ગણેશ બિરાજ્યાં છે ગાદી પર, ધૂપ, ફળો અને સોના વચ્ચે થયાં છે બિરાજમાન, ગણેશ દ્વારપાલ છે અને સરહદોની કરે છે રક્ષા, તમને મળે આશીર્વાદ ગણેશના તો કરી શકો છો અંતરમંદિરની પવિત્ર યાત્રા…
આવા શબ્દો કોઈ ગીતમાં સાંભળવા મળે કે ભજન કીર્તન સ્વરૂપે હોય, પણ આવા શબ્દો અમેરિકામાં યોજાતાં ભક્તિ ફેસ્ટમાં આધુનિક રેપ મ્યુઝિકના સ્વરૂપમાં ગવાતાં જોવા મળે તો થોડી નવાઈ પણ લાગે. આવા જ એક ગીતમાં આગળ ગીતકાર કહે છે કે કેટલાકને આ વાત અતાર્કિક લાગશે, દંતકથા લાગશે કે માત્ર ફિલોસોફિકલ, પણ ગણેશ દરેક બાબતને બનાવે છે શક્ય, કેમ કે હાથીની તાકાત હોય છે અમાપ.
રેપર નિકોલસ ગિયોકોમીની, જે પોતાને એમસી યોગી એવા નામે ઓળખાવે છે, તેનું આ ગીત તેના એલિફન્ટ પાવર આલ્બમમાં પણ લેવાયું છે અને હીટ થયું છે.
નિકોલસ 13 વર્ષનો હતો ત્યારથી ગીતકાર બન્યો હતો, પણ તે વખતે બહુ તોફાની હતો. શાળામાંથી તેને કાઢી મૂકાયો હતો, ડ્રગ અને હિંસામાં સંડોવાયો તે પછી તેને સુધારણા ગૃહમાં મોકલાયો હતો.અહીં તેનું જીવન બદલાઈ ગયું, કેમ કે ગૃહમાં 17 વર્ષની ઉંમરે યોગા (એટલે કે યોગ)ના ક્લાસ લેવાતા હતા. તેને કંઈક અનોખો અનુભવ થયો અને કેદમાંથી નીકળ્યા પછી ભારતની પણ મુલાકાત લીધી. આશ્રમોમાં રહીને ધ્યાન કરવાનું શીખ્યો અને તેને સંગીતમાં રસ હતો એટલે ભારતીય સંગીતકારોને પણ મળતો રહ્યો. આજે પણ તેના સંગીતમાં ભારતીય અસર દેખાય છે. રૉક ઓન હનુમાન, સન ઑફ શિવા, ક્રિષ્ના લવ જેવા ગીતો તેણે લખ્યા છે. મહાત્મા ગાંધીને તે આદર્શ માનતો થયો છે અને તેમના સન્માનમાં બી ધ ચેન્જ નામે પણ ગીત લખ્યું છે.
એમસી યોગી અને તેના જેવા ઘણા કલાકારો, સંગીતકારો, ભક્તજનો અમેરિકામાં દર વર્ષે ભક્તિફેસ્ટમાં એકઠાં થાય છે. તેના સ્ટેજ જુઓ તો એમ જ લાગે કે જાણે ભારતમાં કોઈ મેળો યોજાયો છે. સ્ટેજમાં પાછળ વિશાળ પરદા પર ગણેશ, હનુમાન, શિવ, કૃષ્ણ અને માતાજીની તસવીરો હોય છે. ભારતીય સંસ્કૃતિના સ્વસ્તિક, કુંભ, માળા, સુદર્શન ચક્ર, ત્રિશૂલ જેવા પ્રતીકો પણ જોવા મળે.
