ફિલ્મઃ હેલિકોપ્ટર ઈલા
કલાકારોઃ કાજોલ, રિદ્ધિ સેન, નેહા ધુપિયા
ડાયરેક્ટરઃ પ્રદીપ સરકાર
અવધિઃ આશરે બે કલાક
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત
ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2
ત્રણેક વર્ષના અંતરાલ બાદ કાજોલ ડિરેક્ટર પ્રદીપ સરકાર (છેલ્લે એમણે રાની મુખર્જીને ચમકાવતી ‘મર્દાની’ આપી)ની ‘હેલિકોપ્ટર ઈલા’ બનીને આવી છે. ઈલા રાયતુરકર (રાની મુખર્જીની કઝિન કાજોલ) સિંગલ મધર છે. એને હેલિકોપ્ટર એટલા માટે કહે છે કેમ કે એ હેલિકોપ્ટરની જેમ સતત કિશોરાવયના પુત્ર વિવાન (રિદ્ધિ સેન) પર નજર રાખ્યા કરે છે, સતત એની ચિંતા કર્યા કરે છે. માતા-પુત્રની ડ્રામેડી, ‘હેલિકોપ્ટર ઈલા’ નિરાશા જન્માવે છે. વધુપડતી દખલગીરીને કારણે ટીનએજ પુત્ર ને માતા વચ્ચે સર્જાતા ટેન્શનના સીન્સ પણ સાવ નાટકીય બની રહ્યા છે. મૉમ સતત સન પર નજર રાખી રહી છે, એને દીકરો મોબાઈલ ફોનનો વધુપડતો વપરાશ કરે એ ગમતું નથી, એ મોબાઈલ પણ ચેક કર્યા કરે છે, કૉલેજની રિસેસમાં ખાવા આપેલું ‘લંચ બૉક્સ પાછું લાવવાનું ભૂલતો નહીં’ એમ ટોક્યા કરે છે. આમ કરવામાં એ પોતાની ઓળખ, પોતાની કારકિર્દી દાવ પર લગાવી દે છે.
ફિલ્મ ‘શિપ ઑફ થિસસ’ના સર્જક આનંદ ગાંધીના ગુજરાતી નાટક ‘જો, કાગડો’ પરથી સર્જાઈ છે. જો કે નાટક ને ફિલ્મ એ બે જુદાં માધ્યમ હોઈને પટકથામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે, પણ, ફૅમિલી એન્ટરટેનરનું છોગું લગાવી દેવાથી એ એવી બની જતી નથી. બલકે બોલિવૂડની કેટલીક જબરદસ્ત પ્રતિભાશાળી અભિનેત્રીમાંની એક એવી કાજોલની ઓવર ઍક્ટિંગ, એનો વધુપડતો ઉત્સાહ તથા ગળે ન ઊતરે એવી કથા-પટકથા-સિચ્યુએશન્સને લીધે ફિલ્મની દશા ખરાબ વેધરમાં ઊડવાના પ્રયાસ કરતા હેલિકોપ્ટર જેવી થઈ ગઈ છે.
ફિલ્મનો ઉપાડ થાય છે ઈલાના કૉલેજપ્રવેશથી. બાવીસ વર્ષના ગૅપ બાદ એણે દીકરા વિવાનની કૉલેજમાં ઍડમિશન લીધું છે. સંયોગથી એને વિવાનના જ ક્લાસમાં બેસવાનું આવે છે. મમ્મીની આ હરકત વિવાન માટે નીચાજોણું છે. કટ-ટુ ફલૅશબૅકઃ 1990નો દાયકો. પ્રેક્ષકને જણાવવામાં આવે છે કે હજારો-લાખ્ખો લોકોની જેમ જવાન ઈલા પણ આંખોમાં સપનાં આંજી કંઈ બનવા મુંબઈ આવી છે. એને સંગીતજગતમાં પોતાની ઓળખ-નામ કંડારવાં છે. સદભાગ્યે એને અરુણ (તોતા રૉય ચૌધરી) મળે છે, જે પહેલાં બૉયફ્રેન્ડ ને પછી હસબન્ડ બની જાય છે. અરુણ ગીતલેખક છે. એકાદ-બે સીન્સ બાદ સાવ વિચિત્ર કારણસર અરુણ અદશ્ય થઈ જાય છે. વિવાનને એકલેહાથે ઉછેરવાની જવાબદારી ઈલા પર આવી પડે છે. ઈલાને સતત એ ચિંતા રહ્યા કરે છે કે જમાનો બારીક છે, ક્યાંક મારો લાડલો વિવાન આડે રસ્તે ન જતો રહે.
ઈલાનું કેરેક્ટર સંગીતજગત સાથે વણાયેલું છે એટલે ફિલ્મમાં 1990ના દાયકાના સુપરહીટ ‘રુક રુક રુક, અરે બાબા રુક’થી લઈને સ્વાનંદ કિરકિરે લિખિત, અમિત ત્રિવેદી સ્વરાંકિત ‘યાદોં કી અલમારી’ (ગાયિકાઃ પાલોમી ઘોષ) જેવાં અનેક ગીત છે, પણ એ કથાને ક્યાંય લઈ જતાં નથી. ગમે તેમ કરીને પ્લેબેક સિંગર બનીને જ રહીશ એવું ઝનૂન ધરાવતી ઈલા એકાએક અરુણ સાથે પરણીને બધું ભૂલી જાય છે એ વાત ગળે ઊતરતી નથી. કાજોલ કિશોરવયના પુત્રની મા કરતાં એની ફ્રેન્ડ જેવી વધુ લાગે છે. સૌથી હાસ્યાસ્પદ તો નેહા ધુપિયાનું પાત્ર છે. એ ડ્રામા ટીચર બની છે, ને એ પોતે જ નાટકીય લાગે છે. એક તબક્કે કૉલેજના પ્રિન્સિપાલ બરાડે છેઃ ‘યે કોઈ પ્લેસ્કૂલ નહીં હૈ.’
ટૂંકમાં પ્રદીપ સરકારનું લેટેસ્ટ સર્જન એક એવું હેલિકોપ્ટર બની રહે છે, જે કદી ઊડાન જ ભરી શકતું નથી.
(જુઓ ‘હેલિકોપ્ટર ઈલા’નું ટ્રેલર)
httpss://youtu.be/LLiUiJz5TZc