તબુનો વિરોધાભાસ: હું લોભી છુ અને સંતુષ્ટ પણ

‘હમ સાથ સાથ હૈં’, ‘બીવી નંબર 1’, ‘વિરાસત’, ‘અસ્તિત્વ’, ‘ચાંદની બાર’, ‘આમદની અઠન્ની ખર્ચા રુપય્યા’, ‘જીત’, ‘દ્રશ્યમ’, ‘હેરા ફેરી’ જેવી હિન્દી ફિલ્મોની અભિનેત્રી તબુ આજે પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. ‘મકબૂલ’, ‘હૈદર’, ‘માચિસ’ ફિલ્મોમાં તેમજ એકદમ હાલમાં જ આવેલી ફિલ્મ ‘અંધાધૂન’માં પણ તબુનાં અભિનયની પ્રશંસા થઈ છે. બે વખત રાષ્ટ્રીય એવોર્ડ જીતી ચૂકેલી તબુનો જન્મ 1971ની 4 નવેંબરે
હૈદરાબાદમાં થયો હતો.


(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૧૯૯૯ દીપોત્સવી અંકનો)


હમ સાથ સાથ હૈં

રીલ લાઈફમાં જાતજાતના પ્રયોગો કરતી તબુ રિયલ લાઈફ વિશે શું વિચારે છે? અહીં એણે ઘણા વિષયો પર વાતો કરી છે, જેમાંથી એનો થોડો જાણીતો અને થોડો અજાણ્યો એવો એક ચહેરો બોલે છે જુઓ.
– જ્યોતિ વ્યંકટેશ

ફિલ્મોની પસંદગી

મેં સભાનતાથી ક્યારેય કોઈ ચોક્કસ પ્રકારની ફિલ્મો કરવાની કોશિશ નથી કરી. બસ, મારું દિલ માને તો કોઈ પણ ફિલ્મ સ્વીકારું છું ને ન માને તો નકારી દઉ છું. રોલ સારો હોય અને ડિરેક્ટર પૂરો ન્યાય આપશે એવું લાગે તો સ્વીકારી લઉં છું. કેટલાક મેકરો સાથે કામ કરવાથી લાભ થશે એવુંય મને લાગતું હોય છે. દાખલા તરીકે ગુલઝાર. એમનો તો સબ્જેક્ટ પણ સાંભળ્યા વિના હું ફિલ્મ સ્વીકારી લઉં. ટાઈપકાસ્ટ થવાનો ભય સતત તોળાતો હોય ત્યાં વિવિધ ભૂમિકાઓ મળે એ સદભાગ્ય ગણાય. હું નસીબદાર છું કે ડેવિડ ધવનને ‘બીવી નંબર વન’માં હું ફિટ લાગી અને મેહુલકુમારને ‘કોહરામ’ માટે હું લાયક લાગી. પ્રિયદર્શન ઑફબીટ મલયાલમ ફિલ્મો મને આપે છે અને ગુલઝાર એમની ફિલ્મોમાં મને લે છે. મારે મન સિનેમાની સ્ટાઈલ કરતાં ઍક્ટિંગ મહત્ત્વની છે. કાલે જો હું ફિલ્મો ન કરી શકું તો કમર્શિયલ્સ કે ટીવી સિરિયલો કરીશ.

‘માચીસ’ ફિલ્મનું દ્રશ્ય

અવૉર્ડ

અવૉર્ડ એ કંઈ અભિનયક્ષમતાનું માપ નથી. આપણા દેશમાં ઘણા મહારથીઓને કોઈ અવૉર્ડ્સ નથી મળ્યા. એનો અર્થ એ નથી કે એમનામાં અભિનયશક્તિ નથી. રાષ્ટ્રીય પુરસ્કારની જ વાત કરો. ભારતની ૫૦૦ ફિલ્મો સ્પર્ધામાં ઊતરે છે. બધી ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય હોય છે, પણ દરેક કેટેગરીમાં એક જ ફિલ્મ લિજેતા નિવડે છે. મારી ફિલ્મ બીજી ૪૦૦માં ની એક હોય તો અવૉર્ડવિજેતા જેટલી જ હું સંગીન છું, કારણ કે એ બધી જ ફિલ્મો સમાન છે. અવૉર્ડ ન મળે તો ખરાબ નથી લાગતું, પણ મને મળ્યો હોત તો ઠીક થાત એવું તો થાય જ. અવૉર્ડને હું પ્રશંસાનો ક્ષણિક સ્ટૅમ્પ ગણું છું. શાબાશી કલાકાર માટે મહત્ત્વની છે. તાળીઓ ન પડે તો થાય કે તમે કામ શા માટે કરો છો. જોકે સ્વીકૃતિ માટે અવૉર્ડ એક માત્ર સાધન નથી. તમને ૯૫ કરોડ લોકો પડદા પર જુએ ત્યારે એમની પ્રતિક્રિયા એ જ તમારા સ્ટારપદની નિશાની છે. એ લોકો મારી ફિલ્મો ન જુએ તો હું ફિલ્મોમાં હોઉં જ નહિ, સાચી પ્રશંસા તો પ્રશંસકોની દાદમાં, મિડિયામાં, લાઈવ શોઝમાં તાળીઓ અને જેમના ચુકાદામાં તમને વિશ્ર્વાસ હોય એમના અભિપ્રાયમાં પ્રતિબિંબિત થાય છે.

