યે ઈનકી દિવાલી હૈ…

ફિલ્મસ્ટરોની દિવાળી કેવી હશે? એ લોકો ચોપડાપૂજન કે લક્ષ્મીપૂજન કરતા હશે? ફટાકડા ફોડતા હશે? રંગોળી પૂરતા હશે? ઘરની સાફસૂફી કરતા હશે? કે પછી માત્ર ‘હૅપી દિવાલી’ અને ‘હૅપી ન્યુ યર’ જેવાં બે વાક્યોમાં આખી દિવાળીને સંકેલી લેતા હશે? જવાબ હાજર છે.

(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૧૯૯૯ દીપોત્સવી અંકનો)


અમિતાભ બચ્ચન : જુદા જુદા ધાર્મિક તહેવારો ઊજવતા કરોડો લોકોનું ભારત આખી દુનિયામાં અનોખું છે. આપણા તહેવારોની વિશિષ્ટતા એ છે કે આપણને એકબીજા સાથે જોડી આપે છે. સાથે મળીને ઊજવાતા તહેવારોનો જાદુ જ અલગ છે. હું ધાર્મિક પ્રકૃતિનો છું, ભક્તિ ને વડીલો પ્રત્યે આદરના વાતાવરણ વચ્ચે ઊછર્યો છું. લક્ષ્મીની પૂજા અચૂક કરું છું. તમે સત્કાર્યો કર્યાં હોય તો લક્ષ્મી તમારા પર રીઝે જ એવું હું માનું છું.

દિવાળીના પર્વમાં રોશનીનો ઝગમગાટ હોય છે અને લોકો અચૂક નવાં કપડાં ખરીદે છે. ફિલ્મોની દુનિયામાં આ ચીજોનું મહત્ત્વ છે. ગ્લૅમરસ ફિલ્મો આપણે થિયેટરના અંધકારમાં જોઈએ છીએ ત્યારે આપણને કલાકારના અંધારામાં ઢંકાયેલા અસ્તિત્વનો ખ્યાલ નથી હોતો. બહારનો અંધકાર તો વીજળીના પ્રકાશ વડે દૂર કરી શકાય, પણ ભીરતના અંધકારને દૂર કરવા ઝઝૂમવું પડે. દિવાળી દીવાઓનો તહેવાર છે તેથી એ તમને અંતરનો અંધકાર દૂર કરવાનો પાનો ચડાવે છે. નાના દીવા અમાસની રાતનો અંધકાર દૂર કરે છે.

ફટાકડાની તડાફડી વિના દિવાળી અધૂરી જ કહેવાય એ સાચું, પણ બીજાને પરેશાની ન થાય એનો ખ્યાલ ફટાકડા ફોડનારે રાખવો જરૂરી છે. મારા પિતાનું સ્વાસ્થ્ય ઘણા વખતથી બરાબર નથી રહેતું. પરંતુ જેવીપીડી સ્કીમમાં વસનારા લોકો એમના સિવાય અહીં કોઈ બીજું રહેતું નથી એવું માનીને ફટાકડાનો ઘોંઘાટ મચાવે છે. બૉમ્બના ધડાકાથી મારા ધબકાર વધી જાય છે અને હું બાબુજી માટે વ્યગ્ર બની જાઉં છું. માણસો કેવી રીતે આટલા સ્વાર્થી થઈ શકે છે? આ દિવાળીએ હું એક જ સંદેશ આપવા ઈચ્છું છું. ઊજવણી વખતે તમારી અને તમારા પાડોશીની સલામતીનો ખ્યાલ રાખજો. બીજાની નકલ કરવા કરતાં તમને યોગ્ય લાગે અને મન માને એવું કરીને દિવાળીનો આનંદ માણજો.


માધુરી દીક્ષિત: દરેક તહેવારને આપણા આત્મા અને આપણા હૃદય સાથે સીધો સંબંધ છે. હું નાની હતી ત્યારે દિવાળીના પાંચ દિવસ મસ્ત રીતે ઊજવતી. હું અને મારી દીદી એવી ધીંગામસ્તી મચાવતાં કે અમારું ફૅમિલી પરેશાન થઈ જતું. દિવાળીને આવકારવા સાફસૂફી જોરશોરથી શરૂ કરી દેતાં. રંગબેરંગી રંગોળીથી ઘરને સજાવી દેતાં. હવે આવી પ્રવૃત્તિઓ માટે નવરાશ નથી રહેતી.

