કેદારનાથઃ મેલોડ્રામાનાં ઘોડાપૂર

ફિલ્મઃ કેદારનાથ

કલાકારોઃ સુષાંતસિંહ રાજપૂત, સારા અલી ખાન, નીતિશ ભારદ્વાજ

ડાયરેક્ટરઃ અભિષેક કપૂર

અવધિઃ આશરે બે કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2

હિંદુ ભાવિકોની આસ્થાનાં પ્રતીક સમાં ચાર ધામમાંના એક કેદારનાથમાં સ્થાનિક કર્તાહર્તાની એક અગત્યની મીટિંગ ચાલી રહી છે. એજેન્ડા છે નવી ટુ-સ્ટાર હોટેલ બાંધવી, જેથી યાત્રિકોની વ્યવસ્થા સચવાય. અમુક કારણસર ‘પિઠ્ઠુ’ તરીકે કામ કરતો મન્સૂર (સુષાંતસિંહ) પોતાનો મત વ્યક્ત કરતાં પ્રસ્તાવનો વિરોધ કરે છે ત્યારે કર્તાહર્તા એની પર તાડૂકતાં કહે છેઃ “તુમ યહાં ક્યૂં હો”? ત્યારે મન્સૂર જવાબ આપતાં કહે છેઃ “અમે તો પેઢી-દર-પેઢીથી અહીં જ છીએ. કોઈએ અમારી નોંધ લીધી જ નહીં”…

યાત્રાધામ હોય કે પછી શહેરના મહોલ્લા કે વેપારઉદ્યોગ- હિંદુ-મુસ્લિમ હંમેશાંથી એકમેક સાથે હળીમળીને રહેતા આવ્યા છે એ હકીકતને મૂઠીભર ઝનૂનીઓ નજરઅંદાજ કરવાના પ્રયાસમાં છે ત્યારે દિગ્દર્શક અભિષેક કપૂરે 2013ના ઘાતક ઉત્તરાખંડ-પૂરની આસપાસ એક પ્રેમકથા કહેવા મન્સૂરને નાયક બનાવ્યો છે. કમનસીબે ‘કેદારનાથ’, અમુક છૂટાછવાયા સીન્સ (અહીં વર્ણવ્યો એ)ને બાદ કરતાં, હિંદીમાં જેને ઘીસીપીટી એવી ફિલ્મ બનીને રહી ગઈ છે. અલબત્ત, એક વિઝન હતું અભિષેક કપૂર પાસે, પણ એનો અમલ કરવામાં એ અટવાયા હોય એવું સ્પષ્ટ દેખાયઃ લવસ્ટોરી પર વધારે ધ્યાન આપવું? કે ભયાવહ ટ્રેજેડી પર? કે હિંદુ-મુસ્લિમ ઈશ્યુ પર?

જો તમને યાદ હોય તો, 1980ના દાયકામાં આવી ફિલ્મો બનતીઃ હિંદુ છોકરી મુસલમાન છોકરાનો પ્રેમ, પરિવારમાંથી વિરોધ, એકાદ વિલન, મેલોડ્રામા, વગેરે. ઈવન, સારા અલી ખાનની મમ્મી અમૃતાસિંહની ફર્સ્ટ ફિલ્મ ‘બેતાબ’માં પણ લગભગ આ જ થિમ હતોઃ વર્ગવિગ્રહ. સારાની પહેલાં એન્ટ્રી કરનારી જાહ્નવી કપૂરની ‘ધડક’માં પણ સેમ-ટુ-સેમ. લવ જિહાદ. શૉકિંગ્લી, ફિલ્મના રાઈટર (અભિષેક કપૂર-કનિકા ધિલ્લોન) 1990ના દાયકામાં આવેલી જેમ્સ કેમેરોનની ‘ટાઈટેનિક’થી પણ ખાસ્સા પ્રભાવિત લાગે છે. અનેક સીન, ક્લાઈમેક્સ પર એના સ્ટેમ્પ લાગેલા છે.

