ઉનાળો કોને ગમે.. અને આ અણગમાનું પાછળનું સૌથી મોટુ કારણ પરસેવો. દુર્ગંધ મારતો પરસેવો અને એ પરસેવાથી નીતરતા કપડાં કોને ગમે. પણ કરવું શું. ઉનાળામાં ક્યારેક ને ક્યારેક તો આવી સ્થિતિ ઉભી થઇ જ જાય છે. દરેક જગ્યાએ એસીની પણ સુવિધા હોય જ એવુ નથી. એટલે પરસેવાની પરેશાનીને માટે આપણે જ કંઇ કરવું પડે. પણ શું. આમ તો ઉનાળામાં કેટલાય એવા ઉપાય છે જે તમને પરસેવા અને ગરમીમાં રાહત આપે છે.
ખાસ કરીને કપડાંની પસંદગી, જેમાં આપણે સામાન્ય રીતે કોટન, લિનેન, ખાદી, શોમ્બ્રે, જ્યોર્જેટ જેવા મટિરિયલ પસંદ કરીએ છીએ. આ બધા કુલ મટિરિયલ માનવામાં આવે છે. અને એમાં પણ કોટન, લિનેન અને ખાદી પરસેવો શોષી લે છે અને તેના સ્ટ્રક્ચરમાં હવાની અવર જવર થઇ શકતી હોવાથી તે વધુ કુલ ફીલ કરાવે છે બીજા બધા મટિરિયલ્સની સરખામણીમાં. જો કે આપણી બોડીના દરેક ભાગમાં પરસેવો થાય છે. કપડાંથી બાકી બધા ભાગોનો જુગાડ તો થઇ જાય પણ આ બધા કરતાં વધુ વિકટ સમસ્યા હોય છે પગના પરસેવાની.
ઉનાળામાં પગમાં પરસેવો થાય અને જ્યારે તમે જૂતા ઉતારો ત્યારે માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવે છે. ઉનાળો હોય એટલે પગની સ્કિન ખરાબ ન થાય તેનું ધ્યાન રાખવુ પડતું હોય છે. તો વળી, બંધ શૂઝ પહેરવાથી ફરી એ જ દુર્ગંધની સમસ્યા ઉભી થાય છે. ઉપરથી પગમાં થતો પરસેવો માત્ર દુર્ગંધ નથી મારતો પણ સાથે એ ઇન્ફેક્શન કરે છે. જેનાથી પણ પગને બચાવવા જરૂરી છે. આ દુર્ગંધની મુસીબતથી તમે પણ પરેશાન છો તો આપના માટે કેટલીક એક્સપર્ટ ટીપ્સ છે. એક્સપર્ટ એટલે કારણ કે આ ટીપ્સ જાણીતી શૂ કંપનીઓના અનુભવી અધિકારીઓએ આપી છે. જાણીતી શૂ કંપનીના અનુભવી અધિકારીના કહેવા અનુસાર મુલાયમ ચામડાથી બનેલા જૂતા ઉનાળા માટે અનુકૂળ છે. કારણ કે તેમાં દૂર્ગંધ આવવી કે ઇન્ફેક્શન થઇ જવાની સંભાવના ઓછી છે. પણ એથલેટિક સેન્ડલ અને લોફર્સ ઉનાળા માટે સૌથી ઉત્તમ વિકલ્પ છે. કારણ કે તે પહેરવામાં હળવાફુલ હોય છે. ઉનાળામાં ભારે જૂતા નહીં પહેરવા જોઇએ કારણ કે હવાની અવરજવર વ્યવસ્થિત રીતે નથી થઇ શકતી. પણ લોફર્સમાં આસાનીથી હવાની અવરજવર રહે છે. જેથી લોફર્સ શ્રેષ્ઠ વિકલ્પ છે.
આ ઉપરાંત તમે જ્યારે તડકામાં નથી જઇ રહ્યાં. અથવા સાંજનો કે રાતનો સમય હોય તો તમે હળવા ફ્લિપ ફ્લોપ સ્લીપર્સ પહેરી શકો છો. જે ખુબ જ આરામદાયક રહે છે. પણ હા, ફ્લિપફ્લોપ સ્લીપર્સ પસંદ કરતા સમયે તેમાં તળિયાનો સપોર્ટ મુલાયમ હોવો જરૂરી છે. જેથી તમારા પગના તળિયા પર ભાર નહીં આવે અને પગના દુઃખાવાની ફરિયાદ કર્યા વિના તમે ચાલવાની મજા લઇ શકો. ઉનાળામાં ઘણા લોકો એડવેન્ચર સ્પોર્ટ્સ માટે નીકળતા હોય છે. એવા સમયે એથલેટિક સૈંડલ સારા રહે છે. પણ જો સ્ટાઇલની છે વાત તો સ્લીપર્સ કે એથલેટિક શૂઝ તમારા માટે નથી. એવા સમયે તમે ક્લાસિક બ્રોગ્સ કે જે એક પ્રકારનુ જાડુ ચામડુ જ હોય છે તેનાથી બનેલા જૂતા પસંદ કરી શકો. અથવા ઓક્સફોર્ડ જૂતા પર પણ પસંદગી ઉતારી શકો છો. આ ઓક્સફોર્ડ શૂઝ તમે ફોર્મલ કે એક્ઝિક્યુટીવ વેર સાથે મેચિંગ કરી શકશો. જેથી ઓફિસનું કોઇ ફંકશન, પ્રેઝન્ટેશન કે પછી કોઇ બીજી પાર્ટી હોય ત્યાં તમારા સ્ટાઇલીશ એલિગન્ટ કપડાના પુરક સાથી આ જૂતા બની જશે. ઓફિસ રૂટિનમાં જો કે લોફર્સ સારા રહે. એક તો એ કે, લોફર્સ ગરમીમાં કુલ લુક આપે છે અને સાથે કેઝ્યુઅલ વેર સાથે મેચ પણ થઇ જાય. ઓફિસ સિવાય કોલેજમાં પણ લોફર્સ સારા લાગે છે. લોફર્સની સાથે કોલેજમાં જતા હોવ તો તમે સ્નીકર્સ અથવા એથલેટિક જૂતા પણ પસંદ કરી શકો છો.
તો ઉનાળામાં કપડાંની સાથે શૂઝમાં પણ થોડુ ધ્યાન રાખશો તો પગમાં થતાં પરસેવાની ખરાબ દુર્ગંધ અને ઇન્ફેક્શનથી બચી શકશો.