જ્યારે રાજ કપૂરે નક્કી કર્યું, એમના બધાં ગીતો મુકેશ જ ગાશે…

સ્વ. મુકેશને પુણ્યતિથિ નિમિત્તે સ્મરણાંજલિ… વો સુબહ કભી તો આયેગી…

સંગીતકાર ખય્યામનાં શબ્દોમાંઃ

‘સ્વ. મુકેશને હું મુકેશભાઈ કહીને એટલા માટે બોલાવતો કે સાચે જ હું એમને સગો ભાઈ ગણતો. અમે બન્ને પરસ્પરના સુખદુ:ખમાં એવી રીતે સહભાગી થતા જાણે સ્વજન જ હોઈએ. યોગ્ય મોકો મળે તો એમના થોડાક ગીતો રેકૉર્ડ કરવાની મારી અદમ્ય ઈચ્છા હતી. દીર્ઘ પ્રતીક્ષા પછી ૧૯૫૮માં રમેશ સહગલની ‘ફિર સુબહ હોગી’ માટે એ મોકો મળી ગયો. હીરો રાજ કપૂરને મોઢે અમે જે પહેલું ગીત રેકૉર્ડ કરાવ્યું એની પંક્તિઓ કમાલની હતી.’

‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ બે લેખ છે 16-31 ઓગસ્ટ, 1994ના અંકનો.


સાહિર લુધિયાન્વીએ લખેલા આ ગીતમાં ભાવિ સવારના ખાસ રૂપોનો ઉલ્લેખ છે. વાસ્તવમાં અબ્બી નોયત સાહેબની એક અઘરી કવિતા – ‘વો સુબહ કભી’ – હેઠળ પ્રગટ થયેલી એના પરથી સાહિરે પ્રેરણા લીધેલી. આ ગીતે મુકેશભાઈને ભારે પ્રભાવિત કરેલા:

ઈન કાલી સદિયોં કે સરસે, જબ રાત કા આંચલ ઢલકેગા

જબ દુ:ખ કે બાદલ પિઘલેંગે, જબ સુખ કા સાગર છલકેગા

જબ અંબર ઝૂમ કે નાચેગા, જબ ધરતી નગમે ગાયેગી

વો સુબહ કભી તો આયેગી

જ્યારે તેઓ રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં આવ્યા ત્યારે મને કહ્યુંઃ ‘ખય્યામભાઈ, કોઈ સંકોચ નહીં રાખતા. હું ભલેને ૧૦ કે ૧૨ રિહર્સલો કરું… જ્યાં સુધી તમને સંતોષ ન થાય ત્યાં સુધી મને વિના સંકોચ કહ્યા કરજો. ફિરસે શુરુ કીજિયે.’ આ ગીતમાં આશા ભોસલેનો પણ સાથ હતો. થોડા જ રિહર્સલો બાદ ઓકે થઈ ગયું. મુકેશજીએ આ ગીત એટલું સરસ રીતે ગાયું કે વાત ન પૂછો. બજારમાં આ ગીત આવતાવેંત તેઓને અડધી ડઝન નવી ફિલ્મો મળી અને મારી કારકિદીને નવો મોડ મળ્યો.

‘ફિર સુબહ હોગીમાં’ મેં મુકેશભાઈ પાસે ચાર-પાંચ ગીતો ગવડાવ્યા હતાં જેમનો રંગ જ ઓર હતો. એ ગીતો સાંભળીને સામાન્ય શ્રોતા પણ મુકેશની વિવિધતા આસાનીથી પારખી શકે છે. એક તરફ એમણે સેમી ડાન્સના અંદાજમાં-