લક્ષ્મીપૂજનને દિવસે ભારે ધમાલ મચી જતી. લક્ષ્મીજીની મૂર્તિને અમે દૂધથી નવડાવતાં. લક્ષ્મીજી ઉપરાંત શંકર, ગણેશ અને પાર્વતીની મૂર્તિઓની પણ પૂજા કરતાં. એ પછી ઘરગથ્થુ મીઠાઈ અને ફરસાણની આપ-લે થતી હવે અલબત્ત, એવી ફુરસદ જ કોને છે? માત્ર પરસ્પર શુભેચ્છાનું આદાન-પ્રદાન કરીને વડીલોને પગે પડીને આશીર્વાદ મેળવી લઈએ છીએ.

ભૂતકાળમાં ફટાકડાને કારણે હું દાઝી ગઈ હતી અને આજે એ અકસ્માતો યાદ કરું છું તો ધ્રૂજી ઊઠું છું. દિવાળીને ટાણે આવા અકસ્માત અચૂક યાદ આવી જાય એટલે ફટાકડાને હાથ અડાડવાનુંય મન ન થાય. વર્ષો જૂની ફટાકડાની બીક ઘર કરી ગઈ છે. ટેટો ફાટે એટલે હું ધ્રૂજવા જ માંડું. આજે દિવાળીનો ચાર્મ ખોવાઈ ગયો છે. રોમાન્સ જતો રહ્યો છે. વજન વધી જવાની બીકે પેટ ભરીને મીઠાઈ પણ ખવાતી નથી. સ્થૂળતા ડારે છે. સ્ટાર માટે એનું ફિગર જ એનું સબકુછ છે. સ્ટાર વૅલ્યુ ટકાવી રાખવા માટે ખાવાની લાલચ ટાળવી પડે છે.

આજે ફટાકડાના ધડાકા જેટલા મોટા એટલી દિવાળી વધુ ભવ્ય એવો ભ્રમ પ્રવર્તે છે. પરંતુ મને લાગે છે કે ભારત જેવા ગરીબ દેશમાં ફટાકડાનો ધુમાડો કરવો સારું નથી. એ પૈસાનો સદુપયોગ થઈ શકે. લોકોને ખાવાનાં સાંસાં છે, દવા અને ઈલાજ માટે વલખાં મારવાં પડે છે. એટલી બધી સામાજિક પ્રવૃત્તિઓ છે કે પૈસા એમાં ખર્ચી શકાય. સત્કાર્યોથી થતો સંતોષ ઉત્તમ હોય છે. ભગવાનને પણ એ જ ગમે. તહેવારનો મૂળભૂત હેતુ જ હળવામળવાનો અને એકમેકને સહાયરૂપ થવાનો હોય છે. દુનિયાના બધા ધર્મો આ જ વાત કહે છે.


શાહરુખ ખાન: બે વર્ષ પહેલાંની દિવાળી મારે માટે ઉદ્વેગસમાન હતી, કારણ કે મારી પત્ની ગૌરી અમારા પહેલાં સંતાનના આગમનની તૈયારીમાં હતી. બીજું, મારી મહત્ત્વની ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ રિલીઝ થવાની હતી. એ સીઝન જ પ્રસૂતિગૃહ અને સ્ટુડિયો વચ્ચે વહેંચાઈ ગયેલી. આમ છતાં ૧૯૯૭નું એ વર્ષ મારે મન અવિસ્મરણીય છે, કારણ કે એ વખતે મને બે ગિફટ મળી હતી. એક પુત્ર આર્યનનો જન્મ થયેલો અને બીજી ‘દિલ તો પાગલ હૈ’ સુપર હિટ થઈ હતી.

દીવડા, મીઠાઈ અને ફટાકડાનો આ તહેવાર બાળપણથી મને પ્રિય છે. મારાં માતા-પિતા જીવતાં હતાં ત્યારે હું દિલ્હીમાં રહેતો અને એમ મન ભરીને આ પર્વ માણતા. મમ્મી સ્વાદિષ્ટ મીઠાઈઓ બનાવતી અને મિત્રો ઘરે આવીને નિરાંતે જમતા. મીઠાઈની આપ-લે કરતા. ફટાકડાની તડાફડી બોલાવવાનું ખૂબ ગમતું, પણ આજે પ્રદૂષણ એટલું વધી ગયું છે કે ફટાકડા ન ફોડવા જોઈએ. પાડોશીનું બીપી વધી જતું હોય તોય ફટાકડા ન ફોડવા જોઈએ.

