રાજ કપૂરે 1970માં ‘મેરા નામ જોકર’ ફિલ્મ રિલીઝ કરી હતી. એ તેમની બહુ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ હતી, જે બનાવવામાં એમને ઘણું દેવું થઈ ગયું હતું. કમનસીબે ફિલ્મ જોઈએ એવી ચાલી નહોતી આમ છતાં રાજ કપૂરે ‘મેરા નામ જોકર’ની સિક્વલ બનાવવાનું નક્કી કરેલું, જેમાં એ મહાન જાદુગર કે. લાલ અને હેમા માલિનીને મુખ્ય ભૂમિકામાં ચમકાવવા માંગતા હતા.
પછી શું થયું? એ જાણવા વાંચો આ દિલચસ્પ લેખ:
‘મેરા નામ જોકર’ની નિષ્ફળતા બાદ રાજ કપૂરે પોતાનો એક અત્યંત પ્યારો પ્રોજેક્ટ પડતો મૂક્યો. એ પ્રોજેક્ટ હતો: ‘જોકર: પાર્ટ- ટુ’. એમાં એમણે વાર્તામાં કેન્દ્રસ્થાને સર્કસને બદલે જાદુગરીને રાખવાનું નક્કી કરેલું. જાદુગરની મુખ્ય ભૂમિકા કે. લાલ જ ભજવે એવો એમનો આગ્રહ હતો. કે. લાલ સાથે એમણે એ વાર્તાની વિગતવાર ચર્ચા કરી હતી. એ વાર્તા જાણવા-સાંભળવા અમે આગ્રહ કર્યો. છેવટે એમણે અમને એ વાર્તા કહી.
(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ બે લેખ છે દીપોત્સવી 2002 અંકનો)
‘જોકર: પાર્ટ- ટુ’ની અત્યાર સુધી ગુપ્ત રહેલી વાર્તા, આપ સૌ પણ જાણો.
પ્રેમમાં ત્રણ-ત્રણ વાર નિષ્ફળતા મળ્યા પછી જોકર થાક્યો છે, પણ હાર્યો નથી. છેલ્લે પદ્મિની એને છોડીને રાજેન્દ્ર કુમારને અપનાવી લે છે ત્યાર બાદ રાજુ જોકર સર્કસના એક શોમાં સિમી- મનોજ કુમાર, રશિયન આર્ટિસ્ટ, પદ્મિની- રાજેન્દ્ર કુમારને બોલાવે છે અને ગાય છે: ‘જીના યહાં, મરના યહાં…’ ફિલ્મ પૂરી થાય છે. પણ જોકર કહે છે: ‘જોકર કા તમાશા અભી ખત્મ નહીં હુઆ… આપ જાઈએગા નહીં…’
અને ખરેખર, વાર્તા ત્યાં પૂરી નથી થતી. ત્યાંથી આગળ ચાલે છે (ફિલ્મના બીજા ભાગમાં, જે ક્યારેય બન્યો જ નહીં.) જોકર વૃદ્ધ થઈ ચૂક્યો છે. બીમાર છે. ચીંથરેહાલ છે. ખાવા પૂરતા પણ પૈસા નથી. એ દરબદર ભટકી રહ્યો છે. એક જગ્યાએ કોઈ પરિવાર એ શો જોવા આવે છે. પણ છેલ્લી ઘડીએ શો જોવાનો પ્રોગ્રામ રદ થતાં એ પરિવારનો માણસ શોની ટિકિટ જે માણસ સામે પહેલો દેખાયો એને આપી દે છે. એ માણસ છે રાજુ જોકર. રાજુ ટિકિટ લઈને હૉલમાં જાય છે. ટિકિટ ખરીદનાર અમીર પરિવારનો માણસ હોવાથી આગળની હરોળની ટિકિટ છે. રાજુ છેક આગળ બેસે છે. બાજુમાં બેસે છે હેમા માલિની. શો શરૂ થાય છે. પડદો ખૂલે છે અને જાદુગર (ખુદ કે. લાલ) એકએકથી ચડે એવા જાદુ દેખાડવા લાગે છે. પછી એક એવી આઈટમ આવે છે જેમાં સ્ત્રીના શરીરના બે ટુકડા કરવાના હોય છે. જાદુગર ઓડિયન્સમાંની સ્ત્રીઓને પૂછે છે: ‘છે કોઈ તૈયાર?’ રાજુ બાજુમાં બેઠેલી હેમા માલિનીને કહે છે, ‘તું જા… આમાં કંઈ નહીં થાય.’
હેમા પૂછે છે: ‘ખરેખર જાઉં? હું મરી જઈશ તો?’
રાજુ કહે છે: ‘ના, તું નહીં મરે… મને લાગે છે કે તારે જવું જોઈએ.’