આસમાંપે હૈ ખુદા, ઔર ઝમી પે હમ

આજકલ વો ઈસ તરફ, દેખતા હૈ કમ

ગાયું તો બીજી તરફ જુદા જ અંદાજમાં મુર્હમ રફી સાહેબ સાથે ગાયું છે-

જો બોર કરે યાર કો, ઉસ પ્યાર કી તૌબા

જીસ પ્યાર કા યે હાલ હો, ઉસ હાલ કી તૌબા

એક તરફ એમણે આશાજી સાથે નઝાકતપૂર્વક ‘ફિર ન કીજે મેરી ગુસ્તાખ’ જેવું સંવેદનશીલ ગીત ગાયું છે તો બીજી તરફ ફિલ્મની વાર્તા અને સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ જવાબદારીવાળું આ ગીત-

ચીનો અરબ હમારા, હિન્દોસ્તાં હમારા

રહને કો ઘર નહીં હૈ સારા જહાં હમારા

મુકેશભાઈની ગાયકીમાં મેં અંગત રીતે બે ગુણ જોયા. સૌ પ્રથમ તો એમનો અવાજ સ્વ. સાયગલ જેવો હતો જેની નકલ સુવર્ણયુગના બધા જ ગાયકોએ કરવાની કોશિશ કરી. જો કે પાછળથી મુકેશભાઈએ સાયગલના વળગણમાંથી બહાર નીકળીને એક અલગ અને સારી સ્ટાઈલ આપમેળે ડેવલપ કરી લીધી. બીજો ગુણ એમનો અવાજ ઘરેલું લાગતો હતો. હું તો માનું છું કે આવો જ અવાજ ટેન્શન દૂર કરવામાં કામિયાબ રહે છે.

હું મારી જાતને વિચિત્ર અને થોડોક પાગલ સંગીતકાર ગણું છું કારણ કે મારી જીદ્દ એવી હોય છે કે એવી ફિલ્મ કરું જે સચ્ચાઈ સાથે સંબંધિત હોય. બીજું ફિલ્મના ગીતો ઉચ્ચ કોટિનાં હોય. તેથી જ તો આટલા વર્ષોમાં મેં માત્ર ૫૧ ફિલ્મો જ કરી છે. જ્યારે પણ ફિલ્મો સ્વીકારું છું ત્યારે નાનામાં નાની સિચ્યુએશન ગાયક ગાયિકાને સમજાવીને લાંબા રિહર્સલો બાદ જ ગીત રેકૉર્ડ કરું છું. એમાં ઘણો સમય નીકળી જાય છે. પાર્શ્ર્વ ગાયકોને પણ તકલીફ થાય છે. પરંતુ એવો એક પણ પ્રસંગ મને યાદ નથી કે ક્યારેય મુકેશભાઈ પરેશાન થયા હોય.

કેટલાંક આવો ગીતો-

ઈતના હુશ્ન પે હુઝૂર ન ગુરુર કીજિયે

દિલ કે મારોં કા ખ્યાલ કુછ જરૂર કીજિયે (મોહબ્બત ઈસકો કહતે હૈ),

તુમ ઈસકો ખેલ સમઝે હો

મગર ઈક દિન દિખા દેંગે, મોહબ્બત ઈસકો કહતે હૈ

મુહબ્બત ઐસી હોતી હૈ, (મોહબ્બત ઈસકો કહતે હૈ)

તો એમણે સિચ્યુએશન સમજ્યા પછી જ સારી રીતે ગાયાં હતાં.

જ્યારે પણ હું કોઈ નવી ફિલ્મ સ્વીકારતો ત્યારે સર્વપ્રથમ એ વિચારતો કે એમાં કયું ગીત મુકેશભાઈને આપી શકાય. તેથી જ જ્યારે પણ મોકો મળ્યો મેં એમની પાસે ગવડાવ્યું. કેટલીયેવાર ઈચ્છા હોવા છતાં નિર્માતાઓની પસંદગી કોઈ બીજા ગાયકની હોવાથી હું ગવડાવી નહોતો શકતો. મને બે બીજી ફિલ્મો યાદ આવે છે પ્યાસે દિલ અને સંકલ્પ… જેમાં મુકેશભાઈએ ખૂબ જ સુંદર ગીતો ગાયાં હતા. પ્યાસે દિલમાં જાં નિસ્સાર અખ્તરનાં ગીત

તુમ મહકતી જવાં ચાંદની હો, ચલતી ફિરતી કોઈ રોશની હો

અને

યે દિલનશીં નઝારે કરતે હૈ ક્યા ઈશાર

કે પછી સંકલ્પમાં કૈફી આઝમીએ લખેલાં બે ગીતો પણ મધુર બન્યા હતા.