સાથે મળીને તહેવાર ઉજવવાથી આનંદ બેવડાય છે. ગૌરીએ તો મહિનાથી પૂરજોશમાં તૈયારી શરૂ કરી દીધી છે. એણે ઘરનું ઈન્ટીરિયર બદલી નાખ્યું છે. સૌ માટે નવાં ડિઝાઈનર કપડાં ખાસ સીવડાવ્યાં છે. જો કે અમે માત્ર દિવાળી જ નહીં, હોળી, ક્રિસમસ કે ઈદ પણ ધામધૂમથી ઊજવીએ છીએ. હા દિલ્હીના રસ્તા પર હું જે ધીંગામસ્તી કરતો એ હવે મારા સ્ટાર સ્ટેટ્સને કારણે કરી નથી શકતો. મારો દીકરો આર્યન ભારે ખેપાની છે. લાગે છે કે બાપ પર ગયો છે, કેમ કે એને પણ હું એક જમાનામાં કરતો હતો એવાં જ તોફાનો કરવાં ગમે છે.


ઊર્મિલા માતોંડકર:

હું નથી માનતી કે વ્યસ્તતાને કારણે તહેવારોનું આકર્ષણ ઘટ્યું છે કે રસ ઓસર્યો છે. હું પાંચેય દિવસ પૂરબહારમાં દિવાળી ઊજવું છું. ધનતેરસથી ભાઈબીજી સુધીના દિવસો અમે મહારાષ્ટ્રીયનો અચૂક ઊજવીએ છીએ. પાંચેય દિવસ ઘરમાં દીવડા ઝગમગતા રહે છે. અમે રંગોળી પૂરીએ છીએ. દિવાળીની ખાસ મીઠાઈઓ ખાઈએ અને સગાંસ્નેહીઓમાં વહેંચીએ છીએ. ફટાકડા પણ ફોડી લઈએ. શુભેચ્છાની આપ-લે કરીએ. આમ કોઈ પણ મહારાષ્ટ્રીયન ઘરમાં જે થાય એ બધું જ મારા ઘરમાં પણ થાય છે. જો કે હું દસ-બાર વર્ષની હતી ત્યારે દિવાળીનો જે આનંદ આવતો એ હવે રહ્યો નથી, પણ હજીય દિવાળીનું આકર્ષણ અને રસ ઓસર્યાં નથી. મારી વ્યસ્તતા વધી છે એટલે હું સૌને દિવાળી મુબારક કહીને જ સંતોષ માનું છું.


કાજોલ: મને વાંચવાનો જબરો શોખ છે, બલકે વળગણ છે. આમ છતાં દિવાળીની રોનક જોવાનું હું ચૂકતી નથી. ઘણી વાર કારમાંથી ઊતરીને આતશબાજી જોવા ઊભી રહી જાઉં છું. જો કે જોખમી ફટાકડાથી તો દૂર રહેવું જ સારું. જોખમ ઉપાડવાનો એટલો જ શોખ હોય તો દેશના રક્ષણ ખાતર કે મિત્રોનો જાન બચાવવાનું જોખમ કેમ ન ખેડવું? અર્થ વિનાનું કે હેતુહીન કંઈ હું સાંખી શકતી નથી. ધ્વનિ પ્રદૂષણ ઘણું છે. એમાં ફટાકડા ઉમેરો કરે છે. ફટાકડાનું ચલણ વધ્યું છે. વરઘોડામાં, કોઈ પ્રસંગ વખતે અને ક્રિકેટ મૅચ વખતે ફટાકડા ફૂટતા જ રહે છે તેથી ફટાકડાની વિશિષ્ટતા જેવું કંઈ રહ્યું નથી.

હું સ્કૂલમાં ભણતી ત્યારે તો દિવાળી વખતે પરીક્ષાઓ રહેતી તેથી કોઈ પર્યાય જ નહોતો. હું અને મારી બહેન તાનીશા બૉર્ડિંગ સ્કૂલમાં ભણતાં, જ્યાં ક્રિસમસ વેકેશન લાંબું અને દિવાળીનું વેકેશન ટૂંકુ રહેતું. આથી ઘરે અમે ક્રિસમસના અને ઉનાળાના વેકેશનોમાં જ આવતાં. જો કે અમને જ્યારે પણ દિવાળી ઉજવવાનો મોકો મળતો ત્યારે મમ્મી-પાપા સાથે ધમાલ કરવાનું ચૂકતાં નહીં.

