કલાકારોઃ કાર્તિક આર્યન, ક્રિતી સેનન, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના
ડાયરેક્ટરઃ લક્ષ્મણ ઉટેકર
અવધિઃ આશરે બે કલાક
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત
ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2
રોમ-રોમ અથવા રોમાન્ટિક કોમેડી શબ્દસંજ્ઞા બડી અચ્છી છે સાથે જ છેતરામણી પણ. છેલ્લા થોડા સમયમાં આવેલા કેટલાક નવા સર્જકો જાણ્યેઅજાણ્યે એક ફોર્મ્યૂલાને અનુસરવા લાગ્યો છેઃ ભારતનું એક નાનકડું નગર (બનારસ-બરેલી-મેરઠ-ચંદેરી, વગેરે), એ નગરમાંથી આવતાં મધ્મવર્ગી પાત્રો, એમનો રોમાન્સ ને એ રોમાન્સમાં આવતી અડચણ ને એ અડચણમાંથી સર્જાતી કોમેડી… અનેક વાર આ ફોર્મ્યૂલા સફળ થઈ છે તો અનેક વાર ઊંધે માથે પટકાઈ પણ છે. ‘લુકા છૂપી’ આવી જ રોમ-કોમ છે. એ ઊંધે માથે પટકાઈ તો નથી, પણ એવી કંઈ ખડખડ હસાવતી મનોરંજક પણ નથી.
વાર્તા કહેવા ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકરે મથુરા પસંદ કર્યું છે. નગરની એક કેબલ ન્યુસચેનલનો પૉપ્યુલર રિપોર્ટર છે ગુડ્ડુ શુક્લા (કાર્તિક આર્યન). અબ્બાસ (અપારશક્તિ ખુરાના) એનો કૅમેરામૅન છે. ફિલ્મનો આરંભ થાય છે લિવ-ઈન રિલેશનશિપના કહેવાતા વિવાદથી. આ વિવાદને કવર રહી રહેલો ગુડ્ડુ પોતાના કેબલ નેટવર્કમાં ઈન્ટર્નશિપ કરવા આવેલી રશ્મિ ત્રિવેદી (ક્રિતી સેનન)ના પ્રેમમાં પડે છે ને શાદી રચાવવાની પ્રપોઝલ મૂકે છે તો રશ્મિ સામે પ્રપોઝલ મૂકે છેઃ “આપણે થોડો સમય લિવ-ઈન રહેવું જોઈએ. ફાવે તો લગ્ન કરીશું, નહીંતર તુંય છુટ્ટો ને હુંય છુટ્ટી”. આમાં પ્રોબ્લેમ એ છે કે રશ્મિના પિતા (વિનય પાઠક) મથુરાના માથાભારે રાજકારણી છે, ‘સંસ્કૃતિ રક્ષક મંચ’ના પ્રમુખ છે ને લિવ-ઈનની વાત કરનાર તો બાજુએ, બગીચાની બહાર કપલ દેખાય તો એમને ફટકારે છે, એમનાં મોં કાળાં કરે છે. એટલે ગુડ્ડુ-રશ્મિ ગ્વાલિયર જઈને સાથે રહેવા માંડે છે. એકાદબે દિવસ તો સારા જાય છે, બન્નેને સ્વર્ગ હાથવેંતમાં લાગે છે, બસ, હવે મથુરા પાછાં જઈ પરિવારને વાત કરી લગ્ન કરી લઈએ, પણ ત્યાં…
સમાજની સ્વીકૃતિ ઝટ ન મળે એવી લિવ-ઈન રિલેશનશિપની આસપાસ ફરતી કોમેડી લુકા છૂપી ઊંધે માથે નથી પટકાતી અથવા અસહ્ય બની જતી નથી એનું કારણ છે કેટલાક જાનદાર પરફોરમન્સ. જેમ કે કાર્તિક-ક્રિતી-પંકજ ત્રિપાઠી-અપારશક્તિ, વગેરે. રેટિંગમાં વધારાનો અડધો સ્ટાર પણ અભિનયને જ આપવામાં આવ્યો છે, બાકી રોહન શંકરના લેખનમાં સાતત્ય નથી, પટકથામાં પણ ઘણા વાંધાવચકા છે. ઈન્ટરવલ પહેલાં ફિલ્મ મંથર ગતિએ આગળ વધે છે, તો ઈન્ટરવલ પછીનો લગભગ આખો હિસ્સો ગુડ્ડુ-રશ્મિનાં લગ્ન કરવાનાં ફાફાંમાં પૂરો થઈ જાય છે. એ ફાંફાંવાળા સીન્સ પણ રિપીટિટિવ છે. આમાં મનોરંજન તો બાજુએ, પ્રેક્ષકનો રસ જળવાઈ રહેવો કપરો છે. નબળો પાયો, નબળી પટકથા તથા જવલ્લે જ સ્ફૂટતું હાસ્ય નજરઅંદાજ કરી કાર્તિક-ક્રિતીને જોવાં હોય તો જજો ‘લુકા છુપી’ જોવા.
(જુઓ ‘ટોટલ ધમાલ’નું ટ્રેલર)
httpss://youtu.be/-JLewvWBkCw