિ હોવા છતાં જાગીને ટીવી પ્રસારણમાં લાઇવ પરિણામ જોયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ફરીથી બનતી જોઇને તો ભારે ઉલ્લાસમાં આવીને ઉજવણી કરી હતી.
અમેરિકા સહિત દુનિયાના 27 જેટલાં દેશોમાં ઓવરસીઝ બીજેપીના હોદ્દેદારો દ્વારા ભારતમાં આવીને નરેન્દ્ર મોદીની સરકાર ફરીથી આવે તે માટે પ્રચાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, અમેરિકામાં તો ઓવરસીઝ બીજેપી દ્વારા ભાજપની જીત માટે સંખ્યાબંધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યાં હતાં. ત્યારે આજે જે રીતે દેશમાં ભગવો લહેરાઇ રહ્યો છે,તેને લઇને હવે  એનઆરઆઇ દ્વારા દેશની સરકાર પાસેથી પોતાની પડતર માગણીઓ પૂરી થાય તે માટેની આશા સેવી રહ્યાં છે. એનઆરઆઇ સર્ક્લ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ફરીથી આવે તે માટે આશા સેવવામાં આવી રહી હતી.જે રીતે અમેરિકામાં પણ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પોતાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના સૂત્રનો ઉપયોગ કર્યો હતો. એ જોતાં જ  નરેન્દ્ર મોદીની લોકચાહના પહેલેથી જ અમેરિકામાં હતી તે પ્રસ્થાપિત થઈ ગયું હતું. અમેરિકામાં શિકાગો, ન્યૂયોર્ક, ન્યૂજર્સી સહિતના શહેરોમાં ઓવરસીઝ બીજેપીના હોદ્દેદારો દ્વારા હવે એનઆરઆઇની પડતર માગણીઓ અંગે રજૂઆત કરવામાં આવશે, તેવું ઓવરસીઝ બીજેપીના પ્રવક્તાએ જણાવ્યું હતું. એટલું જ નહીં અમેરિકામાં ગુજરાતીઓ પરના વધતા જતાં હુમલા તેમ જ અન્ય મુશ્કેલીઓ અંગે પણ ઓવરસીઝ બીજેપી દ્વારા દેશની નવી નરેન્દ્ર મોદીની સરકારને અસરકારક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવશે.