પ્રીતિને સાંભરે છે, એપલ ફાર્મમાં વિતાવેલું તેનું બાળપણ!

પ્રીતિ ઝિન્ટાને સાંભરે છે તેનું બાળપણ, જ્યારે તે લટાર મારે છે હિમાચલમાં આવેલા તેના સફરજનના બગીચામાં!

પ્રીતિ ઝિન્ટા અવારનવાર કોઈ વાનગી બનાવે તેના કે પછી તેના રસોઈ ઘરના બગીચાના ફોટો અથવા વિડીયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતી રહે છે. તે પરથી પ્રીતિનો ખાવાનો અને ગાર્ડનિંગ પ્રત્યનો પ્રેમ દેખાઈ આવે છે. તે તેના ઘરના રસોઈના બગીચામાં ઉગાડેલા ફળ, શાકભાજી કે વનસ્પતિના ફોટો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂકે છે. જેને તે ‘ઘર કી ખેતી’ કહેવું પસંદ કરે છે.

આ વખતે તેણે હિમાચલ પ્રદેશમાં આવેલા પોતાના સફરજનના બગીચાનો વિડીયો તથા ફોટો શેર કર્યાં છે.

આ સાથે જે તેને પોતે આ જગ્યાએ વિતાવેલા પોતાના બાળપણના દિવસો પણ સાંભરી આવે છે. તે લખે છે, ‘ઘણાં વર્ષો બાદ અહીં બગીચાના વૃક્ષો પર સફરજન  ઉગેલા જોઈને મને એટલો આનંદ થયો કે, વરસાદ રોકાતાં તરત જ બહાર દોડી જઈને મેં આ જગ્યાનો વિડીયો બનાવી લીધો અને મને ઘણી ખુશી થઈ કે તરત બીજી જ મિનિટે વરસાદ શરૂ થઈ ગયો. વર્ષો બાદ સફરજનની ઋતુમાં ઘરે જઈને અમારા પરિવારના ફાર્મમાં ફરવું એ એક આહ્લાદક રોમાંચ છે. હું મારા નાનાજી, નાનીજી તેમજ રાજીન્દર મામાજી અને ઉમા મામીજીના સાન્નિધ્યમાં ઉછરી છું. જે મારા માટે મારા જીવનની સૌથી મહત્વની બાબત છે. આ જગ્યા પર મારા બાળપણના સહુથી ઉત્તમ દિવસો મેં વિતાવ્યા છે.’

તે કહે છે, ‘ત્યારે સફરજનની ઋતુ તો સહુથી વધારે ખાસ હતી.’ અને ઉમેરે છે. ‘હાં, પરંતુ કાયદા પણ ઘણા હતા. ગ્રેડિંગ હોલમાં ખાવું નહીં. ખંતપૂર્વક સફરજન ચૂંટીને કિલ્તાસ નામની બાસ્કેટમાં ભરી રહેલા શ્રમિકોને હેરાન કરવા નહીં. કે સફરજન સાથે રમવું નહીં, તેમજ તેને અહીં તહીં ફેંકવા પણ નહીં, વગેરે. પણ એમાં સહુથી સરસ મજાનો ભાગ એ હતો કે તે સિઝનમાં ઋતુના સહુથી મોટા કદના તેમજ સહુથી નાના કદના સફરજન તોડીને ભેગા કરવા તથા તેમાંથી તેનો તાજો જ્યુસ બનાવીને પીવો.’

પ્રીતિ ઝિન્ટા, જે અવારનવાર પોતાના ઘરે ઉગાડેલા શાકભાજી-ફળના ફોટો તથા વિડીયો શેર કરતી રહે છે. તે લખે છે, ‘બે વર્ષ અગાઉ હું સત્તાવાર રીતે ખેડૂત બની ગઈ છું. અને હિમાચલ પ્રદેશના સફરજન બેલ્ટના ખેડૂત સમુદાયનો ભાગ બનવું એ મારા માટે બહુ ગર્વની વાત છે. અહીં હિમાચલના સફરજન માટે કહેવાય છે કે, તે વિશ્વના સહુથી શ્રેષ્ઠ સફરજન છે. મને બહુ જ આનંદ તથા ગર્વ એ વાતનો થાય છે કે, આ કોવિડની સ્થિતિમાં પણ, મજદૂરોની અછત સાથે અહીંના સફરજનના ખેતરોની જાળવણી બહુ જ સરસ રીતે થઈ રહી છે. મને તો મારા ભાઈ ઉપર પણ અતિશય ગર્વ થાય છે કે, તેણે સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખેતી અપનાવી છે. તેણે અમારી વાડીને ફરીથી ઓર્ગેનિક સફરજનના રોપાથી નવ પલ્લવિત કરી દીધી છે!’

પ્રીતિએ 2016માં જીન ગુડનફ સાથે લગ્ન કર્યા અને તે લોસ એન્જલસમાં રહેવા ગઈ. જો કે, તે ભારતની મુલાકાત લેતી રહે છે. પ્રીતિ ઝિન્ટા દિલ સે, લક્ષ્ય, સલામ નમસ્તે, કલ હો ના હો, વીર-ઝારા અને દિલ ચાહતા હૈ જેવી ફિલ્મોમાં તેના અભિનય માટે જાણીતી છે. તે છેલ્લે ભાઇજી સુપરહિટમાં જોવા મળી હતી, જે 2018માં રિલીઝ થઇ હતી. તેણે એબીસી સિરીઝની ફ્રેશ ઓફ ધ બોટના એક એપિસોડમાં પણ નાની ભૂમિકા ભજવી હતી.