ફોટોસેશન

‘ચાંદની બાર’ ફિલ્મ માટે તબુએ શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય એવોર્ડ જીત્યો હતો

લોકો ગ્લૅમર વિનાની હીરોઈનને પડદા પર જોવા તૈયાર ન થાય. મેક-અપ તો કરવો જ પડે. મેક-અપ વિના મેં ભાગ્ય જ દૃશ્યો ભજવ્યો છે. બીજું, તમે કેવા પ્રકારની ફિલ્મ કરો છો અને કયો કૅમેરામૅન શૂટિંગ કરે છે એના પર ઘણું ડિપેન્ડ કરે છે. દરેક કૅમેરામૅન મેક-અપ વિના તમને શૂટ ન કરી શકે. મેક-અપ કરવાનો ન હોય તો એક કલાકની એકસ્ટ્રા ઊંઘ મળી રહે. મારી ફિલ્મોમાં મેં મોટા ભાગે જુદી જુદી વિગ ને લેન્સ વાપર્યાં નથી, પણ ફોટોસેશનમાં પહેર્યાં છે. તમે જ કહો, કયું મૅગેઝિન મને માત્ર કૉટન સલવાર-કુર્તામાં મેક-અપ વિના કવર પર મૂકશે? નહિતર, કોને વિગ્સ, પ્ન્સિ, હેરસ્ટાઈલ કૃત્રિમ પાંપણો અને મેક-અપના થર લગાડવા ગમે? મેક-અપને હું સદંતર ઉતારી નથી પાડતી કે રિજેક્ટ નથી કરતી, કારણ એના વિના ટકાય નહિ.

લાગણી અને અલિપ્તતા

‘હું એટલી ઈમોશનલ છું કે ટૉમ ઍન્ડ જેરી જોતાંય રડી પડું’

મારા ફ્રેન્ડ્સને લાગે છે કે હું અંતિમવાદી છું. તેઓ કહે છે કે હું એટલી ઈમોશનલ છું કે ટૉમ ઍન્ડ જેરી જોતાંય રડી પડું. સાથોસાથ એટલી નિર્લેપ છું કે આઘાતજનક ટીકા છતાં મને કંઈ જ ન થાય. મને લાગે છે કે મારી વર્તણૂકતા હું સંતુલન નથી રાખી શકતી. આ અંતિમવાદ સૌથી મોટી નબળાઈ છે. ક્યારેક અડવું લાગે છે, પણ જેવી છું તેવી હું મારી જાતને સ્વીકારી લેવાનું શીખી ગઈ છું. આદતો તોડવા કે જોડવામાં શક્તિ ખર્ચી નાખવી એના કરતાં આવું કરવું વધુ આસાન છે.

ડ્રેસીઝ

હું ઘણી વાર મારી જાતને યાદ દેવડાવું છું કે આઈ એમ અ સ્ટાર અને એટલે મારે રૂપાળા દેખાવું જોઈએ. નહિતર આટલા બધાં કપડાં શા માટે ખરીદું? ઘરેથી નીકળતા પહેલાં હું લિપસ્ટિક લગાડું અને સારાં કપડાં પહેરીને નીકળું છું. બે દિવસ આ ક્રમ ચાલે પછી છોડી દઉં. યુ નો, મારે માટે તો એ ટ્રિપ છે. એક અઠવાડિયું જીન્સ અનૈ શૉર્ટ-ટૉપમાં વીતે. આઠમે દિવસે માત્ર સાડીઓ પહેરું. આવું શા માટે કરું છું એ સમજાતું નથી. લાગે છે કે મિડિયોક્રિટી હું સાંખી નથી શકતી. આ માત્ર કપડાંને જ લાગુ નથી પડતું. મિત્રોની બાબતમાંય આવું જ છે. કોઈ ફ્રેન્ડને મળું ત્યારે સાથે ખાઈએ, પીએ, હરીફરીએ અને દસ દિવસ વીતે એટલે મિત્રોને હળવામળવાનું સાવ બંધ.

