ઝિમ્બાબ્વેમાં લશ્કરી બળવો થયો છે. સેનાએ એવી સ્પષ્ટતા કરી છે કે બળવો નથી, પણ કેટલાક ક્રિમિનલ સામે કાર્યવાહી થઈ રહી છે. પણ આવી કાર્યવાહી કરવા માટે પ્રમુખના ઘરને ઘેરી લેવું પડે અને રેડિયો તથા ટીવી સ્ટેશનને કબજે કરી લેવાની જરૂર ના પડે. આવી જરૂર કેમ પડી એ સવાલ વધારે અગત્યનો છે. સેનાએ બળવો કર્યો તેના અઠવાડિયા પછી એક તસવીર બહાર પાડી છે તેમાં રોબર્ટ મુગાબેની સાથે સેનાના જનરલ કોન્સ્ટેટીનો શિવાન્ગા તથા અન્ય અધિકારીઓ વાતચીત કરી રહ્યા છે.દેખાવ એવો થઈ રહ્યો છે કે મુગાબે જ સત્તામાં છે, પણ સત્તા પરિવર્તન થઈ રહ્યું છે તે ઝિમ્બાબ્વેના નાગરિકો સમજવા લાગ્યા છે. શિવાન્ગાએ ચીનના તથા આફ્રિકા યુનિયનના નેતાઓ સાથે પણ વાત કરી લીધી છે અને બળવા પછી તેમના આશીર્વાદ મેળવી લીધા છે એવું મનાય છે. ચીને આફ્રિકામાં કેટલો પગપેસારો કર્યો છે તેનું પણ આ એક ઉદાહરણ છે.
જોકે શિવાન્ગા પોતે આ બળવાના મુખ્ય સૂત્રધાર નથી. સૂત્રધાર મનાય છે એમરસન મનનગાગવા, પખવાડિયા પહેલાં જેમને પદ પરથી દૂર કરાયા તે ઉપપ્રમુખ. મનનગાગવા રોબર્ટ મુગાબેના પ્રારંભકાળથી જ સાથી અને અત્યાર સુધી તેમનો મજબૂત આધાર બનીને ઊભા રહેલા નેતા. પણ એ નેતાને જ પદ પરથી હટાવ્યા ત્યારે લાગતું હતું કે કંઈક નવાજૂની થશે. અને થઈ પણ ખરી. મનનગાગવા વિદેશ જતા રહ્યા છે. યોગ્ય ઘડીએ દેશમાં પાછા ફરે અને સત્તા સંભાળી લે તેવી શક્યતા છે. મુગાબે લોકપ્રિય નેતા ઘણા વખતથી નથી રહ્યા, પણ તેમની પ્રતીભા એટલી વિશાળ રહી છે કે તેમને માનસન્માન સાથે સત્તા પરથી ઉતરી જવાની તક આપવી પડશે. તેમને સન્માન સાથે વિદેશ જવા દેવા અથવા તો માત્ર બંધારણીય હોદ્દો આપીને એક ખૂણે બેસાડી રાખવા – શું કરવું તેની વિચારણા ચાલી રહી છે.
