વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનામાં ભૂતાનના પ્રવાસે ગયાં અને ભૂતાનમાં મોદી-મોદીની લહેર વ્યાપી વળી હતી. ત્યારે આવતા મહિને અમેરિકામાં પણ મોદીની લહેર જોવા મળશે. 21મી સપ્ટેમ્બરથી 26મી સપ્ટેમ્બર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. અને આ પ્રવાસ દરમિયાન મોદી હ્યુસ્ટન, ન્યૂ યોર્ક અને વોશિંગ્ટન-ડીસી શહેરની મુલાકાત લેશે.
અમેરિકામાં રહેતાં અને મૂળ ભારતીય એવા યુવા ભાજપના પ્રમુખ નીરવ પટેલે આ અંગે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને 21મી તારીખે હ્યુસ્ટન ખાતે આવશે, અને ત્યાર બાદ 22મી તારીખે નરેન્દ્ર મોદી હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમ ખાતે જાહેર સંબોધન કરશે. આ સ્ટેડીયમમાં આશરે 46 હજાર જેટલા લોકો એકત્ર થશે. અને આ જાહેર કાર્યક્રમ સમયે 100 જેટલા અમેરિકન કોંગ્રેસ નેતાઓ પણ હાજર રહેશે. એટલું જ નહીં, મોટાભાગના કોંગ્રેસી સેનેટ સભ્યો પણ હાજર રહેશે.
આ ઉપરાંત અમેરિકામાં રહેતી મુસ્લિમ સમુદાયની મહિલાઓ પણ નરેન્દ્ર મોદીને ખાસ મુલાકાત કરીને ટ્રીપલ તલાક હટાવવા મુદ્દે ખાસ અભિવાદન કરશે. તેમ જ નરેન્દ્ર મોદી સાથે અમેરિકન સેનેટ સભ્યો તેમ જ કેટલાક બિઝનેસ ટાયકૂન પણ મુલાકાત કરીને ખાસ બેઠક યોજશે. હ્યુસ્ટન બાદ નરેન્દ્ર મોદી ન્યૂ યોર્ક અને ત્યાર બાદ વોશિંગ્ટન શહેરની મુલાકાત કરશે. અને આ મુલાકાત દરમિયાન અમેરિકાના આવનાર ચૂંટણી અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતાઓ છે..
જે રીતે હાલ ભૂતાનમાં મોદી-મોદીની લહેર જોવા મળી હતી તેવી જ રીતે આવતા મહિને પણ અમેરિકામાં મોદી લહેર જોવા મળશે. એટલું જ નહીં નરેન્દ્ર મોદીને મળવા તેમજ મોદીને સાંભળવા માટે યુવાનો વધારે રસ ધરાવે તેવુંં હાલ સ્થાનિક ઓવરસીઝ ભાજપના નેતાઓ માની રહ્યાં છે. જે રીતે નરેન્દ્ર મોદી ચુંટણીમાં જીત બાદ એક પછી એક મહત્વના નિર્ણયો લઇને દુનિયાભરના લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષી રહ્યાં છે, તેને જોતાં મોદીનો અમેરિકાનો પ્રવાસ પણ ખાસ બની રહે તેવું લાગે છે.
USAથી નીરવ ગોવાણીનો અહેવાલ