દે દે પ્યાર દેઃ મૉડર્ન ફૅમિલી ફુવડ કૉમેડી

ફિલ્મઃ દે દે પ્યાર દે

કલાકારોઃ અજય દેવગન, રાકુલ પ્રીતસિંહ, તબુ

ડાયરેક્ટરઃ અકિવ અલી

અવધિઃ ૧૩૪ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2

કોકના ઘરે પીધેલી હાલતમાં ઊંઘી ગયેલી એક ફુટડી લલના સવારે જાગતાંવેંત ઘરના માલિકને કહે છેઃ “કેમ રાતે તમે મારી સાથે કંઈ કર્યું નહીં”?

ઘરમાલિક કહે છેઃ “હું નાશામાં હોય એવી છોકરી સાથે કંઈ કરતો નથી”.

છોકરીઃ “તો હું નશામાં ન હોઉં ત્યારે તો મારી પાસેથી કંઈ અપેક્ષા રાખતા જ નહીં”…

આ છે ‘દે દે પ્યાર દે’ના આરંભના સીન્સના, નાયક-નાયિકા વચ્ચેના સંવાદ. ‘દે દે પ્યાર દે’ને એકસાથે કોમેડી-ઈમોશનલ બનાવવાના ચક્કરમાં અધવચ્ચે લથડીને રહી ગઈ છે. પચાસ વર્ષી આશિષ (અજય દેવગન) લંડનમાં ધનાઢ્ય વેન્ચર કેપિટલિસ્ટ છે. છવ્વીસ વર્ષી આયેશા (રાકુલ પ્રિતસિંહ) એન્જિનિયર છે, પણ શોખ ખાતર સેન્ટ્રલ લંડનના દારૂના પીઠામાં (બારમાં) નોકરી કરે છે. બન્ને એક કૉમન ફ્રેન્ડનાં લગ્નમાં મળે છે ને એમની વચ્ચે કંઈ થઈ જાય છે. આયેશા એને ટોણો મારતાં કહે છે કે “તો આપ, ગ્રો હોને સે પેહલે યંગ બિઝનેસ મેં ઈન્વેસ્ટ કરતે હો!” ખેર. આયેશાએ થોડા સમય પહેલાં જ બૉયફ્રેન્ડ (ફ્રેન્ડલી અપિરિયન્સમાં સનીસિંહ) સાથે બ્રેક અપ કર્યું છે, જ્યારે આશિષ અઢારેક વર્ષ પહેલાં પત્ની મંજુ (તબુ) સાથે છૂટો થઈ ગયો છે. એને બે બાળકો છેઃ પચીસની ઈશિકા ને ચોવીસનો ઈશાન. ત્રણે ઈન્ડિયાના હિલ સ્ટેશન કુલુમાં વસે છે, ટુરિસ્ટોને કોટેજીઝ ભાડે આપવાનો બિઝનેસ કરે છે. એક સવારે આશિષ કુલુ ઍરપૉર્ટ પર આયેશા સાથે લૅન્ડ થાય છે. એમ કે, પત્ની-પરિવાર (આશિષના વલ્ગર, વિચિત્ર વર્તન કરતા પિતા, આલોક નાથ, વગેરે)ને આયેશાને ઈન્ટ્રોડ્યૂસ કરાવી દઉં… ત્યાં વળી ઈશિકાનાં એન્ગેજમેન્ટની વાત ચાલી રહી હોય છે… હવે અહીં રચાય છે લવ ટ્રાયેન્ગલ.

ફિલ્મની વાર્તા, આજના જમાનાના લવ-બવ પર જાણે પીએચ.ડી. કર્યું હોય એ રીતે ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનૂ કે ટિટુ કી સ્વીટી’ના સર્જક લવ રંજને લખી છે, જેમની પર સ્ત્રીજાતના દ્વેષી એવો આરોપ છે. કદાચ આ આરોપમાંથી છૂટવા એમણે ‘દે દે પ્યાર દે’નાં સ્ત્રીપાત્રોને કપટી બતાવ્યાં નથી.

અલબત્ત, ઉંમરના તફાવતવાળી ફિલ્મ આ અગાઉ આવી છે, જેમ કે બાલ્કિની ‘ચીની કમ’. સંયોગથી એમાંય તબુ હતી. અને બધાં જ પાત્રો, આખી ફિલ્મમાં, સતત ઉંમર વિશે જોક પર જોક માર્યા કરે છે, માર્યા જ કરે છે એટલે ઉંમરના તફાવત વિશેની લાગતી ‘દે દે પ્યાર દે’ ખરેખર તો યોગ્ય સાથી મેળવી જીવનમાં આગળ વધતા રહેવા વિશેની કોમેડી છે. કમનસીબે, સર્જકો પાસે આગળ વધવા માટે ખાસ કંઈ છે નહીં એટલે એમણે (સ્પીડબ્રેકરની જેમ આવતાં) સોંગ્સ અને જોક્સ (અમુક સારી, અમુક વૉટ્સઍપના સ્તરની) પર આધાર રાખવો પડ્યો છે. અને ડિરેક્ટર અકિવ અલી મૂળે એડિટર હોવા છતાં એમણે ફિલ્મની ગતિ ધીમી શું કામ રાખી હશે? પોતે જેનાથી છૂટો પડી ગયો છે એ પત્ની-બાળકોને પોતાની ગર્લફ્રેન્ડ ઈન્ટ્રોડ્યૂસ કરાવવા લાવવી એ સિચ્યુએશનમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાની અપાર તક સર્જકોએ વેડફી નાખી છે. હા, થોડા ખરેખર ફની કહેવાય એવા સીન્સ છે. જેમ કે, આશિષના જવાન પુત્રનું પિતાની ગર્લફ્રેન્ડના પ્રેમમાં પડી જવું, દીકરીનો નાઈટસૂટ પહેરનારી ગર્લફ્રેન્ડને દીકરી સમજીને વર્તનાર પિતા, ને મંજુ આગળ રાખડી બંધાવતો આશિષ… મોટા ભાગના ફની સીન્સ અજય દેવગન-તબુને લીધે સર્જાયા છે.

ઍક્ટિંગમાં મેદાન મારી જાય છે તબુ. અજય પણ સ-રસ. રકુલ પ્રીત મોડેલ જેવી વધુ લાગે છે. અજય-તબુની પુત્રીની ભૂમિકા ભજવતી ઈનાયત બહુ ખરાબ, ભયંકર હદે લાઉડ પાત્ર. સનીસિંહની જેમ જાવેદ જાફરી સ્પેશિયલ અપિરિયન્સમાં છે. એ અજય દેવગનનો થેરેપિસ્ટ મિત્ર છે, જેનું દઢપણે માનવું છે કે આયેશા માત્ર પૈસા માટે આશિષના પ્રેમમાં પડી છે, જ્યારે જિમી શેરગિલ કુલુમાં મંજુના રિસોર્ટમાં આવેલો ને મંજુ પાછળ લટૂડાપટૂડા કરતો થેરેપિસ્ટ છે ને કોમિક રિલીફ આપે છે. અંતે, આ ફિલ્મ હું તબુ માટે જ જોવાની ભલામણ કરું છું.