ભીતર ભીતર ખાયે ચલો, બાહર શોર મચાયે ચલો

અને

સબ ઠાઠ પડા રહ જાવેગા, જલલાદ ચલેગા

ખેર આ બધાં ગીતો પછી એક દોર ૧૯૭૫નો પણ આવ્યો જ્યારે કભી કભીમાં મુકેશભાઈએ ‘કભી કભી મેેરે દિલમે ખયાલ આતા હૈ’, ‘મૈં હર એક પલ કા શાયર હૂં અને ‘મૈં પલ દો પલ કા શાયર હૂં’ ગીત ગાયાં. આખા દેશ પર આ ગીતનો જ નશો ચડેલો એ સાચે જ જોવા જેવો હતો. મુકેશભાઈનું અવસાન જ્યારે ૨૮ ઓગસ્ટ ૧૯૭૬ના દિવસે થયું ત્યારેય આ ફિલ્મ ચાલતી હતી. એક તરફ પડદા પર અમિતાભ બચ્ચન મુકેશભાઈના અવાજમાં હોઠ હલાવીને ગાતા-

મુઝસે પહલે કિતને શાયર, આયે ઔર આકર ચલે ગયે

કુછ નગ્મેં ગાકર ચલે ગયે, વો ભી ઈક પલ કા હિસ્સા થા

મૈ ભી ઈક પલકા હિસ્સા હૂં, કલ તુમસે જુદા હો જાઉંગા

જો આજ તુમ્હારા હિસ્સા હૂં

બીજી તરફ કભી કભી જોતા સેંકડો સંવેદનશીલ દર્શકોની આંખો વાટે આંસુ વહેવા માંડતા.

મને જ્યારે યશ ચોપરાની ‘કભી કભી’ મળી અને ખબર પડી કે હીરો ઉત્કૃષ્ટ આવાજવાળા અમિતાભ બચ્ચન છે ત્યારે મેં નક્કી કર્યું કે અમિતાભ માટે મુકેશને જ પ્લેબેક આપવું. જો કે મારા નિર્ણયને સાહિર, યશજી બન્નેએ વધાવી લીધો. અમિતાભજીએ જ્યારે રેકૉર્ડિંગ પછી સાંભળ્યું ત્યારે રાજી રાજી થઈ ગયા. એમણે ખાતરીપૂર્વક કહેલું કે આ ખૂબસૂરત ગીતમાં તમે બધા જ રંગો પૂરી દીધા છે. હવે પડદા પર કેવી રીતે પ્રસ્તુત કરવું એ મારા પર છોડી દેજો. ગીત ફિલ્માવ્યા પછી એવું સુંદર બની ગયું કે વાત ન પૂછો.

‘કભી કભી’ના રેકાર્ડિંગ વખતે મુકેશભાઈને એક હાર્ટએટેક આવી ગયો હતો. પરંતુ તેઓ કામની બાબતમાં એટલા પાગલ હતા કે વાત ન પૂછો. ત્યારે હું જુહુમાં વન બેડરૂમવાળા ભાડૂતી મકાનમાં ત્રીજે માળે રહેતો હતો. લિફ્ટ નહોતી. તેથી મેં એમને ખાસ તાકીદ કરેલી-ભાઈ આપ મેરે ઘર મત આયા કીજિયે મૈ ખુદ આપકે યહાં આકર રિહર્સલ કરવા દૂંગા. પરંતુ તેઓ માને તો ને. તેઓ ઘણીવાર મારા ઘરે આવી ચડતા. પરંતુ મારા ભાઈમાં એક ખાસિયત હતી. એમના આગમનથી મારું ઘર ગૂંજી ઊઠતું. ખુશીથી ઘર ભરાઈ જતું.

