બાલા: એન્ટરટેન્મેન્ટ અનફિલ્ટર્ડ!

ફિલ્મઃ બાલા

કલાકારોઃ આયુષ્માન ખુરાના, યામી ગૌતમ, ભૂમિ પેડણેકર

ડાયરેક્ટરઃ અમર કૌશિક

અવધિઃ બે કલાક દસ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★★

બાલમુકુંદ શુક્લા અથવા બાલા (આયુષ્માન ખુરાના) કાનપુરનો શાહરુખ ખાન છે. આમ તો એ ત્વચા ગોરી બનાવી આપવાનો દાવો કરતી બ્યુટી પ્રોડક્ટ્સનો સેલ્સમૅન છે, પણ ફાજલ સમયમાં એ રેસ્ટોરાંમાં મિમિક્રી કરે છે. સ્કૂલકાળમાં મસ્તમજાનાં લહેરાતાં જૂલફાં ધરાવતો બાલા યુવાનીમાં વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. ન તો એ મિમિક્રીમાં ધ્યાન આપી શકે છે, ન બ્યુટી પ્રોડક્ટ્સમાં. કેમ કે એને સવાલ થાય છે કે “કેમ? તમારી સમસ્યા માટે તમારી કંપનીની કોઈ પ્રોડક્ટ નથી”? પોતાની પરેશાની લઈને બાલા જમાનાના ખાધેલ બચ્ચન દુબે (જાવેદ જાફરી)ની પાસે જાય છે ત્યારે એ કહે છેઃ “પણ તું કાંઈ દુનિયાનો પહેલો ટાલિયો નથી”.

બાલાઃ “વાત સાચી, પણ અમિતાભ બચ્ચન અવતાર ગિલના રોલમાં કેવી રીતે જીવી શકે”? ટાલ પર બાલ ઉગાડવાના 213 નુસખા અજમાવનાર (બધામાં ફેલ જનાર) બાલા બીજા એક સીનમાં નિસાસો નાખતાં કહે છેઃ “હેર-લૉસ નહીં, આઈડેન્ટિટી-લૉસ હો રહા હૈ હમારા”… એક સીનમાં વાળંદ બાલાને નકલી વાળ લગાવવાનું સૂચન કરે છે ત્યારે બાલા કહે છેઃ “હસ્તમૈથૂન ઔર સેક્સ મેં ફરક હોતા હૈ બે”.

વ્યક્તિત્વ વિશે જાતજાતની લઘુતાગ્રંથિ, ત્વચાના રંગથી લઈને હાઈટ, ટાલ, વગેરે વિશેની સામાજિક માન્યતા (રાધર ગેરમાન્યતા), સોશિયલ મિડિયાનું દૂષણ, વગેરે વિશે થોડામાં ઘણુંબધું કહી જતી બાલા ખડખડ હસાવતાં સેલ્ફ-ઈમેજ વિશેનો મેસેજ આપે જાય છેઃ અપિરિયન્સ વિશે જાતને ધિક્કારવાનું, લઘુતાગ્રંથિ અનુભવવાનું બંધ કરી જેવા છો એવા જ રહો અને એમાં ખુશ રહો. જાતને પ્રેમ કરો- લર્ન ટુ લીવ વિથ યૉરસેલ્ફ અને લવ યૉરસેલ્ફ. બંગાળી લેખક પાવેલ ભટ્ટાચાર્યના કથાવિચાર પરથી નીરેન ભટ્ટે કથા-પટકથા-સંવાદ લખ્યાં છે. નીરેન તથા દિગ્દર્શક અમર કૌશિકે પ્રેક્ષકની એક પળ નીરસ ન બને એની ચીવટ રાખી છે.

વાર્તા આગળ વધારીએ તો, ભૂમિકા પેડણેકર બની છે ઍડવોકેટ લતિકા ત્રિવેદી, જે બાલાની સ્કૂલ-સખી છે. પોતાની કથ્થઈ ત્વચાને લીધે એને બાળપણથી યુવાની સુધી સતત અવહેલનાનો સામનો કરવો પડે છે, પણ એ પોતાના દેખાવનો જરીકેય પ્રોબ્લેમ નથી. હા, એનાં માસી (સીમા પાહવા)ને સતત એની ચિંતા રહ્યા કરે છે એટલે જ એ સોશિયલ મિડિયા (ફેસબુક-ઈન્સ્ટાગ્રામ, વગેરે)થી જોજનો દૂર રહેતી લતિકાની જાણબહાર એનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવી બાલા પાસે લતિકાના ફોટોગ્રાફ્સ ફિલ્ટર કરાવીને (એને બને એટલા રૂપકડા બનાવીને) અપલોડ કરાવ્યા કરે છે, જે જોઈને છોકરા એને જોવા તો આવે છે, પણ લતિકાને જોઈને ભાગી છૂટે છે.

યામી ગૌતમ બની છે લખનૌની ટિકટૉક-ક્વીન પરી શર્મા. એના ટિકટૉક વિડિયોના લાખ્ખો ચાહક છે. એટલે જ, બાલાની કંપની પરીને લઈને ટીવીઍડ બનાવવાનું નક્કી કરે છે, જે માટે બાલાને લખનૌ મોકલવામાં આવે છે. ચોવીસ કલાક ટિકટૉક તથા અન્ય સોશિયલ મિડિયા પર સમય વિતાવતી પરી માટે બાહ્ય દેખાવ, સૌંદર્ય, ટાપટિપ સર્વસ્વ છે. વિગધારી બાલા અને ટિકટૉક-ક્વીન પ્રેમમાં પડે છે, પરણવાનું નક્કી કરે છે. બાલાની દ્વિધા એ છે કે પોતે ટકલૂ છે એ પરીને જણાવી દેવું કે નહીં.

2018માં ‘સ્ત્રી’ સર્જનાર અમર કૌશિકને ત્રણ મુખ્ય કલાકારને સાથ મળ્યો છે બહેતરીન સપોર્ટિંગ કાસ્ટનો. જેમ કે, સૌરભ શુક્લા (બાલાના પિતા), સીમા પાહવા (લતિકાનાં માસી), અભિષેક બેનર્જી (બાલાનો પરમેનન્ટ વાળંદ), ધીરેન્દ્ર ગૌતમ (બાલાનો નાનો ભાઈ), વગેરે. ઈન ફેક્ટ કાનપુરના નવશીખિયા ઍક્ટર ધીરેન્દ્ર ગૌતમને કેટલાક બેસ્ટ ફની ડાયલૉગ્ઝ-સીન્સ મળ્યા છે.

ટૂંકમાં ‘બાલા’ એક મસ્તમજાની ફેમિલી એન્ટરટેનિંગ ફિલ્મ છે. મસ્ટ વૉચ.

(જુઓ ‘બાલા’નું  ટ્રેલર)

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]