રોબર્ટ મુગાબે 93 વર્ષના થયા છે. 93 વર્ષે પણ તેમને શક્તિશાળી નેતા ગણવા પડે છે, કેમ કે છેલ્લા 37 વર્ષોથી તેમણે એકહથ્થુ રીતે ઝિમ્બાબ્વેનું શાસન ચલાવ્યું છે. ભારતમાંથી અંગ્રેજોને હાંકી કઢાયા તે પછી ધોળિયાઓનું શાસન વિશ્વમાંથી ખતમ થવા લાગ્યું, પણ બીજા ચારેક દાયકા આફ્રિકામાં અશ્વેતોનું શોષણ ચાલતું રહ્યું હતું. લાંબી લડત પછી મુગાબેએ ધોળિયાઓને હાંકી કાઢ્યા અને સશસ્ત્ર ક્રાંતિ દ્વારા સત્તા પ્રાપ્ત કરી. તે વખતે લડાઇમાં તેમની સાથે જ હતા મનનગાગવા. તેનાથી 20 વર્ષ નાના. મુગાબેના સહાયક અને બોડીગાર્ડ તરીકે પડછાયાની જેમ મનનગાગવા સાથે રહ્યા. સત્તા પ્રાપ્તી પછી વિશ્વાસુ તરીકે મનનગાગવાને એક પછી એક હોદ્દાઓ મળતા રહ્યા હતા. વચ્ચે એક તબક્કો એવો આવ્યો હતો કે 2005માં તેમનું ડિમોશન કરાયું હતું. આમ છતાં મનનગાગવાએ વફાદારી છોડી નહીં, તેથી ફરી 2012થી તેઓ સત્તાસ્થાને આવ્યા અને તેમને ઉપપ્રમુખ બનાવાયા હતા. મનનગાગવાએ ધીમે ધીમે સેનામાં પોતાનું વર્ચસ વધાર્યું હતું. જાસૂસી તંત્રના વડા તરીકે ઝિમ્બાબ્વેમાં અસલી પકડ મનનગાગવાની જ રહી છે. 93 વર્ષના થયેલા મુગાબે ક્યારે રિટાયર્ડ થાય તેની રાહ જોવાતી હતી. રિટાયર્ડ ના થાય તો ઉપર પણ જતા રહે ત્યારે સત્તા મળશે તેવી આશાએ મનનગાગવાએ વફાદારી છોડી નહોતી.
પણ હવે પ્રવેશ થાય છે સ્ત્રીપાત્રનો. સ્ત્રીઓ માટે પૂરું સન્માન છે, પણ સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તેવી કહેવત જણાવીએ ત્યારે સ્ત્રીઓ ખુશ થાય છે. તેથી નિષ્ફળતા પાછળ પણ ક્યારેક સ્ત્રીઓ હોય છે તેવું કહીએ ત્યારે નારાજી નહીં થાય તેવી આશા સાથે વાત કરીએ ગ્રેસ મુગાબેની. ગ્રેસ મુગાબે રોબર્ટ મુગાબેના પત્ની. ઉંમર 53 વર્ષ. મુગાબેથી 40 વર્ષ નાના. ફેશનેબલ. ઉડાઉ. વૈભવી જીવનશૈલી તેથી ઉપનામ પડ્યું હતું ગુસ્સી ગ્રેસ. વળી પાછો તેજ મિજાજ. પતિ પાછળ રહીને સત્તા ધીમે ધીમે કબજે કરવાની ચાલ. વિરોધીઓ ખતમ જ કરી નાખવાના. અત્યંત તુમાખીભર્યું વર્તન. આ બધાના કારણે બીજી અને ત્રીજી હરોળમાં રહેલા નેતાઓમાં ધિક્કારને પાત્ર.જયલલિતાની સાથે પડછાયાની જેમ રહેનારી શશિકલાએ પોતાને સર્વ શક્તિશાળી સમજીને સત્તા કબજે કરવાની કોશિશ કરી તેવું જ કંઈક ગ્રેસ મુગાબેના કિસ્સામાં થયું છે. શશિકલા, તેનો પરિવાર અને તેના ટેકેદારોની ટોળકીને મન્નારગુડી ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે ગ્રેસની ગેંગને જી-40 એવા નામે ઝિમ્બાબ્વેમાં ઓળખવામાં આવે છે. ઉપપ્રમુખ તરીકે મનનગાગવા મુગાબેના વારસદાર મનાતા હતા. ગુપ્તચર તંત્ર અને સેના પર તેમની પકડ તેથી શક્તિશાળી પણ હતા. પણ ગ્રેસ મુગાબે પતિની જગ્યાએ સત્તા સંભાળવા માગતા હતા અને તેના અનુસંધાને જ એક પખવાડિયા પહેલાં મનનગાગવાને તેમના હોદ્દા પરથી હટાવી દેવાયા.
