અફઘાનિસ્તાનમાં સમાધાનના પ્રયાસોમાં ભારતે શું કરવું?

મેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ આવતા વર્ષે ચાર વર્ષ માટે ફરી ચૂંટણી લડવા મેદાનમાં ઉતરે તે પહેલાં સિરિયા અને અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના દળોને પાછા બોલાવી લેવા માગે છે. કંઈક અલગ મીજાજના પ્રમુખ ટ્રમ્પ અમેરિકાની નીતિ પરંપરા પ્રમાણે અને પ્રોફેશનલ ડિપ્લોમેટની સલાહ પ્રમાણે ચલાવવાના બદલે પોતાની મુનસફી પર ચલાવવા માગે છે. હાલમાં જ તેમણે એવું કહ્યું હતું કે જાસૂસો ‘નાદાન’ છે. પોતાની માન્યતાથી જુદી વાત કરનાર બધા ટ્રમ્પને મૂર્ખ લાગે છે, જ્યારે પ્રમુખને પોતાને મુર્ખ કહેનારા લોકોની સંખ્યા અમેરિકા અને અમેરિકા બહાર વધી રહી છે.

સિરિયામાં અમેરિકા જે કંઈ કરે, ભારતને બહુ ફરક પડતો નથી. પરંતુ અફઘાનિસ્તાનમાં અમેરિકા સમાધાન માટેના જે પ્રયાસો કરે છે તેની સીધી અસર ભારત પર થઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનાથી પ્રયાસો ચાલી રહ્યા છે કે તાલીબાન સાથે કશીક ગોઠવણ થઈ શકે. તાલીબાન લડાઈ છોડે અને સરકારમાં સામેલ થાય. જોકે તાલીબાનો બીજા સાથે સત્તામાં ભાગબટાઈ નથી ઈચ્છતા અને દેશને ફરી કબજે કરવા માગે છે. અમેરિકા ઇચ્છે છે કે તાલીબાનો એવી કોઈ પ્રવૃત્તિ ના કરે કે જેનાથી ત્રાસવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે. પણ આ શેખચલ્લીના સપના જેવું છે. બિલાડી આગળ ખીર મૂકીને સંયમની ખેવના રાખવી મૂર્ખામી છે.

તાલીબાનો અફઘાનિસ્તાનમાં સત્તા પર આવે તો જે રીતે પાકિસ્તાનમાં ત્રાસવાદીઓના અડ્ડા છે તે રીતે રૂઢિચૂસ્ત ઇસ્લામી અડ્ડા ઊભા થાય. રૂઢિચૂસ્ત ધાર્મિક અડ્ડા ક્યારેય આતંકવાદી અડ્ડા બની જાય તે નક્કી ના કહેવાય.

અમેરિકા અને અફઘાન સરકાર ઇચ્છે છે કે ભારતને પણ વિશ્વાસમાં લઈને તાલીબાનો સાથે સમાધાન થાય. પરંતુ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. ભારત અફઘાનિસ્તાનમાં વિવિધ પ્રોજેક્ટ્સ કરીને સારી છાપ ઊભી કરી શક્યું છે. કાબુલમાં સંસદભવન પણ ભારતે બાંધી આપ્યું છે. ઈરાનના દરિયાકિનારે ભારતે ચાબહર બંદર વિકસાવ્યું છે. ચાબહર બંદરથી એક હાઈવે સીધો અફઘાનિસ્તાનને જોડે છે. અફઘાનિસ્તાનના માર્ગે મધ્ય એશિયાના દેશો સુધી ભારતનો સંપર્ક અને વેપાર વધી શકે છે. અફઘાનિસ્તાન અને આ દેશો સુધી પહોંચવા માટે ભારતને વચ્ચે પાકિસ્તાન નડે છે. તેથી જ ચાબહર બંદરથી સીધા અફઘાનિસ્તાન પહોંચીને ભારત પાકિસ્તાનને બાજુએ રાખી શકે છે.

