કાદર ખાન: કહાનીકારની કહાની, ખુદની જુબાની…

કાદર ખાન ટેલેન્ટેડ ચરિત્ર અભિનેતા ઉપરાંત ઉત્તમ સંવાદલેખક પણ હતા

1937ની 11 ડિસેંબરે અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મેલા ભારતીય-કેનેડિયન એક્ટર, સ્ક્રીનરાઈટર, કોમેડિયન, ડારેક્ટર કાદર ખાનનો જીવનદીપ 1 જાન્યુઆરી, 2019એ કેનેડામાં બુઝાઈ ગયો.

કાદર ખાને 1973માં રાજેશ ખન્ના અભિનીત ‘દાગ’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એમાં વકીલની ભૂમિકા કરી હતી. કાદર ખાને 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અને 250થી વધુ ફિલ્મોમાં ડાયલોગ્સ લખ્યા હતા.


કાદર ખાને એક સમયે એક ઈન્ટરવ્યૂમાં કહેલી રસપ્રદ વાતો અહીં પ્રસ્તુત છે.

”હું નાનો હતો, ત્યારે આખા દિવસમાં જે કંઈ જોઉં, સાંજે હું એની નકલ કરું. સાંજે નમાઝમાંથી પાછો ફરતો હોઉં, ત્યારે ઘેર જવાના રસ્તામાં યહૂદી કબ્રસ્તાન આવે અને હું ત્યાં ઉભો રહી બધું જોઉં અને પછી એની નકલ કરું. મને એમ કે કોણ જુએ છે. એક દિવસ કોઈકે મારી પર ટોર્ચ ફેંકી. એ અશરફ ખાન હતો, જેણે મહેબુબ ખાનની ‘રોટી’ ફિલ્મમાં કામ કર્યું હતું. મને એણે પૂછ્યું કે શું કરે છે?, અને મેં કહ્યું કે હું આખો દિવસ જે કઈ જોઉં એની નકલ કરું છું. મને એણે કહ્યું, ‘નાટકમાં કામ કરવું હોય તો ઘેર મળવા આવજે.’

હું ૧૦ વર્ષનો હતો. બીજા દિવસે હું એમના બંગલા પર ગયો. મને એમણે ડાયલોગ્સ લખેલો કાગળ આપ્યો. હું જે રીતે બોલ્યો એ એમને ગમ્યું. મને એમના નાટકમાં રાજકુંવરનો રોલ મળ્યો. બધાને કામ ગમ્યું. એક વુદ્ધ માણસે તો મને ૧૦૦ રૂપિયા પણ આપેલા. એ પછી હું ભણતો ગયો અને સાથે સાથે નાટકમાં કામ પણ કરતો ગયો. મેં સિવિલ એન્જિનીયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું

મેં એક નાટક ‘તાશ કે પત્તે’ લખેલું, એ કોમેડિયન આગા ખાનના કહેવાથી દિલીપ કુમારે જોયેલું. એક દિવસ દિલીપ કુમારનો ફોન આવ્યો, “મૈં યુસુફખાન બોલ રહા હું.” મેં પૂછ્યું, કોણ યુસુફ ખાન? એ કહે, “યુસુફ ખાન, જીસે લોગ દિલીપ કુમાર કે નામ સે જાનતે હૈ.” મારા હાથમાંથી ફોન પડી ગયો. મને કહે, ‘નાટક જોવું છે.’ નાટક જોયા પછી સ્ટેજ પરથી દિલીપ કુમારે કહ્યું, “કાદર ખાને મને આ નાટક જોવા બોલવ્યો એ મારું નસીબ છે. હું એને મારી નવી (બંગાળી) ફિલ્મ ‘સગીના મહાતો’માં લઈશ. એ પછી ‘બૈરાગ’ શરૂ થશે અને એમાં પણ એને હું કામ આપીશ.”

એવી રીતે મારી ફિલ્મ કેરિયર શરૂ થઈ.

દિલીપ કુમાર વર્ષમાં એક જ ફિલ્મ કરે, એટલે મને કામ ઓછું રહેતું અને હું ભાયખલા, મુંબઈની એમ.એચ. સિદ્દીક કોલેજ ઓફ એન્જિનીયરિંગમાં ભણાવતો હતો. એમાં મારા એક નાટક ‘લોકલ ટ્રેઈન’ને રૂ. ૧,૫૦૦નું ઈનામ મળ્યું. ત્યારે મારો પગાર જ ૩૫૦ રૂપિયા હતો. એ એવાર્ડ કાર્યક્રમમાં એક મહેમાને મને ‘જવાની દીવાની’ ફિલ્મના સંવાદો લખવાની ઓફર કરી. એના મને ૧,૫૦૦ રૂપિયા મળ્યા.

એવી રીતે લખવાની કેરિયર શરૂ થઈ.

મારું કામ વધવા લાગ્યું અને સમય ઓછો પડવા લાગ્યો. મારા વિદ્યાર્થીઓ મને કહેતા કે હું જ એમને ભણાવું. એટલે હું આખો દિવસ ફિલ્મોમાં કરીને અડધી રાતે ભણાવવા જાઉં, ત્યારે ૧૫૦ વિધાર્થીઓ મારી રાહ જોતા હોય.

