ફિલ્મઃ બધાઈ હો
કલાકારોઃ આયુષ્માન ખુરાના, નીના ગુપ્તા, ગજરાજ રાવ, સુરેખા સિક્રી, સાન્યા મલ્હોત્રા
ડાયરેક્ટરઃ અમિત શર્મા
અવધિઃ આશરે બે કલાક
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત
ફિલ્મોમીટર રેટિંગઃ
★★★
દિલ્હીના એક મધ્યમવર્ગી કુટુંબની પચાસ વટાવી ગયેલી ગૃહિણી ડિક્લેર કરે છે કે એ માતા બનવાની છે ત્યારે આખો પરિવાર ભૂકંપ અનુભવે છે. આ સમાચાર બાદ ઊભી થયેલી પરિસ્થિતિ (સિચ્યુએશન) ને એમાંથી ફૂટતી રમૂજ એ છે ‘તેવર’ (અર્જુન કપૂર-સોનાક્ષી સિંહા-મનોજ બાજપાઈ) સર્જનારા અમિત શર્માની ‘બધાઈ હો’.
વીશી વટાવી ગયેલા નકુલ કૌશિક (આયુષ્માન ખુરાના)ને જ્યારે ખબર પડે છે કે એની માતા, પ્રિયંવદા કૌશિક (નીના ગુપ્તા) હવે ‘આ ઉંમરે’ મા બનવાની છે ત્યારે એ એના કિશોરવયના ભાઈ ગુલ્લર (શાર્દૂલ રાણા)ને દબડાવતાં કહે છેઃ “બોલતા રેહતા થા- અલગ કમરા ચાહિયે… અલગ કમરા ચાહિયે. થોડે દિન ઔર મમ્મી-પાપા કે બિચ મેં સો નહીં સકતા થા”? એક બાજુ પોતાની મેરેજેબલ એજ છે ત્યાં આ મમ્મી-પપ્પાની ‘કરતૂત’… હવે એ યારદોસ્તસગાંવહાલાં આગળ કયું મોઢું લઈને જશે એ વિચારથી વિચલિત નકુલ પોતાની ગર્લફ્રેન્ડ રીની (‘દંગલ’વાળી સાન્યા મલ્હોત્રા) આગળ રોદણાં રડતાં કહે છેઃ “યે ભી કોઈ મમ્મી પાપા કે કરને કી ચીઝ હૈ?” બાય ધ વે, “યે ભી” એટલે સેક્સ એ તમે સમજી ગયા હશો. હજી થોડા દિવસ પહેલાં જ એણે ગર્લફ્રેન્ડની મમ્મી (શીબા ચઢ્ઢા) પર રુઆબ છાંટતાં કહેલું કે અમારું એક રિસ્પેક્ટેબલ ફૅમિલી છે. જો કે એ વખતે એને ખબર નહોતી કે રિટાયરમેન્ટને આરે આવેલા એના પિતા ઍક્ચ્યુઅલી પિતા બનવાના છે. ત્રીજી વાર.
‘બધાઈ હો’નો વિષય લેટ પ્રેગ્નન્સી અને સેક્સ હોવા છતાં એ સંપૂર્ણ પારિવારિક છે એ કમાલ લેખક (પટકથા-સંવાદઃ અક્ષત ઘિલડિયાલ)ની, સચ્ચાઈની નજીક આવતાં પાત્રાલેખનની, સશક્ત અભિનયની તથા દિગ્દર્શકની છે. ફિલ્મનો ઉપાડ અને ઈન્ટરવલ પહેલાંનો પોર્શન મજાનો બન્યો છે. પ્રેક્ષકને દિલ્હીમાં ગવર્નમેન્ટ કોલોનીમાં વસતા મિડલ ક્લાસ કૌશિક-ફૅમિલીના વિવિધ મેમ્બર્સનો પરિચય મળે છે. સૌથી સિનિયર છે અમ્મા (સુરેખા સિક્રી), જ્યારે નકુલ-ગુલ્લર (આયુષ્માન-શાર્દૂલ)ના પિતા જિતિંદર કૌશિક (સુપર્બ ગજરાજ રાવ) રેલવે ટિકિટ કલેક્ટર છે. અને લોધી કોલોનીનાં સરકારી ક્વાર્ટર્સ, એમાં ચાલતાં કીર્તન, ઘરની બહાર, કીર્તનમાં હાજરી આપવા ગયેલાં ભક્તજનોનાં અસ્તવ્યસ્ત રઝળતાં જૂતાં, ટીસીની નોકરી કરતા જિતિંદર કૌશિક અને એના પરિવારની ભાષા-એમની વચ્ચે થતા સંવાદ, વગેરે ફિલ્મને ફુવડ થતી રોકે છે. આ જ પોર્શનમાં, પરિવારને ખબર પડે છે કે આપણા મધ્યમવર્ગી પરિવારમાં અ-કાળે વધુ એક મહેમાન આવવાનું છે, ને એક વિચિત્ર કહેવાય એવી સિચ્યુએશન ઊભી થાય છે. હવે ઍબોર્શન કરાવવું એ તો પરિવાર માટે મહાપાપ છે. તો હવે, પરિસ્થિતિને નિભાવ્યે જ છુટકો.
ઈન્ટરવલ બાદ ફિલ્મ થોડી મેલોડ્રામેટિક બની જાય છે, સાતત્ય પણ ખોઈ બેસે છે, ક્યાંક તમને એવું પણ લાગશે કે “હત્તેરિકી, ટ્રેલરમાં જે પ્રોમિસ કરેલું એવું નથી”, આ ઉપરાંત સેકન્ડ હાફમાં ડિરેક્ટરે નકુલ-રીનીને તથા રીનીની મમ્મીને વધારે ફૂટેજ આપ્યું છે, જેને કારણે એ મૂળ વાતથી ચલિત થાય છે, પણ ઠીક છે. પાવરફુલ પરફોરમન્સ (ખાસ કરીને ગજરાજ રાવ-સુરેખા સિક્રી, જેમને બેસ્ટ સંવાદ મળ્યા છે અને નીના ગુપ્તા), ઓવરઑલ સેટિંગ્સ અને વેગળા વિષયની સ-રસ માવજત બધાઈ હોને દશેરા વીકએન્ડની પરફેક્ટ ફિલ્મ બનાવે છે. જોતાં પહેલાં મોઢું મીઠું કરો જોઈને મીઠું મોઢું મીઠું કરો. એન્જૉય.
(જુઓ ‘બઘાઈ હો’નું ટ્રેલર)
httpss://youtu.be/unAljCZMQYw