આ બધા કારણોસર ભારત માટે અફઘાનિસ્તાનમાં ભવિષ્યમાં કોણ સત્તામાં આવશે તેના પર નજર રાખવી જરૂરી છે. તેની સાથે સારા સંબંધો રાખવા પણ જરૂરી છે. તાલીબાનોને સંપૂર્ણ સત્તા ના મળે તોય સત્તામાં ભાગીદારી ચોક્કસ આપવી પડશે તે અમેરિકા પણ જાણે છે. તાલીબાનો સાથે સમાધાન વિના અમેરિકા સૈનિકો હટાવી લે તો મોકળું મેદાન થઈ જાય. તે સંજોગોમાં તાલીબાનો આમ પણ અફઘાન સરકારને ઉથલાવી નાખી શકે છે. સરકાર કદાચ કાબુલમાં ટકી જાય, પણ અમેરિકન દળોની ગેરહાજરીમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ થાય. એક તરફ કાબુલમાં જેવી તેવી ચૂંટાયેલી સરકાર. કંદહાર અને પાકિસ્તાન સરહદે તાલીબાની વિસ્તારો, ઉત્તરમાં તાઝિક અને કઝાક કબીલાઓનો કબજો. હઝારા સાથે પણ સંઘર્ષ. અફઘાનીસ્તાનાં અંધાધૂંધી હોય તે ભારતના વેપારી અને વ્યૂહાત્મક હિતમાં નથી.

ભારત માટે મુશ્કેલી એ છે કે પોતાના લશ્કરી દળો ત્યાં મોકલી શકે તેમ નથી. ભૂતકાળના અનુભવોને કારણે ભારત લશ્કરી કાર્યવાહી સંભાળીને કરવામાં માને છે. બીજું ભારતીય સેનાની હાજરી પાકિસ્તાન તથા અન્ય મુસ્લિમ દેશોને માફક ના આવે અને તેઓ મુશ્કેલી ઊભી કરવાની કોશિશ કરે. તેથી ભારતે પોતાના વેપારી હિતો અફઘાનિસ્તાનમાં ઊભા કર્યા છે તેની સુરક્ષા માટે બીજા પર આધાર રાખવો પડે છે. અમેરિકાના દળો જતા રહે તે પછી કાબુલમાં જે સત્તા પર હોય તેની સાથે ભારતે સારા સંબંધો રાખવા જરૂરી છે.

ભારતે તાલીબાન જૂથો સાથે પણ સારા સંબંધો રાખવા જરૂરી છે. તાલીબાનોને પાકિસ્તાન સાથે બહુ ફાવતું નથી તે ભારતને ફાવે તેવું છે. પાકિસ્તાન અમેરિકાના પીઠ્ઠું તરીકે કામ કરે છે તે તાલીબાનોને પસંદ પડતું નથી. પરંતુ કેટલીક વાસ્તવિકતાઓ એવી છે કે તાલીબાનોને પણ પાકિસ્તાન વિના ચાલવાનું નથી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદને તાલીબાનો માનતા નથી. સરહદની બંને તરફ કબીલાઓ મુક્તપણે આવનજાવન કરે છે. બીજું પાકિસ્તાનમાં તાલીબાનો મોટી સંખ્યામાં સ્થાયી થયા છે. તાલીબાનના પરિવારો પાકિસ્તાનમાં રહે છે, તેમના સંતાનો ત્યાં ભણે છે, ત્યાં વેપાર કરે છે. કાબુલની સરકાર સામે લડત ચાલે ત્યારે પાકિસ્તાનમાં આશરો પણ મળે છે.