આટલું સાંભળીને હેમા તરત સ્ટેજ પર જતી રહે છે. રાજુ વિચારે ચડે છે: આખી જિંદગી કોઈ સ્ત્રીએ મારા પર આટલો ભરોસો નથી મૂક્યો. આમાં જીવનું જોખમ હોવા છતાં આ સ્ત્રી મારા કહેવા પર તૈયાર થઈ ગઈ…
એટલી વારમાં જાદુગર હેમા માલિનીના શરીરને મોટી કરવત વડે કાપવા લાગે છે. રાજુ એ જોઈ નથી શકતો. તરત એ સ્ટેજ પર દોડી જાય છે એ હેમાને ખેંચી લે છે. હેમા ઊભી થઈને રાજુને એક થપ્પડ મારી દે છે. કારણ કે હેમા માલિની જાદુગરની જ નોકરિયાત હોય છે. રાજુએ ન કહ્યું હોત તો પણ એ સ્ટેજ પર જવાની હતી અને પોતાનું શરીર કપાવવાની હતી. એ ઝૂંપડપટ્ટીમાં રહેતી સ્ત્રી છે. એકદમ દુ:ખી ઓરત છે. કોઈએ એને ક્યારેય હસતી જોઈ જ નથી.
એ રાજુને થપ્પડ મારી દે છે. ગૂંચવાઈ જાય છે કે હજુ હમણાં તો મારા કહેવા પર જીવ આપવા તૈયાર થઈ ગયેલી અને હવે અચાનક આ થપ્પડ…
રાજુ જોકરની મૂંઝવણ અને ચહેરા પરના હાવભાવ જોઈને હેમા હસી પડે છે. જાદુગરે એને પહેલી વાર હસતી જોઈ. એને વિચાર આવે છે કે આ માણસ (રાજુ)ના ચહેરા પરના હાવભાવ ભલભલા ઉદાસ માણસને હસાવી શકે છે. એ રાજુને પોતાને ત્યાં નોકરી પર રાખી લે છે. એ ધીમે ધીમે જાદુની ટ્રિક્સ શીખવા લાગે છે.
આગળ જતાં એ એકદમ કાબેલ જાદુગર બની જાય છે. બીજી તરફ, હેમા રાજુના પ્રેમમાં પડે જાય છે. જાદુગરને આ વાત નથી ગમતી, કારણ કે એ પોતે હેમાના પ્રેમમાં પડી ચૂક્યો હોય છે. હેમાને તો એવી કલ્પના પણ નહોતી કે શેઠ એના પર જાન ન્યોચ્છાવર કરવા તૈયાર છે. એ તો શેઠને અત્યંત મહાન અને અમીર માણસ ગણીને એનાથી અંતર જાળવે છે. પણ રાજુને પોતાના જેવો ગરીબ, દુખિયારો, લાચાર માણસ ગણીને અને રાજુનો પ્રેમાળ સ્વભાવ જોઈને એના પ્રેમમાં પડી જાય છે.
છેવટે જાદુગર રાજુને કાઢી મૂકવાની એક તરકીબ વિચારે છે. એ એક મુકાબલાની યોજના ઘડે છે, જેમાં જાહેર જનતા સમક્ષ ખુલ્લી જગ્યાએ રાજુ સાથે જાદુગર હરીફાઈમાં ઉતરે છે. એ રાજુને લલકારે છે, પડકારે છે: જો તું જીતી ગયો તો આ છોકરી (હેમા) તારી…
રાજુ જાદુગરનો મુકાલબો કરવા તૈયાર થઈ જાય છે. જાદુગર રૂમાલમાંથી લાકડી બનાવી દે છે તો રાજુ લાકડી છૂ કરી દે છે. જાદુગર એક જાદુ કરે તો જવાબમાં રાજુ એનાથી ચડિયાતો જાદુ કરે… ઓડિયન્સ રાજુની પડખે છે. એને જીતતો જોઈને ઓડિયન્સ કિકિયારીઓ પાડે છે. જાદુગરને સમજાય છે કે એની હાર થઈ રહી છે. છેવટે એ એક એવો ખેલ શરૂ કરે છે જેની પૂરેપૂરી ટ્રિક રાજુને નથી આવડતી. એ રાજુને કહે છે કે ઢગલો થઈને પડેલા દોરડાના છેડાને હવામાં ચડાવીને એની સાથે હેમાને પણ ઊંચે ચડાવ. રાજુને એટલું આવડે છે. એ હેમાને દોરડાની સાથે ઊંચે ચડાવે છે. જાદુગર કહે છે: હજુ ઊંચે…
રાજુ હેમાને વધુ ઊંચે ચડાવે છે. જાદુગર હજુ ઊંચે… હજુ ઊંચે… એમ બોલતા જાય છે. રાજુ હેમાને ઘણી ઊંચે ચડાવી દે છે.
પછી જાદુગર કહે છે: હવે આને નીચે ઉતાર.
રાજુ કબૂલે છે: એ મને નથી આવડતું.
જાદુગર કહે છે: તું એની નીચે નહીં ઉતારે તો એ નીચે પછડાશે…
રાજુ ગભરાઈ જાય છે.
હેમા ઉપરથી એને ધરપત આપે છે: રાજુ, તું ડરતો નહીં… જાદુગર દયાળુ છે. એ મને મારશે નહીં.