‘જવાની દીવાની’ પૂરી થઈ ત્યારે એક દિવસ હું ચાલતો જતો હતો અને એક કાર આવીને બાજુમાં ઉભી રહી. એમાંથી એક માણસ નીચે ઉતર્યો અને મને એની ફિલ્મ કરવાનું કહ્યું. મેં કહ્યું મને હમણાં જ ૧,૫૦૦ રૂપિયા મળ્યા છે અને આમેય મારે મારા છોકરાઓને ભણાવવાના છે. પેલા માણસે મને એક કવર આપ્યું. બહુ ભારે હતું. મેં એકબાજુ જઈને ખોલ્યું. એમાં ૨૧,૦૦૦ રૂપિયા હતા. હું તો ગાંડો થઈ ગયો. એ માણસનું નામ હતું પ્રોડ્યુસર રવિ મલ્હોત્રા અને ફિલ્મ હતી ‘ખેલ ખેલ મેં.’

એ પછી મેં ઈબ્રાહિમ નડિયાદવાલાની ‘રફુચક્કર’ કરી. એમાં મને મનમોહન દેસાઈ મળ્યા. એ મુસ્લિમોથી કંટાળી ગયા હતા. મને કહે, ‘તમે લોકો ઉર્દુમાં બહુ સરસ છો પણ તમને શેર-ઓ-શાયરી કરવા સિવાય આવડતું નથી.” એમણે મને એમની ફિલ્મ માટે ડાયલોગ્સ લખવા કહ્યું. એવુંય કહ્યું કે ડાયલોગ્સ સારા નહીં હોય તો ફાડીને ગટરમાં નાખી દઈશ. ‘અને સારા હોય તો?’ મેં પૂછ્યું. મને કહે, ‘તો હું તને ગણપતિની જેમ માથે ઊંચકીને નાચીશ. ‘

બીજા દિવસે હું એમના ઘેર ગયો. એ બાળકો સાથે ક્રિકેટ રમતા હતા અને દૂરથી મને જોઇને કશુંક બબડ્યા. મેં નજીક જઈને પૂછ્યું, ‘કેમ ગાળ બોલ્યા?’ એ કહે, ‘હું ક્યાં કશું બોલ્યો?’ મેં કહ્યું, ‘સાબ, મને હોઠ ઓળખતાં આવડે છે. તમે એવું ન બોલ્યા કે ઉલ્લુ કે પઠે કો સમજ નહીં આયા તો ફિર આ ગયા પૂછને કે લિયે?’ એમણે ‘નસીબ’ ફિલ્મમાં આવો જ સીન કર્યો હતો જેમાં હિરોઈન બાયનોક્યુલરમાં જોઈને વિલન શું બોલે છે એ કહી આપતી હોય છે.

ખેર, હું એમને મળ્યો અને ડાયલોગ્સ આપ્યા. એમને એવી મજા આવી ગઈ કે ૧૨ વખત મારી પાસે ડાયલોગ્સ બોલાવ્યા. એ અંદર ગયા અને તોશીબાનું બ્લેક એન્ડ વ્હાઈટ પોર્ટેબલ ટીવી, સોનાની એક ચેઈન અને ૨૦,૦૦૦ રૂપિયા રોકડા લઈને આવ્યા. એ બધું મને આપીને કહે, ‘તારી ફી બોલ.’ મેં કહ્યું, ‘મને છેલ્લી ફિલ્મમાં ૨૧,૦૦૦ રૂપિયા મળ્યા છે.’ એ બોલ્યા, ‘મારી ફિલ્મમાં હું તને ૧,૨૦,૦૦૦ આપીશ.’

એ ફિલ્મ હતી રાજેશ ખન્નાની  ‘રોટી’.

એ પછી મેં પાછું વાળીને ન જોયું.”

(આ લેખ એક ઈન્ટરવ્યૂમાંથી સંપાદિત છે)


કાદર ખાને કોમેડીયન, પોલીસ ઈન્સ્પેક્ટર, એડવોકેટ, ડાકુ, નેતા, શ્રીમંત બાપ, વિલન સહિત અનેક પ્રકારની ભૂમિકા ભજવી હતી.

કાદર ખાન અભિનીત ઉલ્લેખનીય ફિલ્મોઃ મુકદ્દર કા સિકંદર, શરાબી, અમર અકબર એન્થની, ધરમવીર, હસીના માન જાયેગી, હિંમતવાલા, કુલી નંબર-1, હિરો નંબર-1, જુડવા, બનારસી બાબુ, રાજાબાબુ વગેરે.

કલાકાર તરીકે એમની છેલ્લી બે ફિલ્મ હતી ‘અમન કે ફરિશ્તે’ અને ‘મસ્તી નહી સસ્તી’.

કાદર ખાનને પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી નામની બીમારી હતી જેને કારણે એમને ચાલવામાં તકલીફ પડતી હતી અને સંતુલન જાળવી શકતા નહોતા. એમને ડિમેન્સિયા એટલે કે ચિત્તભ્રંશ (યાદશક્તિ ગુમાઈ જવી) બીમારી પણ હતી.