આ બધાના કારણે પાકિસ્તાનને નારાજ કરીને તાલીબાનો ઇચ્છે તો પણ ભારત સાથે સંબંધો રાખી શકે નહિ. પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સ્થિતિ થાળે પડે તેમ પણ કદાચ નહિ ઇચ્છે. અફઘાનિસ્તાનમાં સ્થિર સરકાર આવે તે ભારત તથા ઇરાન સાથે સારા સંબંધો રાખી શકે છે. મધ્ય એશિયાના દેશો ઉપરાંત અમેરિકા સાથે પણ સંપર્કો જાળવી રાખશે. તે સંજોગોમાં અમેરિકાની ગેરહાજરીમાં પાકિસ્તાનનો પ્રભાવ અફઘાનિસ્તાનમાં ઓછો થવાનો. પાકિસ્તાન તેવું થવા નહિ દે.

આવા સંજોગોમાં ભારત માટે ઉત્તમ વિકલ્પ એ છે કે અફઘાનિસ્તાનમાં જેટલા પણ મજબૂત જૂથો છે તે દરેક સાથે સંબંધો અને સંપર્કો જળવાયેલા રહે. રાજદ્વારી જાણકારો કહે છે કે ભારતે એ કાળજી લેવી જોઈએ કે સમાધાનના ભાગરૂપે અફઘાનિસ્તાનમાં જે પણ સત્તામાં આવે, તેની સાથે ભારતના સારા સંબંધો હોવા જોઈએ. તાલીબાનો સંપૂર્ણપણે અથવા અન્ય સાથે મળીને સત્તામાં આવશે. તે સંજોગોમાં તાલીબાનો સાથે પણ સંબંધો રાખવા જરૂરી બનશે.

જાણકારો એક શક્યતા એ જોઈ રહ્યા છે કે અમેરિકાના સૈનિકોની ગેરહાજરીમાં તાલીબાનો વધારે મજબૂત બનીને એકહથ્થુ સત્તા પ્રાપ્ત કરવા કોશિશ કરશે. તાલીબાનોમાં મોટા પાયે પરિવર્તન આવે અને સત્તા પર બેસવા માટે અમેરિકાની ઇચ્છા પ્રમાણે સમાધાન કરે તે સંજોગોમાં પાકિસ્તાન પર તેમનો આધાર ઓછો થાય. પાકિસ્તાનની મહેરબાનીની જરૂર તાલીબાનોને ના હોય તે સંજોગોમાં સ્વાર્થ ખાતર પણ તાલીબાનો ભારત સાથે વધારે સારા સંબંધો રાખવા પ્રેરાઈ શકે છે. પણ આ જો અને તો જેવી વાત છે.

બીજી બાજુ ભારતમાં અત્યારે ચૂંટણીનો માહોલ બની ગયો છે. સરકારનું અને સૌનું ધ્યાને સ્થાનિક બાબતો પર વધારે છે. વિદેશી સંબંધો અને નીતિ એટલા અગત્યના રહ્યા નથી. જવાબદારી નવી સરકાર પર આવવાની છે. રાબેતા મુજબ ભારતના ડિપ્લોમેટ્સ પ્રોફેશનલ્સ છે એટલે તેઓ પોતાનું કામ કરતાં રહેશે. દરમિયાન જુલાઈમાં અફઘાનિસ્તાનમાં પણ ચૂંટણી યોજાય તેવી ગણતરી છે. કેટલી ઝડપથી અમેરિકા સમાધાનની ભૂમિકા ઊભી કરી શકે છે તે પ્રમાણે ચૂંટણી આગળપાછળ થઈ શકે છે. સરવાળે ભારત અને અફઘાનિસ્તાન બંનેમાં નવી સરકારો આવશે ત્યાં સુધીમાં કદાચ સમાધાન થઈ ગયું હશે અને નવી શરૂઆત થઈ શકશે. સમાધાન સાનુકૂળ નહિ હોય તો ભારતે વિશેષ પ્રયાસો કરવા પડશે. સમાધાન થોડા મહિનામાં ના થાય તો ભારત પાસે વધારે વિકલ્પો હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]