પણ જાદુગર રાજુને ડરાવવા કહે છે: મારી પાસે એક તલવાર છે. એનો હું ઘા કરીશ તો પહેલાં આ સ્ત્રીનું ગળું કપાશે, પછી હાથપગ કપાશે… અને છેલ્લે એનું ધડ કપાઈને નીચે પડશે.
રાજુ એકદમ ડરી જાય છે.
જાદુગર કહે છે: જો તું આ છોકરીને જીવતી જોવા માગતો હોય તો એક જ રસ્તો છે કે તું અહીંથી એટલો દૂર જતો રહે, એટલો દૂર જતો રહે કે મને સહેજ પણ ન દેખાય. પછી જીવનમાં ફરી મને ક્યારેય પાછો દેખાતો નહીં.
રાજુનું દિલ તૂટી જાય છે. એ ભાંગી પડે છે અને જાણે એની લાશ ઘસડાઈ રહી હોય એમ ઘસડાતો ઘસડાતો, પોતાની પ્યારી હેમાને બચાવવા, એનાથી દૂર ચાલી નીકળે છે. પછી એ ક્યારેય ફરી હેમાને મળવાની હિંમત નથી કરી શકતો.
હવે આ સાવ વૃદ્ધ થઈ ચૂક્યો છે. એને સખત તાવ આવે છે. એ ત્રણ દિવસથી ભૂખ્યો છે. ટચલી આંગળી હલાવવા જેટલી પણ એનામાં તાકાત નથી. પણ તખ્તા તરફનો લગાવ હજુ બરકરાર છે. એ કોઈ થિયેટરની બાજુમાં પડ્યો રહે છે. એક દિવસ એક પરિવાર થિયેટરમાં શો જોવા આવે છે. એ લોકો થિયેટરની બહારની લારી પરથી એકાદ ચટપટી વાનગી ખરીદે છે.
રાજુ ભૂખી નજરે એમને જોઈ રહે છે. પેલા પરિવારના મુખ્ય માણસની નજર રાજુ પર પડે છે. એને દયા આવી જાય છે. એ રાજુને ડિશ ધરે છે. અચાનક એને લાગે છે કે આ માણસને ક્યાંક જોયો છે… તરત એને યાદ આવે છે કે આ તો એ જ જોકર છે જે એને અત્યંત પ્યારો હતો. એ રાજુને પૂછે છે: તમે રાજુ જોકર છો ને?
રાજુ હા પાડે છે.
પેલા માણસની આંખમાં આંસુ આવી જાય છે. એ રાજુ જોકરનો બહુ મોટો ચાહક હતો. રાજુ જોકરને જોવા એ અનેક વાર સર્કસ જોઈ ચૂક્યો હતો.
એ પ્રેમથી રાજુનો હાથ પકડે છે અને ચોંકી જાય છે. રાજુનું શરીર તાવથી ધગધગી રહ્યું છે.
એ માણસ શો જોવાનું પડતું મૂકે છે અને રાજુને કારમાં ઘરે લઈ જાય છે. ડૉક્ટરને બોલાવે છે. સારવાર કરાવે છે.
એ માણસની ૧૪-૧૫ વર્ષની દીકરી પિતા પર ઉતરી છે. પિતાની જેમ એને પણ રાજુ તરફ ખૂબ મમત્વ છે. એ છોકરી બીમાર રાજુની દિલોજાનથી ચાકરી કરે છે. રાત-દિવસ એની પડખે રહે છે. રાજુની વાતો સાંભળી છે એને ખબર પડે છે કે રાજુ જીવનમાં ચાર-ચાર વાર (સિમી, રશિયન આર્ટિસ્ટ, પદ્મિની તથા હેમા) સાથે પ્રેમ કરવા છતાં આજે એકલોઅટૂલો છે. એ છોકરીને સમજાય છે કે આ માણસે ખૂબ પ્રેમ કર્યો, પણ બદલામાં એને ક્યારેય પ્રેમ ન મળ્યો. એનું દિલ દ્રવી ઊઠે છે. એ નક્કી કરે છે: હું પરણીશ રાજુ સાથે.
છોકરીના આ ઈરાદા વિશે રાજુને જાણ થાય છે ત્યારે એ હચમચી ઊઠે છે. એ અકળાય છે, વમળાય છે, છટપટાય છે. એ હાંફતાં હાંફતાં, પૂરી તાકાત એકઠી કરીને પેલી છોકરીને સમજાવે છે: બેટી, તારી જેમ હું નાનો હતો અને એ મોટી હતી. આજે તું બહુ નાની છે અને હું બહુ મોટો છું. આખું વર્તુળ આજે પૂરું થયું. આજે હું ખુશ છું કે જીવનમાં કમસે કમ એક સ્ત્રી તો આવી મળી જે મારી સાથે જીવન ગુજારવા તૈયાર છે… હું તારો આભારી છું… તું ખુશ રહેજે… હું… અને રાજુ દમ તોડી દે છે.
અહીં ખતમ થાય છે રાજુ જોકરની વાર્તા.