લોકડાઉનમાં ઘરમાં જ કરો આ કસરત…

કોરોના વાઈરસને કારણે લાગુ થયેલા લોકડાઉનમાં જીમ્નેશિયમ્સ બંધ હોવાથી ઘણા લોકો તેમની ફિટનેસને લઈને ચિંતિત રહેતા હશે. અહીં અમે તમને કેટલીક એવી કસરતો અંગે જણાવી રહ્યા છીએ જેને તમે તમારા ઘરમાં જ સરળતાથી કરી શકો છો. આવી જ એક ખાસ કસરતનું નામ છે પુશઅપ્સ. રોજ 15 જેટલા પુશઅપ્સ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

આ કસરત તમે ઘરમાં સરળતાથી કરવાની સાથે તમારા શરીરને ફિટ રાખવામાં પણ મદદરૂપ થશે. ફિટનેસ ટ્રેનર્સ અને બોડી બિલ્ડર્સનું માનીએ તો દરરોજ પુશઅપ્સ કરવાથી બોડી ફિટનેસ એકદમ મેન્ટેન રહે છે. અહીં આપણે જોઈએ દરરોજ પુશઅપ્સ કરવાથી કયા કયા ફાયદા થાય છે.

દરરોજ પુશઅપ્સ કરવાને કારણે તમારા શરીરની કાર્યક્ષમતામાં વધારો થાય છે સાથે શરીરના લગભગ તમામ અંગોની કસરત પણ થાય છે. શરીરની શિથિલતા દૂર થવાથી શરીર સ્ફૂર્તિલું લાગે છે. તમે ઈચ્છો તો એક સપ્તાહ સુધી દરરોજ પુશઅપ્સ કરીને આ અનુભવ કરી શકો છો.

હ્રદયની કાર્ય પ્રણાલીને વધુ સારી બનાવો

હ્રદય સાથે જોડાયેલી કાર્યપ્રણાલીને વધુ સારી બનાવી રાખવા માટે પુશઅપ્સથી ઘણો ફાયદો થાય છે. પુશઅપ્સ કરતી વખતે આપણા મગજની માંસપેશીઓમાં ખેંચાણ થવાની સાથે રક્તવાહિનીઓની પણ સારી કસરત થાય છે. આ કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ થવાથી હ્રદય સંબંધીત બિમારીઓનો ખતરો ઘટી જાય છે.

ખભા મજબૂત બને છે

પુશઅપ્સને કારણે ખભા મજબૂત બનવાની સાથે આકર્ષક પણ લાગે છે. જોકે, ખભાના શેપને આકર્ષક બનાવવા માટે અલગ અલગ કસરતો કરવી પણ ખૂબ જ જરૂરી છે. પુશઅપ્સને કારણે તમારા ખભામાં મોચ આવવાનો ખતરો અનેક ગણો ઘટી જાય છે.

બોલીવુડમાં અભિનેતાની જો વાત કરવામાં આવે તો હ્રતિક રોશન, ટાઈગર શ્રોફ, વિદ્યુત જામવાલા, સોનૂ સૂદ અને વરુણ ધવન જેવા કલાકારોની છાતી તો તમે ફિલ્મોમાં જોઈ જ હશે. તમારે પણ આવી છાતી બનાવવી હોય તો પુશઅપ્સ તેમાં ઘણા મદદગાર સાબિત થઈ શકે છે. છાતીને બહાર કાઢવા માટે પુશઅપ્સ સૌથી કારગર કસરત માનવામાં આવે છે.