હાલમાં ઓક્ટોબર મહિનામાં ખાદીમાં દરેક જગ્યાએ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે ત્યારે લોકો ખાદીના વસ્ત્રો, આસન, ચાદર, કુશન કવર વગેરેની ખરીદીમાં પડ્યા છે. જોકે ખાદીના વસ્ત્રો હંમેશાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. ખાદીના કાપડનો મૂળ ગુણધર્મ એ છે કે તેનાથી ગરમી ઓછી લાગે છે માટે જ ઉનાળામાં તે વિશેષ રાહતદાયક બની રહે છે. ઉપરાંત દરેક સિઝનમાં બફારો તથા ગરમી વધી રહી છે તેના માટે તમે કાયમી પણે ખાદીના વસ્ત્રોને તમારા વોર્ડરોબમાં સામેલ કરી શકો છો.
તાજેતરમાં જ જાણીતા ફેશન ડિઝાઇનર રિતુ કમારે ખાદીનું કલેક્શન રજૂ કર્યું હતું .જેમાં ખાદી સિલ્કના એવા વસ્ત્રોનો સમાવેશ થતો હતો. જે તમે લગ્નથી માંડીને કોઈ પણ પ્રસંગે પહેરી શકો છો. તે સિવાય ભારતના ઘણા ફેશન ડિઝાઇનર્સે ખાદીના દેશી ગણાતા કાપડનો ઉપયોગ કરીને ભારતભરમાં તેના ડિઝાઇનર વસ્ત્રો લોકપ્રિય બનાવ્યા છે. સામાન્ય રીતે ખાદીના વસ્ત્રોનું વેચાણ કરતી દુકાનોમાં ખાદીના સદરા, સલવાર કુર્તા, અને કોટી, ઝભ્ભા જ જોવા મળે છે. પરંતુ ફેશન ડિઝાઇનર સિલ્ક ખાદી, સાદી ખાદી, પોલીવસ્ત્ર ખાદીના કોમ્બિનેશનથી અનારકલી ડ્રેસ, લગ્ન માટેના ધોતી અને શેરવાની, ફ્રોક, જંપ સૂટ, બેબી ફ્રોક, ડિઝાઇનર શર્ટ, ડિઝાઇનર સાડી જેવા ઘણા ક્લેક્શન બહાર પાડ્યા છે.
ખાદીમાં મળતા વિવિધ વિકલ્પોને લીધે હવે ખાસ પ્રસંગો માટે પણ ખાદીના વસ્ત્રો ડિઝાઇન કરાવી શકાય છે. ખાદી સિલ્ક કે પોલીવસ્ત્ર ખાદીમાંથી બનેલો હળવી એમ્બ્રોઇડરીવાળો અનારકલી ડ્રેસ તમને અન્યથી જુદા પાડશે. તો રોજિંદા ઉપયોગમાં લેવાતા ખાદીના સિમ્પલ સલવાર કુર્તા પણ તમારા ડ્રેસિંગને એક ગરિમા બક્ષે છે.
તો થોડા સમય અગાઉ ચળવળ નામે લેક્મે ફેશનવીકમાં ફ્કત ખાદીના વસ્ત્રોનું ક્લેક્શન રજૂ કરનારા અમદાવાદના જાણીતા ફેશન ડિઝાઇનર પૂર્વ દોશીએ ખાદીના વસ્ત્રોની ફેશન અંગે જણાવ્યું હતું કે ખાદીનું ફેબ્રિક કોઈ પણ સિઝનમાં ખૂબ જ હ્યુમન ફ્રેન્ડલી એટલે કે શરીરને રાહતરૂપ રહે છે. ખાદી ઝડપથી પરસેવો શોષે છે. વળી, ખાદી તો દેશી લોકો પહેરે એવું નથી. મારા ખાદીમાંથી બનાવેલા ફ્રોક અને ડ્રેસીસ તથા કેપ્રી ફેશનવીકમાં લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતાં. ખાદીની સૌથી મોટી વિશેષતા એ છે કે ખાદીના વસ્ત્રો સાફ કરવામાં ખૂબ સરળતા રહે છે.હવે તમે ખાદીનો ઉપયોગ આગામી લગ્ન સિઝનમાં પણ કરી શકો છો. અને ચોક્કસપણે ખાદીના વસ્ત્રોના પ્રયોગો કરી શકો છો. ખાદીનું કાપડ લઇને જાતે વિવિધ ડિઝાઇનર વસ્ત્રો બનાવડાવી પણ શકો છો. સ્વદેશી ફેબ્રિક ખાદી ભારતીય પહેરવેશમાં બહુ પહેલેથી સ્થાન પામેલી છે. અત્યાર સુધી લોકો એવું જ વિચારતા હતા કે ખાદી એટલે કે ખાલી દેશી કુર્તો અને ઝભ્ભો. જે ફક્ત રાજકારણીઓ જ પહેરતા હોય છે. અથવા તો પાઇજામો અને ટોપ. પરંતુ હવે તો ખાદીના કલેક્શનમાં પણ ખૂબ સ્ટાઇલિશ વસ્ત્રો મળી રહે છે. સમય સાથે સાથે ખાદીના રંગરૂપમાં પણ ફેરફાર આવ્યો છે. અને મોટા ભાગે દરેક ફેશન શોમાં ખાદી કલેક્શન જોવા મળે છે.
ખાદીના કાપડ થકી બનતા સ્ટાઇલિશ વસ્ત્રો
સિલ્ક ખાદી, પોલી વસ્ત્ર ખાદી, સાદી તથા થોડી જાડી ખાદીમાંથી તમે કેપ્રી, જંપ સૂટ, અનારકલી ડ્રેસિસ, સ્કર્ટ ટોપ, ફ્રોક,પ્લાઝો પેન્ટ,જેકેટ,વેસ્ટ કોટ,સાડી વગેરે તમારી જરૂરિયાત પ્રમાણે વિવિધ ડિઝાઇનર વસ્ત્રો બનાવી શકો છે.