મનનગાગવાને પ્રમુખના મહેલમાં મળવા બોલાવાયા હતા, પણ તેઓ ગયા નહોતા. કદાચ તેમને ખ્યાલ આવી ગયો હતો કે ગ્રેસ મુગાબેએ જાળ ગોઠવી દીધી છે. પોતાની ધરપકડ થઈ શકે તેવા ડરથી મનનગાગવા પ્રમુખને મળવા જ ના ગયા. તેથી સત્તાવાર જાહેરાત કરી દેવાઈ કે પ્રમુખના અપમાન બદલે મનનગાગવાને પદચ્યૂત કરવામાં આવે છે. તે પછી ઘટનાક્રમે ઝડપથી આકાર લીધો. મનનગાગવા અજાણ્યા સ્થળે જતા રહ્યા અને સેનાએ રસ્તા પર આવીને સત્તા જમાવી દીધી છે. પોલીસને જણાવી દેવાયું છે કે તેમણે ઘરે જ રહેવું. ઝિમ્બાબ્વેના મુખ્ય શહેરોમાં રસ્તાઓ પર હવે ટેન્કો ફરી રહી છે. ગ્રેસ મુગાબે પણ ગૂમ થઈ ગઈ છે. તે ક્યાં ગઈ છે તે સ્પષ્ટ નથી, પણ મુગાબે હજી હેમખેમ છે તેમ દર્શાવવા પેલી તસવીર પ્રસિદ્ધ કરાઇ છે.
મુગાબે 93 વર્ષના અને દેશમાં હવે ધિક્કારને પાત્ર ગણાય છે. કેમ કે તેમણે અર્થતંત્રની એટલી ખરાબ હાલત કરી છે કે પ્રજા પરેશાન છે. મુગાબે હવે જોય તો સારું એવી લાગણી નાગરિકોની હતી. જોકે મુગાબે બહુ મોટું નામ. ધોળિયાઓ સામે આઝાદી અપાવી અને રાષ્ટ્રવાદ ઊભો કર્યો. તેથી આખરે ગણાય વડીલ. વડીલ સામે નારાજી છતાં વડીલની આમન્યા જાળવવાની જે પરંપરા એશિયા અને આફ્રિકામા છે તે અનુસાર મુગાબે સામે સીધો બળવો કરવા કોઈ તૈયાર નહોતું. હજી પણ નથી. સૌની ઈચ્છા એવી કે વડીલ સ્વંય હટી જાય, પણ સત્તાકારણમાં એવું થાય નહિ. તેથી નાછૂટકે ઝિમ્બાબ્વેમાં સેનાનો બળવો થયો છે અને મોટા ભાગે મનનગાગવા સત્તા પર બેસશે તેમ મનાય છે.
આમ છતાં ઝિમ્બાબ્બેની શેરીઓમાં ભારેખમ શાંતિ છે. બળવા સામે કોઈ વિરોધ પણ થયો નથી.
ગ્રેસની ટોળકી ગાયબ થઈ ગઈ છે અને મુગાબેના ટેકેદારો વિરોધમાં દેખાયા નથી. કદાચ મુગાબેના ટેકેદારો 37 વર્ષના શાસન પછી રહ્યા પણ નથી. બીજી બાજુ નાગરિકોમાં ઉત્સાહનું પણ વાતાવરણ નથી. ટેન્ક આગળ આવીને સૈનિકોને વધાવીને ઉજવણી કરવામાં આવે તેવી ઉજવણી પણ થઈ રહી નથી. તેનું કારણ પણ મનનગાગવા છે. મનનગાગવાની છાપ પણ સારી નથી. જાસૂસીતંત્રના વડા તરીકે આજ સુધી તેમણે મુગાબેના વિરોધીઓનો ખાતમો બોલાવવાનું કામ કર્યું છે. લોખંડી હાથે તેણે દમન કરેલું છે. વિરોધ કરનારા આદિવાસી કબિલાઓમાં હજારોની કત્લેઆમ તેણે કરેલી છે. તેથી ઉલમાંથી ચૂલ પડ્યા જેવી સ્થિતિ નાગરિકોની છે. મનનગાગવા પણ 73 વર્ષના છે એટલે બીજો એક કે બે દાયકો કાઢી શકે છે. અર્થાત ઝિમ્બાબ્વેના નાગરિકોને લાગે છે કે પરિવર્તન આવ્યું છે, પણ ઉજવણી કરી શકાય તેવું પરિવર્તન આવતા પહેલાં બીજો બળવો કરવો પડશે. તે બળવો સેનાનો નહિ, પણ નાગરિકોનો હોય તો…