હું કિશોર વયની હતી ત્યારે મને પાર્ટીઓમાં જવાનો કંટાળો હતો આવતો હતો એટલે હું ઘેર રહીને તનીશા સાથે રમતી-મસ્તી કરતી. ફિલ્મોમાં આવ્યા પછી દિવાળી, બર્થ-ડે કે બૉક્સ ઑફિસે ફિલ્મની સફળતાના અવસરે ઢગલાબંધ ફૂલો અને મીઠાઈઓ આવતી. અંગત રીતે હું દિવાળીમાં અચૂક પૂજા કરું છું. ઈશ્ર્વર પાસે કંઈ માગતી નથી, કારણ કે ભગવાન સમય થાય ત્યારે માગ્યા વિના પણ ઘણું દઈ દેતો હોય છે એવું હું માનું છું. શૉપિંગનો મને શોખ નથી. મમ્મી અને બહેન જ બધું શૉપિંગ પતાવે છે. દિવાળી માટે એક જ સંદેશ છે સલામતી જાળવીને ઊજવો.


અનિલ કપૂર: પહેલાં મને મીઠાઈઓ ખાવાનો અને ફટાકડા ફોડવાનો જબરો શોખ હતો. હવે મારા સંતાનો એ કરે છે. હું અને મારી પત્ની આ અવસરે અચૂક હાજર રહીએ છીએ અને સંતાનો સાથે દિવાળી ઊજવીએ છીએ. મારે થોડી મીઠાઈઓ અને બાફેલા શાકભાજીથી જ સંતોષ માનવો પડે છે. સાચું કહું તો સામાન્ય માણસો જેવી દિવાળી અમે સ્ટાર્સ લોકો માણી શકતા નથી. લોકો ઉઘાડા આકાશ હેઠળ ફરે અને ફટાકડા ફોડે, જ્યારે અમારે બંધબારણે દિવાળી ઊજવવી પડે. ક્યારેક શૂટિંગને કારણે દિવાળીના સપરમે દિવસે પણ પત્ની-બાળકોથી અળગા રહેવું પડે છે.

મારાં બાળપણનાં ખટમીઠાં સંભારણાં છે. ક્યારેક ધામધૂમથી દિવાળી ઊજવાતી તો ક્યારેક પૈસાના અભાવે સાદીસીધી. દિવાળીના દીવા સામે મેં પ્રતિજ્ઞા કરેલી કે નામના મેળવીને જંપીશ. મારે હિસાબે આવા તહેવારો જ પરિવારને બાંધી રાખે છે. એક દિવાળી મને ક્યારેય નહીં ભુલાય. મારા હાથમાં જ બૉમ્બ ફાટેલો અને મારાં કપડાં સળગી ગયેલાં. હું એટલો નર્વસ થઈ ગયેલો કે કોણે મને બચાવ્યો એય યાદ નથી. ઈશ્ર્વરને એટલી જ પ્રાર્થના કરું છું કે સ્વાસ્થ્ય ટકી રહે અને પ્રશંસકો વધતા રહે. ફટાકડાની બાબતમાં પત્નીને જે યોગ્ય લાગે એ જ બાળકોને ફોડવા દઉં છું.


રાની મુખરજી: નવી આશા અને ઉત્સાહ પ્રેરતો એક જ ઉત્સવ છે અને એ છે દિવાળી. આ તહેવારમાં ઘરની સાફસૂફી કરીએ છીએ અને બધું નવેસરથી શરૂ થાય છે. હું પોતે ફટાકડા ફોડતી નથી, પણ એ ફૂટતા જોવાની મને મજા આવે છે. આકાશ રંગીન બનાવી મૂકે એવી હવાઈઓ જોવી મને બહુ જ ગમે છે. અમે જો કે, બંગાળી હોવાથી દુર્ગાપૂજાનો તહેવાર ભારે ઠાઠથી ઊજવીએ છીએ.

હું નાની હતી ત્યારે અગરબત્તી લઈને ફટાકડો ફોડવા ગયેલી. એ વખતે બાજુનો ફટાકડો એટલા જોરથી ફૂટ્યો કે કાનમાં ધાક પડી ગઈ. હવે તો બિઝી શેડ્યુલમાં દિવાળી ઊજવી નથી શકાતી. આજે ધાર્મિક તહેવારોમાંથી લોકોની આસ્થા ઓછી થઈ ગઈ છે એનું દુ:ખ છે. કલબમાં જઈને જુગાર ખેલવો મને પસંદ નથી. ઈશ્ર્વરનો હું પાડ માનું છું કે એ કામ અપાવતો રહે છે. મારે મન કામ એ જ પૂજા છે.