સુપર 30: ડૂબતી નિરાશા…તરતો માનવજુસ્સો

ફિલ્મઃ સુપર 30

કલાકારોઃ હૃતિક રોશન, મૃણાલ ઠાકુર, વીરેન્દ્ર સક્સેના

ડાયરેક્ટરઃ વિકાસ બહલ

અવધિઃ બે કલાક ચાલીસ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★

કુદરતની કચકચાવીને વીંઝાતી કારમી થપાટ સામે માનવજુસ્સાનો હંમેશાં વિજય થાય છે એ હકીકતનું બયાન કરતી ‘સુપર 30’ હૃતિક રોશનની ફિલ્મ છે. નિર્ધન, પણ તેજસ્વી વિદ્યાર્થીઓને ‘આઈઆઈટી’-‘જીઈઈ’ પ્રવેશપરીક્ષા માટે તૈયાર કરતા બિહારના ગણિતજ્ઞ આનંદ કુમારના કોચિંગ ક્લાસનું નામ આ ફિલ્મનું શીર્ષક બન્યું છેઃ ‘સુપર થર્ટીઃ રામાનુજન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેથેમેટિક્સ’. આનંદભાઈના જીવન પરથી સર્જાયેલી આ ફિલ્મમાં હૃતિકે (આનંદ કુમાર) પાત્રનો આત્મા આબાદ ઝીલ્યો છે. એક સેમ્પલઃ શિક્ષણપ્રધાન (પંકજ ત્રિપાઠી) આનંદ કુમારને મૅથ્સ કમ્પિટિશન માટે રામાનુજન મેડલ એનાયત કરી રહ્યા હોય છે ત્યારે આનંદ કુમારની આંખો બાજુમાં ઊભેલા એક વિદ્યાર્થીના હાથમાં રહેલા પુસ્તક પર જ છે.

નીચલા મધ્યમ વર્ગમાંથી આવતા તેજસ્વી વિદ્યાર્થી આનંદ કુમારને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઍડમિશન મળે છે, પણ ગરીબી નામનું સ્પીડબ્રેકર ઈંગ્લૅન્ડ જવાના રસ્તા આડે આવે છે. દીકરાને કેમ્બ્રિજ મોકલી ન શીખવાનું દરદ આનંદ કુમારના પોસ્ટમૅન પિતા (વીરેન્દ્ર સક્સેના)ને પારાવાર છે. બે છેડા ભેગા કરવા પરિવાર પાપડ પણ વેચે છે. એક દિવસ કોચિંગ ક્લાસ ઓનર લલ્લનજી (‘સીઆઈડી’માં ઈન્સ્પેક્ટર અભિજિત બનતો આદિત્ય શ્રીવાસ્તવ) આનંદ કુમારને પોતાના ક્લાસીસના સ્ટાર ટીચર બનાવીને રજૂ કરે છે અને…

આનંદ કુમારના જીવનથી અમુક અંશે પ્રેરિત એવી ‘આરક્ષણ’ થોડાં વર્ષ પહેલાં આવી ગઈ, પણ એના દિગ્દર્શક પ્રકાશ ઝા વિષયને ન્યાય આપી શક્યા નહોતા, જ્યારે અહીં વિકાસ બહલ મૂળ વાતને પ્રામાણિકપણે વળગી રહ્યા છે.

ફિલ્મનો સમયકાળ છેઃ 1990નો દાયકો. એ સમય, જેમાં હૃતિક રોશને કારકિર્દીના શ્રીગણેશ કર્યા ને જવાન દિલોની ધડકન બની ગયો. જો કે ‘સુપર 30’ જોતી વખતે એ ગ્રીક ગૉડની, ચૉકલેટી હીરોની છબિ વીસરાઈ જાય છે. નજર સામે આવે છે માત્ર અને માત્ર આનંદ કુમાર. એના હાવભાવ, બોલવાની લઢણ, વગેરે બિલકુલ આનંદ કુમાર જેવાં જ છે. અઢી વર્ષ, હૃતિકે આ ફિલ્મને આપ્યાં, જે પરદા પર સાફ દેખાય છે. હૃતિક ઉપરાંત ફિલ્મના નાનામોટા તમામ કલાકારે સ્ક્રિપ્ટમાં યકીન રાખીને કામ કર્યું છે. મૃણાલ ઠાકૂરની ભૂમિકા ટૂંકી, પણ અત્યંત મહત્ત્વની છે. સંતાનો માટે મોટાં સપનાં જોતાં ઈમોશનલ પિતા તરીકે વીરેન્દ્ર સક્સેના રાબેતા મુજબ ઈમ્પ્રેસ કરી ગયા. એમનો સંવાદ “રાજા કા બેટા રાજા નહીં બનેગા” (ઉચ્ચ શિક્ષણ કંઈ અમીરનો જ ઈજારો નથી) ભલે જુનવાણી લાગતો, પણ એ ફિલ્મનું હાર્દ બની રહે છે. મોડેલ-ટીવીઍક્ટર નંદિશ સંધુ આનંદ કુમારના ભાઈની ભૂમિકામાં અસરકારક. અને પંકજ ત્રિપાઠી? જસ્ટ વન વર્ડઃ કમાલ. જો કે એમને વધુ સારી સ્ક્રિપ્ટની જરૂર હતી.

વિકાસ બહલનું પાત્રાલેખન સબળ હોવા છતાં અનેક ઠેકાણે પાત્રોને ફિલ્મી બનતાં રોકી શક્યા નથી. ખલનાયકની ફોજ સામે એકલેહાથે લડતા હીરોની વાર્તા બોલિવૂડ મસાલા ફિલ્મ માટે ઠીક છે, પણ સત્યઘટનાથી પ્રેરિત સિનેમા માટે નથી. મૂળ વાત જ એટલી સશક્ત છે કે ઑડિયન્સને પરાણે એન્ટરટેન કરવાની જરૂરત જ નથી. બને છે એવું કે ઈન્ટરવલ પહેલાંનો ભાગ સુરેખ વહે છે, પણ ઈન્ટરવલ પછી વાર્તા થોડી મેલોડ્રામેટિક તથા ખેંચાયેલી લાગે. પત્રકાર તરીકે વચ્ચે વચ્ચે આવી જતો અમીત સઢ પણ કથનનો સાહજિક ભાગ લાગવાને બદલે એક સગવડિયું ઓજાર વધુ લાગે. ક્લાઈમેક્સ હજુ ચોટદાર બની શક્યો હોત. આમ છતાં આનંદ કુમારના સંઘર્ષ, પરિવાર માટેનું એમનું અદમ્ય ખેંચાણ તથા ગરીબ કિશોરોને શોધી એમને આઈઆઈટીમાં મોકલવાના કાબિલેદાદ પ્રેરણાદાયી જુસ્સાના તથા હૃતીકના દર્જેદાર અભિનયના સાક્ષી જરૂર બનવું જોઈએ.

(જુઓ ‘સુપર 30’નું ટ્રેલર)

httpss://youtu.be/QpvEWVVnICE