ફ્રૉડ સૈયાંઃ ઠગ્સ ઑફ સિનેમાસ્તાન !

ફિલ્મઃ ફ્રૉડ સૈયાં

કલાકારોઃ અરશદ વારસી, સૌરભ શુક્લ, સારા લૉરેન

ડાયરેક્ટરઃ સૌરભ શ્રીવાસ્તવ

અવધિઃ આશરે દોઢ કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ

વર્ષો પહેલાં ઉપેન્દ્ર ત્રિવેદી અભિનિત નાટક આવેલુંઃ ‘અભિનયસમ્રાટ’, જેમાં નાયક પર કોર્ટમાં કેસ ચાલે છે. વિવિધ સ્ત્રીને ફસાવી, એમની સાથે લગ્ન કરી, પૈસા-ઘરેણાં લઈને છૂમંતર થઈ જવાનો આરોપ છે, પણ દર વખતે નાયક (ઉપેન્દ્ર ત્રિવેદી) એમ જ કહે કે (આ સ્ત્રી જેની વાત કરે છે) “એ હું નહીં. હું તો પશાભાઈ પટેલ, તમાકુનો સીધોસાદો વેપારી”. આ જ વિષય પર એક ફિલ્મ આવેલીઃ ‘વો મૈં નહીં’. હીરો હતો નવીન નિશ્ચલ. એ પણ જુદાં જુદાં શહેરમાં, જુદી જુદી સ્ત્રી સાથે લગ્ન કરી, થોડા દિવસમાં પૈસાઘરેણાં લઈને છૂમંતર થઈ જતો.

2015માં સોનમ આહુજા કપૂરને ચમકાવતી ‘ડૉલી કી ડોલી’ આવેલી, જેમાં ડૉલી (સોનમ) શાદી રચાવી, થોડા દિવસમાં પતિની મિલકત-કૅશ લઈને છૂમંતર…

હવે 2019માં સૌરભ શ્રીવાસ્તવ ‘ફ્રૉડ સૈયાં’ લઈને આવ્યા છે. વાત એ જ છેઃ ભોલા પ્રસાદ (અરશદ વારસી) યુપી બાજુનો એક ઠગ છે, જે 12-13 લગ્ન કરીને, પત્નીના ઘરેણાં-પૈસા લઈને અહીંતહીં ભટક્યા કરે છે. બસ. આટલી વાર્તા. રખડપટ્ટીમાં એને સૌરભ શુક્લા મળી જાય છે.

‘ફ્રૉડ સૈયાં’ સદંતર વાહિયાત છે, સિનેમા-મનોરંજનના નામે ઠગાઈ છે. ફિલ્મમાં સરેઆમ સ્ત્રીની ખિલ્લી ઉડાડવામાં આવી છે, બધી જ કન્યાને સેક્સભૂખી કમઅક્કલ બતાવવામાં આવી છે. એક સીનમાં અરશદ સવાલ કરે છેઃ “આજ રાત ખાને મેં ક્યા બનાયા હૈ”. ત્યારે પત્ની કહે છેઃ “મૂડ”. એ પછી અરશદ કહે છેઃ “બેરોજગાર પતિને કામ માટે પ્રોત્સાહિત કરવો જોઈએ, કામસૂત્ર માટે નહીં”. કૉમેડીના બહાને કંઈ પણ? આ ઉપરાંત ઍડલ્ટરી વિશેના કાયદાની પણ મજાક ઉડાડવામાં આવી છે. બન્ને (અરશદ-સૌરભ) સશક્ત કલાકાર છે, એમણે આવી વાહિયાત સ્ક્રિપ્ટ શું કામ પસંદ કરી એ એક મોટું આશ્ચર્ય છે. જાણે ડઝનેક સ્ત્રીનાં વાહિયાત ચિત્રણ ઓછાં હોય એમ ફિલ્મમાં બે આઈટેમ સૉંન્ગ છે. એક ગીતના શબ્દ છેઃ ‘હું લેડીસ પાન છું’ અને, બીજું ‘છમ્મા છમ્મા’નું રિમિક્સ. બન્ને એલ્લી એવરમ પર ચિત્રિત થયાં છે, બન્ને એકસરખાં ફીકાં, ચીતરી ચડે એવાં છે.

ગયા દિવાળીના સપરમા દિવસોમાં ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’ નામની મોટી ઠગાઈ થયેલી. ‘ફ્રૉડ સૈયાં’ સિનેમા-મનોરંજનના બહાને થયેલી એથી મોટી ઠગાઈ છે.

(જુઓ ‘ફ્રૉડ સૈયા’નું ટ્રેલર)

httpss://youtu.be/ZoNCGDjr9As

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]