લોભ અને સંતોષ

‘વિરાસત’ ફિલ્મનુું દ્રશ્ય

હું સંતુષ્ટ છું. પણસુખી છું કે નહિ એની ખબર નથી. રોજ ઈશ્ર્વરને પ્રાર્થના કરું ત્યારે એનો આભાર માનું છું, કારણ કે એણે મને સફળ, શક્તિશાળી, લોકપ્રિય અને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી છે. આખી દુનિયાની રઝળપાટ થઈ શકે. જાતજાતના લોકો મળે. લોકોના પ્રેમ, આશીર્વાદ ને પ્રશંસા મળે. આમ, વિચારેલું એના કરતાં હું ઘણું ઘણું પામી છું. આમ છતાં જાણું છું કે હજી તો આકાશને આંબી શકાય તેમ છે. જિંદગીએ હજી ઘણું આપવાનું બાકી છે. વધુ એવૉર્ડ, સારી ફિલ્મો અને આલિશાન ઘર. આ ઉપરાંત વ્યક્તિ તરીકે પણ મારે ઘણું જોઈએ છીએ. મને લાગે છે કે અર્ધજાગ્રતપણે મને વધુ મેળવવાનો લોભ છે.

મા તે મા…

‘મકબૂલ’ની તબુ

મા-દીકરીનો સંબંધ સૌથી અટપટો છે. એ જાતજાતના રૂપ લે છે. દાખલા તરીકે મૈત્રી, પ્રેમ, મમતા, સ્પર્ધા વગેરે. ક્યારેક મા-દીકરીને પંપાળે છે તો ક્યારેક દીકરી માને લાડ કરે છે. મને નવાઈ લાગે છે કે જો મને દીકરી હોય તો હું એને કયા સ્વરૂપે જોઉં? કદાચ, એ પણ સ્ત્રી હોવાને લીધે એને હું મારું મિની વર્ઝન ગણું. મને ખાતરી છે કે દરેક માને દીકરી પ્રત્યે એવી લાગણી હોય છે. આથી કદાચ એ ઈચ્છે છે કે એની દીકરી એના જેવી બને. પરંતુ બન્ને સ્વતંત્ર મિજાજની હોય તો એવું બનતું નથી. મમ્મી સાથેનો મારો સંબંધ વિચિત્ર છે. મારા ફાધર નથી. બહેન પરણી ગઈ છે અને એના જીવનમાં ઓતપ્રોત છે. એટલે દિવસને અંતે તો અમે મા-દીકરી જ. હું એનો આદર કરું છું. એના મિત્રો છે. એ શાસ્ત્રીય સંગીત શીખે છે. પોતાની કાર ચલાવે છે. મારા કરતાં વ્યસ્ત છે. હું કંઈ એનાથી છાનું રાખવા માગું તોય એ હંમેશાં જાણી લે છે, હું કદાચ મારી જાતને છેતરી શકું કે એણે મને રડતાં જોઈ નથી. ફોન પર કોઈની સાથે વાત કરતાં સાંભળી નથી કે ચોક્કસ વ્યક્તિ પ્રત્યે મારી ફીલિંગ એ જાણતી નથી. પરંતુ એવું નથી હોતું. મારી બેસ્ટ ફ્રેન્ડ ન જાણે, પણ મમ્મીથી કંઈ છાનું નથી રહેતું. હું વાત ન કરું ત્યાં સુધી મમ્મી સામેથી પૂછપરછ ન કરે, વિષય ન કાઢે કે સલાહ ન આપે. એની સંવેદના સમસ્યા સર્જે છે. એને ઝટ લાગી આવે એટલે મારે સંભાળવું પડે. આફટર ઑલ, આજે હું એને ખાતર જ જીવું છું.