કેલિફોર્નિયા રાજ્યના દક્ષિણમાં જોશુઆ ટ્રી નેશનલ પાર્કમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ ફિઝિક્સ આવેલી છે. 420 એકરમાં ફેલાયેલી ઇન્સ્ટિટ્યૂટ કોઈ સફારી પાર્ક જેવી લાગે છે. અહીં દર વર્ષે માનસિક સફારી માટેનો મેળો યોજાતો રહે છે. તેમાં અમેરિકા ઉપરાંત યુરોપ અને દુનિયાભરમાંથી ભારતીય ધ્યાન અને ભક્તિની પરંપરામાં રસ ધરાવતા લોકો ઉમટી પડે છે અને પચરંગી મેળો જામે છે. આ સાવ નવી વાત પણ નથી, કેમ કે ઘણા વર્ષોથી ઇસ્કોનના મંદિરો, ગૌડિય સંપ્રદાયના કેન્દ્રો, ઘણા ભારતીય ગુરુઓના આશ્રમો પશ્ચિમમાં લોકપ્રિય બનતા રહ્યા છે.
ભક્તિફેસ્ટ જ્યાં દર વર્ષે યોજાય છે તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ ફિઝિક્સ પણ બહુ જૂની સંસ્થા છે. 1946માં લેખક અને આર્કિટેક્ટ ફ્રેન્ડ લ્યૉડ રાઇટે તેની સ્થાપના કરી હતી. મનના અગાધ ઊંડાણમાં રહેલી ચેતનાને પામવા માટેના હેતુથી તેમણે આ સંસ્થા સ્થાપી હતી. અહીં 2008થી ભક્તિ ફેસ્ટ યોજાવા લાગ્યો છે. તેમાં ધ્યાન, યોગ અને ભક્તિમાં રસ ધરાવનારા ઉપરાંત શાકાહારી, દેશી ઔષધીઓ, તંત્ર વિદ્યા, જ્યોતિષ, હરેકૃષ્ણના અનુયાયીઓ, ગંજેરીઓ, રહસ્યમયી અઘોર દુનિયામાં ડૂબકી મારવા માગતા એમ જાતભાતના લોકો એકઠાં થાય છે. ગીત અને સંગીતનો પ્રકાર વેસ્ટર્ન હોય છે, પણ તેમાં ભાવ પૂર્વના દર્શન અને ચિંતનનો હોય છે અને અગમનિગમની વાતોને તેમાં વણી લેવામાં આવે છે.
લિટરેચર ફેસ્ટિવલ હાલના સમયમાં લોકપ્રિય થઈ રહ્યાં છે. તેની પાછળનો હેતુ આયોજકોનો કમાણી કરી લેવાનો હોય છે અને અહીં લેખકો, ગીતકારો, સંગીતકારો, પ્રકાશકો અને સંચાલકો માર્કેટિંગ કરવા આવતા હોય છે. ભક્તિ ફેસ્ટ પણ તેમાંથી બાકાત નથી, કેમ કે આધ્યાત્મિક ગુરુઓ એવા લેબલ લગાવીને ફરનારા માર્કેટિંગ ગુરુઓ પણ અહીં ઉમટી પડે છે અને પોતાની દુકાન ચલાવે છે. ફેસ્ટ પાછળનો હેતુ ભલે ‘વ્યક્તિગત ચેતનાને પરિવર્તિત કરીને વૈશ્વિક પરિપ્રેક્ષ્યને નવપલ્લવિત’ હોય, પણ ભક્તિ ફેસ્ટના બહાને ન્યૂ એજ બૂમ તરીકે પૂર્વ અને ભારતીય સંસ્કૃતિમાં પશ્ચિમના લોકોને રસ પડ્યો છે તે તેજીનો લાભ પણ લેવાતો રહે છે.
