મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસીઃ નબળી પટકથા સામે હારી, અભિનયના મોરચે વિજયી નીવડી રાણી…

ફિલ્મઃ મણિકર્ણિકા –
ધ ક્વીન ઓફ ઝાંસી

કલાકારોઃ કંગના રણોત, જેસુ સેનગુપ્તા, ઝિશાન અયૂબ, અંકિતા લોખંડે

ડાયરેક્ટરઃ કંગના રણોત, ક્રિશ

અવધિઃ આશરે દોઢસો મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★

એક સ્પષ્ટતા – હું અમુક પૂર્વગ્રહ સાથે ‘મણિકર્ણિકા’ જોવા ગયેલો, કેમ કે ફિલ્મને લઈને રોજ એક નવો વિવાદ ખડો થતોઃ પહેલાં કેતન મહેતા આ ફિલ્મ બનાવવાના હતા, હવે ક્રિશ બનાવશે, હવે ક્રિશએ કરેલું 70 ટકા શૂટિંગ રદબાતલ કરી કંગના રણોતે નવેસરથી કર્યું (આમ એ એક્સિડેન્ટલ ડિરેક્ટર બની- ડિરેક્ટર તરીકે એનું નામ પહેલાં આવે છે, પછી ક્રિશનું), કલાકાર બદલાઈ ગયા, વગેરે. આવું થાય ત્યારે ફાઈનલ પ્રોડક્ટ અથવા સંપૂર્ણ ફિલ્મ કેવી હશે, સાતત્ય જળવાયું હશે કે કેમ, કે ટુકડા લાગશે એવી શંકા રહ્યા કરે. સદભાગ્યે, ‘મણિકર્ણિકા’માં આવું કંઈ થયું નથી.

ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના કેટલાક બહાદુર યોદ્ધામાંનાં એક રાણી લક્ષ્મીબાઈ વિશેની કંગના રણોતને ચમકાવતી ‘મણિકર્ણિકા’ જોવાલાયક ફિલ્મ ખરી. જો કે પૂર્વાર્ધ એટલે કે ઈન્ટરવલ પહેલાં ફિલ્મ ઢીલી છે. મધ્યાંતર પહેલાં મણિકર્ણિકાના બાળપણ તથા ઝાંસીના રાજા સાથે લગ્નની વાત છે. મણિકર્ણિકા 4 વર્ષની વયે માતા સાથે બિઠૂર જતી રહેલી. અહીં પેશવા બાજીરાવ (સુરેશ ઓબેરોય)ના દત્તક પુત્ર નાનાસાહેબ સાથે એનું બાળપણ વીત્યું. તલવાર-ઢાલ-કટારી-ઘોડેસવારી બધાંમાં નિપુણ. એની વીરતાને પ્રત્યક્ષ નિહાળનાર ઝાંસીના દીક્ષિત (કુલભૂષણ ખરબંદા) ઝાંસીના રાજા ગંગાધર રાવ (જેસુ સેનગુપ્તા) સાથે એનાં લગ્ન કરાવે છે. લગ્ન બાદ ગંગાધર રાવ પત્નીનું નામ લક્ષ્મીબાઈ પાડે છે.

રાજા-રાણીને પુત્ર જન્મે છે, પણ રાજમહેલના ખૂની દાવપેચમાં પુત્ર તથા 1853માં રાજાનો ભોગ લેવાય છે. વિધવા લક્ષ્મીબાઈ માથું મૂંડાવી શેષ જીવન કાશી વિતાવવાને બદલે ઝાંસીની ગાદી પર બેસી રાજ્ય તથા પ્રજાને અંગ્રેજો (કંપની)ની જોહુકમીથી બચાવવાનું બીડું ઝડપે છે. આ વાતથી ગિન્નાયેલી કંપની અચાનક રાણીને ઝાંસીની બહાર કાઢી મૂકે છે, પરિણામે કાલ્પીમાં રહીને રાણી ગ્વાલિયર પર કબજો કરે છે. અહીં જ રહીને એ અંગ્રેજો પર હુમલો કરવાની રણનીતિ બનાવે છે, પણ લડાઈ દરમિયાન વીરગતિ પામે છે.

ફિલ્મના નેગેટિવ પાસાં જોઈએ તો, આજથી લગભગ 160 વર્ષ પહેલાંની આ કથા આલેખી છે ‘બાહુબલી’ના લેખક વિજયેન્દ્ર પ્રસાદે. અમિતાભ બચ્ચનના પ્રભાવી અવાજ સાથે શરૂ થતી કથાના આરંભમાં જ આપણને કહી દેવામાં આવે છે કે ઈતિહાસમાં થોડી છૂટછાટ લેવામાં આવી છે. એ હદે કે અંગ્રેજના મોઢામાં આવો સંવાદ મૂકવામાં આવ્યો છેઃ ‘કહાં ગઈ વોહ (રાણી લક્ષ્મીબાઈ)? ઉસે આસમાન નિઘલ ગયા યા જમીન ખા ગઈ?’ અતુલ કુલકર્ણી, અંકિતા લોખંડે, ડૅની જેવા નીવડેલા કલાકાર સાવ વેડફાયા છે. પ્રસુન્ન જોશીએ લખેલા સંવાદ પણ ફીક્કા છે, ફિલ્મની અવધિ આશરે દોઢસો મિનિટ) કઠે છે.

બાકી એક વાત ચોક્કસઃ રાણીનું પાત્ર કંગનાએ પૂરી નિષ્ઠાથી નિભાવ્યું છે. અનેક સીન્સમાં એણે આંખોથી અસરકારક ભાવ દર્શાવ્યા છે. કદાચ આ પાત્ર એના સિવાય બીજું કોઈ ભજવી ન શક્યું હોત. યુદ્ધનાં દશ્ય પણ પ્રભાવકારી છે. આ ફિલ્મ લક્ષ્મીબાઈ પર બની છે તો એની પ્રત્યે પૂરા આદર સાથે આ ફિલ્મ જોવા જજો, પણ ઝાઝી ઉમ્મીદ લઈને જશો તો નિરાશ થશો.

(જુઓ ‘મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસી’નું ટ્રેલર)

httpss://youtu.be/tKmkMVaNu9g