કલાકારોઃ સન્નીસિંહ નિજ્જર, માનવી ગગરૂ, ઐશ્વર્યા સખુજા, શરીબ હાશમી
ડાયરેક્ટરઃ અભિષેક પાઠક
અવધિઃ બે કલાક
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત
ફિલ્મોમીટર રેટિંગઃ
★★
‘ઉજડા ચમન’ જેના પરથી બની છે એ 2017માં આવેલી કન્નડ રોમાન્ટિક કૉમેડી “ઓન્ડૂ મોટ્ટેય્યા કથે” (ગુજરાતી અનુવાદઃ એક અંડાકાર માથાવાળાની કથા) એની ધારદાર રમૂજને લીધે હિટ થયેલી, જેનો અહીં સદંતર અભાવ છે. પટકથા-સંવાદ ચમનની ટાલ જેવા ઉજ્જડ, સફાચટ છે.
દિલ્હીના મિડલ ક્લાસ વિસ્તાર રાજૌરી ગાર્ડનમાં વસતા કોહલીપરિવારનો બડો બેટો 30 વર્ષી ચમન (સનીસિંહ) દિલ્હીની હંસરાજ કૉલેજમાં હિંદીનો પ્રોફેસર છે. 30 વર્ષી ચમન દિલનો સાફ છે ને એનું માથું પણ સાફ છે અર્થાત ભરજુવાનીમાં એ ટાલિયો થઈ ગયો છે એટલે એને છોકરી મળતી નથી. શહેરના પ્રકાંડ પંડિત (સૌરભ શુક્લા)નું કહેવું છે કે 31 વર્ષનો થાય ત્યાં સુધીમાં ચમનની શાદી ન થઈ તો એણે આજીવન કુંવારા રહેવું પડશે. હવે શરૂ થાય છે કોહલીપરિવારના, ચમનના લગન માટેના ઉધામા. બસ, આટલી વાત.
ઈન્ટરવલ સુધી તો એકની એક વાત, એકના એક સૂરનું સતત પુનરાવર્તન થયા કરે છે. જવાન ટકલૂ પ્રોફેસરની સ્ટુડન્ટ મશ્કરી કરે એવો એકાદ સીન સમજ્યા, પણ ઈન્ટરવલ સુધી એ જ ચાલ્યા કરે? અને એમાંથી કશુંયે નીપજે નહીં. શહેરની નામાંકિત કૉલેજનો પ્રિન્સિપાલ આવો કાર્ટૂન જેવો? કૉમેડીના નામે કંઈ પણ?
હીરોઈન અપ્સરા (માનવી ગગરૂ)નો પ્રવેશ થાય છે ત્યાં ઈન્ટરવલ પડે છે. પૉપકૉર્ન ચાવતાં ચાવતાં આપણે વિચારીએ કે હવે કાંઈક જામશે, પણ નહીં. 29 વર્ષી હૃષ્ટપુષ્ટ અપ્સરાને ટકલૂ ચમન ગમવા માંડે છે, પણ ચમનને અપ્સરા જાડી લાગે છે. જો કે ચમનની માતા (ગૃશા કપૂર)ના કહેવા મુજબ, અપ્સરાનું મેટાબોલીઝમ થોડું ઉપરનીચે છે, બાકી છે તંદુરસ્ત છે. (આ સાંભળીને તમારે હસવાનું, કેમ કે આ કૉમેડી છે).
આખી ફિલ્મમાં બેસ્ટ ડાયલોગ ચમનની કૉલેજના ચપરાસીને (શરીબ હાશમીને) મળ્યો છે. સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’ જેવા મહાનની કક્ષામાં આવતા હિંદી સાહિત્યકારને ભણાવતા પ્રોફેસરને જીવનની ફિલસૂફી સમજાવે છે આ ચપરાસી. એ ચમનને ઉપદેશાત્મક સૂરમાં કહે છેઃ “બાતેં હમ દિલોં કી કરતે હૈં, મગર આજ ભી મોહબ્બત ચેહરે દેખ કે કરતેં હૈ”.
ફિલ્મના પહેલા સીનથી ધી એન્ડ સુધી સનીસિંહના મોઢા પર એક જ ભાવ જોવા મળે છેઃ નિરાશાના. ગમે તેવી સિચ્યૂએશનમાં એના હાવભાવ ભાગ્યે જ બદલાય છે. અમુક અંશે આ માટે ડિરેક્ટર જવાબદાર. એનાં માતાપિતાની ભૂમિકામાં અતુલ કુમાર-ગૃશા કપૂર ઠીકઠાક છે, માનવી ગગરૂ સ-રસ, પણ એને વધુ સારી સ્ક્રિપ્ટની જરૂર છે.
(જુઓ ‘ઉજડા ચમન’નું ટ્રેલર)