શ્રીધર સિલ્બરફિન નામની વ્યક્તિએ 2008થી ભક્તિ ફેસ્ટની શરૂઆત કરી હતી. પોતાના ગુરુ સ્વામી સચ્ચિદાનંદની સ્મૃતિમાં તેનું આયોજન થાય છે. શ્રીધર સચ્ચિદાનંદના બહુ જૂના શિષ્ય છે. 1969માં અમેરિકામાં યોજાયેલા હિપ્પીઓના એક કાર્યક્રમમાં તેમને ગુરુ મળ્યા હતા. 4 લાખની મેદની વચ્ચે તેઓ સચ્ચિદાનંદના શિષ્ય બન્યા હતા અને આજે હવે ગુરુના સંદેશને ફેલાવવાનું કામ કરી રહ્યા છે.
સિલ્વરફિને એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે લોકો કોઈ ફેસ્ટિવલમાં જાય ત્યારે ફરી એ જ પ્રવૃત્તિઓ કરે છે, જે રોજિંદા જીવનમાં ચાલતી હોય છે. એ જ ખાણીપીણી, મોજમસ્તી, ભોગવિલાસ. ફેસ્ટિવલમાં જનારા લોકોને જાય કે તેમને અનન્ય અનુભવો થશે અને તરી જશે, પણ એવું થતું નથી. તેથી પોતે ભક્તિ ફેસ્ટ યોજીને કંઈક અનોખો અનુભવ થાય અને વ્યક્તિની ચેતનાનું પરિવર્તન થાય તે માટે પ્રયત્નો કરે છે એમ તેઓ કહે છે. તેથી જ ભક્તિ ફેસ્ટમાં માત્ર શાકાહારી ભોજન મળે છે, શરાબ પીવા મળતો નથી, દૂધની વસ્તુઓ પણ રખાતી નથી, જેનેટિકલી ફૂડની મનાય અને પ્લાસ્ટિક તથા પ્રોસેસ્ડ ફૂડને પણ દૂર રાખવામાં આવે છે.
ફેસ્ટમાં મુખ્યત્વે કીર્તન પ્રકારનું, પરંતુ પશ્ચિમની ઢબનું સંગીત પીરસાતું રહે છે તે મુખ્ય આકર્ષણ બની રહે છે. અમેરિકામાં છેલ્લા કેટલાક દાયકાથી કીર્તન લોકપ્રિય બની રહ્યા છે, કેમ કે પશ્ચિમના ધમાલીયા સંગીત કરતાં આ પ્રકારના સંગીતમાં શાંતિનો અનુભવ થતો હોવાનું ઘણાને લાગે છે. સ્ટેજ પર હિન્દુ દેવીદેવતાના ચિત્રો કે મૂર્તિઓ હોય, ધૂપદીવા થયા હોય અને યોગ પ્રકારના નૃત્યો સાથે ભક્તિ સંગીત લહેરાતું હોય તેના કારણે અનોખો માહોલ સર્જાતો હોવાનો અનુભવ ઘણાને થાય છે. જોકે આ ભક્તિ સંગીત ઘણું જૂદું હોય છે અને પશ્ચિમના લોકોને અપીલ કરે તેવું રૉક, રેગ્ગે, હીપહોપ અને બ્લ્યૂઝ વગેરે પ્રકારને મળતું આવતું હોય છે.
પૂર્વની સંસ્કૃતિમાં પશ્ચિમના યુવાધનને રસ પડ્યો હોય તે કંઈ નવું નથી. દાયકાઓથી આ પરંપરા ચાલતી આવી છે. તેમાં આ રીતે હવે ભક્તિ ફેસ્ટનો ટ્રેન્ડ ઉમેરાયો છે. આવા જ કાર્યક્રમો કે ફેસ્ટ જુદા જુદા નામે અને સ્વરૂપે અમેરિકા તથા યુરોપમાં હવે સતત યોજાતા રહે છે. વૈશ્વિક પ્રવાહોમાં તેનો પ્રચાર પણ ઝડપી બને છે અને નવીનતા શોધતા નવયુવાનો આવા ફેસ્ટમાં ઘૂમતાં રહે છે. તેમને મુક્તિ મળતી હશે કે કેમ તેનો જવાબ તેઓ પોતે પણ જાણતાં હશે કે કેમ ખબર નહીં…