સંબંધોના આટાપાટા

કોઈ પણ સંબંધમાં આકરો તબક્કો આવતો હોય છે. ભૂલો, ચડતીપડતી, અફસોસ અને મૂખાર્ર્ઈભર્યા નિર્ણયો-બધું જ સંબંધોમાં શક્ય છે. એક વાર હું સંબંધ બાંધવાનું નક્કી કરું એટલે ૧૦૦% તન્મય બની જાઉં. મારે માટે અડધોપડધો સંબંધ ન ચાલે. નિર્ણય લીધા પછી હું મારા લાભમાં પલટાવું અને સુખી થાઉં. દોષ શોધીને દુ:ખી ન થાઉં. પરંતુ જે સંબંધો ટકાવવા ઘણા પ્રયાસ કર્યા હોય એ મારે માટે બરાબર નથી એવું લાગે તો એવા સંબંધો તરછોડતાં પણ મને વાર ન લાગે.

બુદ્ધિ અને ઈમેજ

બાળ કલાકાર તબુ. એ દેવઆનંદ સાથે ‘સ્વામીદાદા’માં ચમકી હતી

મારે બુદ્ધિપૂર્વક વાતો કરવી હોય ત્યારે કરી શકું છું, પણ સતત હું બુદ્ધિશાળી છું એવી આભામાં નથી રહેતી. આમેય નિકટથી ન જાણનારા તો મને અર્ધગદગ્ધ જ કહે છે. મને જો કે ચીડ નથી ચડતી. હું વેલરેડ છું અને બુદ્ધિશાળી છું એનો દેખાડો મહત્ત્વનો નથી સમજતી. એ તો તમારી પોતીકી વાત છે. હું સામે ચાલીને ન તો બિન્ધાસ્ત ઈમેજ ઊભી કરવા જાઉં છું કે ન તો સારી ઈમેજ પ્રોજેક્ટ કરવા. બીજું, હું માનું છું કે તમારી સાચી જાત એક યા બીજે રીતે છતી થઈને રહેતી હોય છે.

ખાનાપીના

હું એવા નિર્ણય પર આવી છું કે પહેલાં હું અસ્વસ્થ થતી કે ગૂંચવાતી ત્યારે મને હતાશા ઘેરી વળતી. ક્રોધે ભરાતી ત્યારે બસ ખા-ખા કરતી. હવે ચાના કપનો મારો ચલાવું છું. ડીપ્રેસ્ડ હોઉં ત્યારે ચા મારા માટે મસ્ટ હોય છે. મને લાગે છે કે હવે મને કૉફીનું વ્યસન વળગી રહ્યું છે. હું માનું છે કે તમે એવું કહી શકો કે ખાઉધરાપણું મારા મગજમાં જ છે: પેટમાં નથી.


જિંદગી: મારે હિસાબે, મારી શરતે જીવું છું. અગાઉ શરમાળ અને નબળી હતી, પણ હવે કઠોર થઈ છું. આસાનીથી ટીકા કે નિષ્ફળતા પજવી નથી શકતી. ખૂબ મજબૂત બની ગઈ છું.

‘હું હવે જરાય લોભી રહી નથી’

પ્રેમ: ઈમોશનલી મજબૂત માણસો પ્રત્યે આકર્ષાઉ છું. મારા ગમતા પુરુષમાં રમૂજવૃત્તિ હોય અને એ બુદ્ધિશાળી હોય એ મારા માટે જરૂરી છે.

કામ: હું સખત મહેનત તો નથી કરતી, પણ મારા અસાઈનમેન્ટને પૂરો ન્યાય આપું જ છું. ટૂંકી કરિયર દરમિયાન જે પ્રશંસા મળી છે એ દાદ દેવાલાયક તો છે જ. મારી સફળાતાનું શ્રેય ઈશ્ર્વરને અને શુભેચ્છકોને આપું છું.

મની મની: બહુ કમાઈ લીધું છે. એ રીતે હું હવે જરાય લોભી રહી નથી. બલકે, સંતુષ્ટ છું.

ફન: પાર્ટીની શોખીન નથી અને ફ્રેન્ડ્સ સાથે સમય વીતાવવો ગમે છે. ડ્રિંકિંગ અને સ્મોકિંગને હું મોજમઝાનાં સાધન ગણતી નથી.

શરીર: મારું ફિગર સુડોળ નથી એ હું જાણું છું, પણ કોણ કહે છે કે ઍક્ટ્રેસની કાયા કમનીય જ હોવી જોઈએ. મારી ઈમેજ સિરિયસ હોવાના કારણે મારું સેક્સી શરીર નહીં, મારી ટૅલન્ટ જોવાય છે.