કલાકારોઃ કંગના રણોટ, રાજકુમાર રાવ, અમાયરા દસ્તૂર, હુસૈન દલાલ
ડાયરેક્ટરઃ પ્રકાશ કોવેલમુડી
અવધિઃ આશરે બે કલાક
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત
ફિલ્મોમીટર રેટિંગઃ
★★★
આ અઠવાડિયે બે ફિલ્મ રિલીઝ થઈઃ દિલજિત દોસાંજ, ક્રીતિ સેનનને ચમકાવતી ‘અર્જુન પતિયાલા’ અને કંગના રણોટ, રાજકુમાર રાવને ચમકાવતી ‘જજમેન્ટલ હૈ ક્યા’. આપણે ‘જજમેન્ટલ હૈ ક્યા’ની વાત કરીએ. આ ફિલ્મમાં કંગના રણોટના કેરેક્ટરમાં જે જોવા મળે છે એવું પાગલપન અને વિચિત્રતા કદાચ આજ સુધી કમસે કમ મેં તો નથી જોયું. આ પાત્ર ફિલ્મનો વિષય, એની માવજત, વગેરેને કારણે એને સાઈકો-કોમિક-થ્રિલરની શ્રેણીમાં મૂકી શકાય.
બૉબી (કંગના રણોટ) એક ડબિંગ આર્ટિસ્ટ છે, પણ એને બનવું છે એક્ટ્રેસ એટલે એ ડબિંગ પણ એવી રીતે કરે છે, જાણે પોતે આર્ટિસ્ટ હોય. એ જે પાત્રનું ડબિંગ કરે એને જીવવા માંડે છે. બૉબીનો એક કડવો ભૂતકાળ છે. શૈશવકાળમાં એણે કંઈ એવું અનુભવ્યું છે, જેની કડવી યાદ આજે વીસ-બાવીસ વર્ષ પછીયે એનો પીછો છોડતી નથી, જેને કારણે એ ચિત્રવિચિત્ર હરકત કરતી રહે છે, જેને લીધે એની પૂંઠે ‘એક્યૂટ સાઈકોસિસ’નું લેબલ લાગ્યું છે (“ઉસકે બહોત સારે કૉમ્પ્લેક્સ હૈ”) અને, જેને લીધે બૉબીને અવારનવાર મુશ્કેલીમાં મુકાવવું પડે છે. એક કિસ્સામાં એને પૂછવામાં આવે છે કે “તમે વીસ હજાર રૂપિયા દંડ ભરશો કે પછી એક મહિના માટે મેન્ટલ અઝાયલમમાં જશો”? આંખનું મટકું માર્યા વિના બૉબી કહે છેઃ “હું મેન્ટલ અઝાયલમમાં જવાનું પસંદ કરીશ”. માનસિક બીમારીથી ગ્રસ્ત બૉબી કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે ઝોલાં ખાતી રહે છે.
એ પછી, બૉબીના મકાનમાં એક દંપતી ભાડે રહેવા આવે છે. પતિ કેશવ (રાજકુમાર રાવ) પેસ્ટિસાઈડ કંપનીમાં નોકરી કરે છે, જ્યારે પત્ની રિમા (અમાયરા દસ્તૂર) ગૃહિણી છે. અહીંથી સ્ટોરીમાં આવે છે ટ્વિસ્ટ. એક ખૂન થાય છે, એનું ઈન્વેસ્ટિગેશન શરૂ થાય છે, એ ખૂન નહીં, અકસ્માત છે એમ કહી પોલીસ ફાઈલ ક્લોઝ કરી દે છે… ઈન્ટરવલ પછી ફિલ્મ લંડન પહોંચે છે, જ્યાં આપણને બેએક નવાં પાત્રના પરિચય કરાવવામાં આવે છેઃ જવાન પ્રેગ્નન્ટ મહિલા મેઘા (અમ્રિતા પુરિ), જે બૉબીની કઝિન છે ને એના કહેવાથી બૉબી લંડન ગઈ છે અને થિયેટર ડિરેક્ટર (જિમી શેરગિલ), આજના જમાનાની રામાયણ તખ્તા પર બતાવવાની તૈયારી કરી રહ્યો છે, જેમાં એમણે એવો સવાલ ઉઠાવ્યો છે કે ‘શું સીતા ખરેખર એક અબળા છે, જેને વારંવાર બચાવ્યા કરવાની’?
ફિલ્મનાં પટકથા-સંવાદ કનિકા ઢિલ્લન (‘રા.વન’, ‘મનમર્ઝિયાં’, ‘સાઈઝ ઝીરો’ અને છેલ્લે ‘કેદારનાથ’)એ આલેખ્યાં છે. સ્ક્રીનપ્લે વિશે પહેલાં જરા બૅડ ન્યુઝઃ લેખક-દિગ્દર્શક કન્ફ્યુઝ છેઃ એમને બ્લૅક કોમેડી બનાવવી છે? કે સાઈકોલોજિકલ થ્રિલર? ઓકે, બૉબીના પાત્ર પર સઘળું ફોકસ રાખવાને લીધે કેશવના પાત્રને પૂરતો ન્યાય આપી શકાયો નથી. એવી જ રીતે જિમી શેરગિલ પણ સાવ વેડફાયો છે. બૉબીનો સેક્સભૂખ્યો ફ્રેન્ડ (હુસૈન દલાલ) અમુક સમય બાદ ઈરિટેટ કરે છે, ઈન્ટરવલ બાદ ડિરેક્ટરે પૌરાણિક પાત્રો (રામ-સીતા રાવણ-હનુમાન-જટાયૂ, વગેરે)ની એન્ટ્રી કરાવી ફિલ્મને (વધુપડતી) એબ્સેટ્રેક્ટ (જેને માટે ગુજરાતીમાં અબોધ જેવો શબ્દ છે) બનાવી છે, જેની જરૂર નહોતી અને એ જીરવવાં પ્રેક્ષકો માટે જરા કપરાં બની જાય છે.
હવે થોડા સારા સમાચારઃ કંગના રણોટ ટેરિફિક ફૉર્મમાં છે. અત્યંત જટિલ, કોઈ એક ચોક્કસ ઢાંચામાં ઢાળી ન શકાય એવું પાત્ર એણે ફેન્ટાસ્ટિક અદા કર્યું છે. ઍક્ટ્રેસ બનવા માગતું એનું કેરેક્ટર સાઉથ ઈન્ડિયન ફિલ્મનાં ડબિંગ કરી કરીને કંટાળી જઈને કહે છેઃ “કેવા કેવા લોકોને અહીંયાં કામ મળી જાય છે”! બોલિવૂડમાં નેપોટીઝમ (સગાંવાદ) વિશે અવારનાવર કંગનાની હૈયાવરાળ યાદ આવી જાય છે. રાજકુમાર રાવ પણ સરસ, જો કે એના પાત્રને વધુ ન્યાય આપવો જોઈતો હતો.
જો તમે ધૈર્યવાન પ્રેક્ષક છો, કથા-પટકકથાના થોડા અવગુણ અવગણીને એક વેગળો વિષય તથા પાવરફુલ પરફોરમન્સીસ જોવાની ઈચ્છા હોય તો પહોંચી જજો નજીકના મલ્ટિપ્લેક્સમાં.
(જુઓ ‘જજમેન્ટલ હૈ ક્યા’નું ટ્રેલર)