આખા વર્ષમાં ભલે ગમે તેટલા હાથ પગ અને ચહેરાને ઢાંકીને આપણે ફરીએ પણ એક દિવસ એવો છે કે એ દિવસે આપણે ભરપુર સૂર્યપ્રકાશમાં રમીએ છીએ. અને એ દિવસ એટલે મકરસક્રાંતિ. ઉતરાયણનો દિવસ હોય એટલે નાના મોટા સૌ કોઇ અગાશી પર જ હોય. પતંગ ચગાવતાં આવડે કે ન આવડે, પણ અગાશી પર રહેવાની મજા તો બધા લે જ. પણ આ મજા બાદ મળે સજા. ગોગલ્સ પહેરીને આંખોને તો બચાવી લઇએ પણ હાથ, પગ અને ચહેરા પર સન બર્ન અને સન ટેન સ્પષ્ટ ઉભરી આવે. જેટલો ભાગ સૂર્યપ્રકાશમાં સીધો ખુલ્લો રહે તેટલો ભાગ લાલ અથવા કાળો થઇ જતો હોય છે. આવી સ્કીનને ફરી ઓરિજીનલ રંગ અને નિખાર આપવાનું આમ તો થોડું અઘરું છે. પણ અશક્ય નથી.
ટેનિંગને કારણે કાળી પડેલી સ્કીનને ફરી તેનો અસલ રંગ મળી રહે તે માટે કેટલાક ઘરેલુ અને આસાન ઉપચાર છે. જો કે ઘણા લોકોનું એવુ માનવું હોય છે કે ઘરેલુ નુસખા એટલા અસરદાર નથી હોતાં. તો એવા વર્ગે એ પણ સમજવુ પડે કે ઘરેલુ નુસખા અસરદાર તો હોય છે પણ તમારી સ્કીન ટાઇપ અને તમારા પ્રયાસોને આધીન હોય છે. અને સાથે એ પણ કે ઘરેલુ નુસખા હાનિકારક નથી હોતાં. જો તમે થોડી ધીરજ રાખીને પ્રયાસ કરો તો તમને પરિણામ ચોક્કસ મળવાનું જ છે.
આસાનીથી ઉપલબ્ધ વસ્તુઓ અને એકદમ આસાન નુસખા તમારી કાળી કે લાલ થયેલી ટેન સ્કીન પરથી ટેનિંગ દૂર કરવામાં ખૂબ મદદ કરશે.
મોટા ભાગે હાથપગ, ગળાના ભાગ અને ચહેરાની સ્કીન ટેન થતી હોય છે અને ચહેરા પર ટેનિંગ હોય એ કોને ગમે. તો સૌથી પહેલાં ચહેરા પરથી સન ટેનિંગ દૂર કરવા શું કરવું તેની વાત કરીએ. એકદમ આસાન છે. બધાના ઘરમાં ખાંડ તો હોય જ. બસ, તો બે મોટી ચમચી ખાંડ લઇને તેમાં એક ટી સ્પૂન ઓલિવ ઓઇલ અને 1 ચમચી લીંબુનો રસ એડ કરવો. ઓલિવ ઓઇલની જગ્યાએ બદામનું તેલ પણ લઇ શકાય. આ મિશ્રણને ચહેરા પર હળવા હાથે લગાવી 5 મિનિટ મસાજ કરવી. આ મિશ્રણની એક ખાસિયત એ પણ છે કે તમે આને હોઠ ઉપર પણ લગાવી શકો છો તેનાથી તમારા હોઠ સ્મૂધ થશે. આ ઉપરાંત બીજો એક ઉપાય પણ છે. 1 ટી સ્પૂન હળદર, 2 ટી સ્પૂન ગુલાબજળ અને 2-3 ટીપાં લીંબુનો રસ આ 3ને મિક્સ કરી રૂથી ચહેરા પર લગાવીને થોડી મિનિટ બાદ ચહેરો હુંફાળા પાણીથી ધોઇ લેવો. જો તમારી સ્કીન ડ્રાય છે તો તમે ચહેરો ધોયા બાદ મોઇશ્ચરાઇઝર ક્રિમ લગાવી શકો છો. આ ઉપરાંત ડાયરેક્ટ એલોવેરાના પાન લઇને તેમાંથી રસ કાઢીને પણ ચહેરા પર લગાવી શકો છો. અને એલોવેરાના રસની સાથે લીંબુનો રસ મિક્સ કરીને પણ ચહેરા પર હળવા હાથે મસાજ કરીને તેને ધોઇ લેવાથી પણ ચહેરા પરની રુક્ષ ત્વચામાં સુધાર આવશે.
હવે વાત કરીએ હાથ પગ પરથી ટેનિંગ હટાવવાના નુસ્ખાની. બોડીના કોઇ પણ ભાગ પરથી સન ટેનિંગ દૂર કરવા માટે તમે સરખા ભાગે કોફિ ખાંડ લઇ તેમાં ઓઇલના 2-3 ટીપાં એડ કરીને સ્ક્રબ કરી શકો છો. આ સિવાય હાથ અને પગ પરથી ટેનિંગ દૂર કરવા માટે તમે એક અન્ચ ઉપાય પણ કરી શકો છો. આ પ્રયોગ માટે તમે દોઢ ટી સ્પૂન ખાંડ લઅને તેમાં 1 ટી સ્પૂન ચંદન પાવડર નાખીને પાવડર મિક્ષ કરી લો. ત્યાર બાદ ટામેટાને કટ કરી એ કટ ટામેટા વડે આ મિક્ષ પાવડરને ટેન સ્કીન પર સ્ક્રબ કરો. અને 10 મિનિટ સ્ક્રબ કર્યા બાદ તેને ધોઇ નાખો. અન્ય એક ઉપાય પણ છે હાથ પગ અને ગળા માટે. 1 કાચા ટામેટાની પ્યૂરી બનાવી તેમાં 2 ચમચી દહીં ભેળવી તેમાં 1 મોટી ચમચી લીંબુનો રસ એડ કરવો. ટામેટામાં નેચરલ બ્લિંચિંગ પ્રોપર્ટીસ હોય છે. તો દહીંમાં ઝીંક અને ઇલેક્ટિક એસિડ હોય છે જેનાથી સ્કીન કોમ્પ્લેક્શન ઇમ્પ્રુવ થાય છે. આ ઉપાયથી અને ડાર્ક પેચિસ દૂર થાય છે. જો કે આ ઉપાયમાં મિશ્રણ અડધો કલાક સુધી સ્કીન પર લગાવીને રહેવા દેવું જરુરી છે. ત્યારબાદ તે ભાગ હુંફાળા પાણીથી ધોઇ લેવો. અહીં તમામ ઉપાય દરમિયાન એ ધ્યાને રાખવુ કે ઘસીને ત્વચાને લૂછવી નહી. પણ હળવેથી ટેપિંગ કરીને લૂછવું.
ઉત્તરાયણ આવતા સન ટેનિંગને કારણે જો મજા કરવાથી ખચકાતાં હોવ તો આ ઉપાયને ધ્યાને રાખજો અને ભરપુર મજા કરજો.