થોડા દિવસો પછી મને ખબર મળી કે અમેરિકામાં એમનું અવસાન નીપજ્યું. હું મારી યાતના અને દર્દનું બયાન નથી કરી શકતો. આજેય મારો આત્મા મુકેશભાઈ વિના કકળે છે.

મેં એમને કદી ક્રોધ કરતા જોયા નથી. જો તેઓ હયાત હોત તો એમના સ્વરનો જાદુ જોઈએ તેટલા પ્રમાણમાં ઉપયોગમાં લઈ શકાયો હોત. મેં એમની પાસે જુદા જુદા મૂડસના ગીતો ગવડાવવાની તૈયારી કરી લીધી હતી. સંજોગવશાત્ ‘ફિર સુબહ હોગી’ પહેલા રાજ કપૂર સાહેબની કેટલીયે ફિલ્મોમાં ખુશીનાં ગીતો રફી ગાતા અને ગમગીન ગીતો મુકેશભાઈ ગાતા. પરંતુ આ જ ફિલ્મ પછી રાજ સાહેબે નક્કી કર્યું કે મુકેશ જ એમના બધાં ગીતો ગાશે.

‘કભી કભી’ પછી ‘ત્રિશુલ’ બનતી હતી ત્યારે અમિતાભજીના પાર્શ્ર્વગાયકની વાત નીકળી. ‘કિતાબોં મેં છપતે હૈં ચાહત કે કિસ્સે’ માટે યેશૂદાસને બોલાવ્યો હતો પરંતુ ત્યારે મુકેશભાઈની ખૂબ જ યાદ આવી.

મુકેશભાઈની એક ખાસ ફરમાઈશ હતી કે હું એમને માટે ગઝલોની એક કેસેટ તૈયાર કરું. જેમાં નામાંકિત શાયરોના શેર હોય, ધૂનો જતનપૂર્વક તૈયાર કરવામાં આવે અને જેને જમાનો વર્ષો સુધી ગણગણ્યા કરે. પાંચ વર્ષોની જહેમત પછી મેં જે ગઝલો તૈયાર કરેલી એ એમનેય બેહદ પસંદ પડી. થોડીક ગઝલોના મિસ્રા અહીં પેશ કરું છું.

હમ રશ્ક હો અપને ભી ગવારા નહીં કરતે

મરતે હૈં વો ઉનકી તમન્ના નહીં કરતે (ગાલિબ)

આશાર મેરે યૂં તો જમાને કે લિયે હૈં (જાં નિસાર અખ્તર)

હમ સે ભાગા ના કરો દૂર ગાજાલોં કી તરહ

હમને ચાહા હૈ તુમ્હેં ચાહનેવાલોં કી તરહ (જાં નિસાર અખ્તર)

મેં તલત સાહેબ, રફી સાહેબ માટે પણ બિન ફિલ્મ ગઝલોની કેસેટ તૈયાર કરી હતી. અને એ કેસટો સાંભળીને મુકેશભાઈએ મને કહેલું કે તેઓ એવી જ કેસેટ ચાહે છે. મેં શેરોના શબ્દો ક્યારેય બગાડ્યા નથી. જો કે નવા પ્રકારની સરગમ જરૂર ભરી હતી. તેથી જ તેઓ હંમેશ મને કહેતા: ‘ખય્યામભાઈ, આપને ગઝલોં કો એક નઈ દિશા દી હૈ.’

આજે તેઓ મને દરેક રૂપમાં યાદ આવે છે. મારે માટે એક ભાઈનો જે હક હોય છે એને મુકેશભાઈએ બરાબર અદા કર્યો હતો.

(મુકેશઃ જન્મઃ 22 જુલાઈ 1923, નિધનઃ 27 ઓગસ્ટ, 1976)

(ખય્યામઃ જન્મ 18 ફેબ્રુઆરી, 1927, નિધનઃ 19 ઓગસ્ટ, 2019)