ફિલ્મનો ઉપાડ થાય છે 2013ના મે મહિનામાં- પેલી કરુણાંતિકાના એક મહિના પહેલાં. પવિત્ર નગરી કેદારનાથમાં અશક્ત યાત્રીને પીઠ પર બેસાડી તળેટીમાંથી શિખર પર આવેલા મંદિરે લઈ જતા કૂલી મન્સૂરનો આપણને પરિચય કરાવવામાં આવે છે. ગુજરાતી સહિત લગભગ બધી ભાષા બોલતો મન્સૂર સાથે એક ખચ્ચર છે, જેની પર સામાન લાદ્યો છે. મંદાકિની ઉર્ફે મુક્કુ (સારા અલી ખાન) ‘પંડિતો કી બેટી’ છે. પિતા (નીતિશ ભારદ્વાજ) કર્મકાંડી બ્રાહ્મણ છે. ઘરમાં એક નાનકડી લોજ બનાવી યાત્રિકોને રહેવાજમવાની વ્યવસ્થા પણ કરી છે પંડિતે. અભિષેક કપૂરની જ ‘કાઈપો છે’ની જેમ અહીં પણ ક્રિકેટ છે. ભારત-પાકિસ્તાનની ઉત્કંઠાવાળી મૅચના લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન મન્સૂર-મુક્કુ પહેલાં મિત્ર ને પછી પ્રેમી બને છે ત્યારે પ્રેક્ષક સમજી જાય છે કે હવે આગળ ટ્રબલ જ ટ્રબલ છે. એક વિલન છે- પંડિતપરિવારનો નિકટજન કુલ્લુ (નિશાંત દહિયા), જે એક સમયે મુક્કુની મોટી બહેન (પૂજા ગોર)નો મંગેતર હોય છે, પણ સગાઈ તોડી નાની બહેન એટલે કે મુક્કુનો મંગેતર બન્યો છે. છેવટે ‘એક દિવસ સચ્ચાઈ સામને’ આવી જાય છે, મન્સૂરને ઢોરમાર મારવામાં આવે છે, પંડિતજી ઘોષણા કરે છે કે કાલે સવારે જ મુક્કુનાં લગન. એ રાતે આભ ફાટે છે, ધોધમાર વરસાદ વરસવા માંડે છે, ઘોડાપૂર આવે છે અને… 2013ના જૂનમાં ત્રાટકેલી આ ટ્રેજેડીમાં ચાર હજારથી વધુ યાત્રાળુએ જીવ ગુમાવ્યા, પચાસ હજારથી વધુ લોકોને ઈન્ડિયન આર્મીએ ઉગાર્યા.

ફરહાન અખ્તરની ‘રૉક ઑન-ટુ’ અને ‘ફિતૂર’ની નિષ્ફળતા બાદ અભિષેક કપૂરને આ ફિલ્મથી ઘણી ઉમેદ હોય એ સમજી શકાય છે, પણ આખા ને આખા હાથી નીકળી જાય એટલાં મોટાં ગાબડાંવાળી પટકથા સાથે આ ઉમેદ કેવી રીતે પાર પડે? જેમ કે પવિત્ર ધામમાં ઠેરઠેર ફૂટી નીકળેલી હોટેલ-રેસ્ટોરાંનો વિરોધ. એક દશ્યમાં મુક્કુ ગુસ્સામાં પહાડ પર જડવામાં આવેલું બોર્ડ ઉખાડી કાઢે છે. ધૅટ્સ ઈટ. પછી કંઈ નહીં. કેદારનાથ પર આભ ફાટવાનું છે એવી આગોતરી જાણકારી મેળવનાર હવામાન ખાતાનો એક ઑફિસર, તોફાન ક્યાંથી નીકળી ક્યાં આગળ વધી રહ્યું છે એનો કલર પ્રિન્ટઆઉટ કાઢી પોતાના બૉસની કેબિનમાં ધસી જાય છે. ધૅટ્સ ઈટ. પછી કાંઈ નહીં. અચાનક લતા મંગેશકરની અમર રચના (‘લગ જા ગલે કે ફિર યે હસીં રાત હો ન હો’)નો રેફરન્સ આવે છે. વ્હાય? અચ્છા, પંડિત (નીતિશ ભારદ્વાજ) શા માટે પોતાના ભાવિ જમાઈને બ્રિંદા સાથે સગાઈ ફોક કરી મુક્કુ સાથે સગાઈ કરવાની મંજૂરી આપે છે એનું કોઈ જસ્ટિફિકેશન નથી.

નવોદિતા સારા અલી ખાન પ્રોમિસિંગ લાગે છે. સુષાંતસિંહ રાજપૂત પોતાનું કેરેક્ટર મન્સૂર રજૂ કરવામાં મુશ્કેલી અનુભવતો જણાય છે. સારાની મોટી બહેનના પાત્રમાં પૂજા ચમકે છે. (વીએફએક્સ) સ્પેશિયલ ઈફેક્ટ્સની મદદથી ઝડપવામાં આવેલાં કેદારનાથની તારાજીનાં દશ્ય, ખાસ કરીને ક્લાઈમેક્સ તરફ લઈ જતાં દશ્ય ફર્સ્ટ ક્લાસ છે.

અંતે એટલું જ કહેવાનું કે માનવઈતિહાસની સૌથી ગમખ્વાર ટ્રેજેડીમાંની એક એવી ઉત્તરાખંડ-ફ્લડસની આસપાસ રચાયેલી લવસ્ટોરી નિરાશાજનક છે.

(જુઓ ‘કેદારનાથ’નું ટ્રેલર)

httpss://youtu.be/03-KVRmd3xo