નવરાત્રિમાં ટ્રેન્ડિંગ અફઘાની પોમપોમ જ્વેલરી અને પ્રોપ્ઝ

વરાત્રિના ઢોલ ઢબૂકવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગરબા ખૈલૈયાઓ પોતાના નવરાત્રિ વોર્ડરોબને  તૈયાર કરવામાં લાગેલાં છે. નવરાત્રિમાં પહેરવાના ભાતીગળ કેડિયા અને ચણિયાચોળી , ધોતી, અંગરખા, ચોયણાં તો ક્યારનાય તૈયાર હશે.  ત્યારે આજે આપણે વાત કરવી છે નવરાત્રિ જવેલરી તેમજ નવરાત્રિમાં વિવિધ ટ્રેન્ડ પ્રમાણે ચાલતી એક્સેસરીઝ અને વિવિધ પ્રોપ્સની. નવરાત્રિ આવે ઓકસોડાઇઝ જ્વેલરી તો એકદમ હોટ ટ્રેન્ડમાં આવી જાય છે પરંતુ  હવે નવરાત્રિ પણ ધીરેધીરે ટ્રેન્ડ બનતી જાય છે તેથી જ નવરાત્રિ જ્વેલરી પણ ઘણી અલગ બનતી ગઈ છે. અને જ્વેલરીની સાથે વિવિધ પ્રયોગ પણ અનિવાર્ય બની ગયાં છે.

હવે ફક્ત ઓક્સોડાઇઝ જ્વેલરી નથી ચાલતી પરંતુ  તેની સથે હવે ઉન તથા બિડ્સની જ્વેલરી ઇન ટ્રેન્ડ છે.  આ વખતે ઉનના વાઇબ્ર્ન્ટ રંગો સાથેની જ્વેલરી યુવતીઓમાં વધુ લોકપ્રિય થશે.  ખાસ કરીને લોંગ એરિંગ્સની સાથેસાથે  ગોળ ઝૂમખા ટાઇપના એંરિગ્સ ઘણાં લોકપ્રિય છે.  તેની સાથે જ તેના મેચિંગ નેકલેસ પણ મળી રહ્યાં છે.

ભાતીગળ ચણિયાચોળી પહેર્યા હોય ત્યારે જ્વેલરી પણ એવી જ જોઈએ ને. છેલ્લા વર્ષથી નવરાત્રિમાં તેમ જ રૂટિનમાં પોમપોમ જ્વેલરી ટ્રેન્ડી બની છે. ડ્રેસીસમાં ઉનના ફૂમતા હોય તેવા આઉટફિટ્સ ઘણા પ્રચલિત થયાં છે. જેમાં ક્યાં તો ઉનના ગોળ ગોટા હોય છે અથવા તો પહેલાના જમાનામાં જેમ સાડીના છેડા બાંધતાં હતાં તે રીતે  છેડાની આખી લેસ લગાવેલી હોય છે અથવા તો તે ઉનના ફૂમતાં છૂટાં છૂટાં લટકાવેલા હોય છે.

જોકે આ વખતે ફક્ત પોમપોમ નહીં પરંતુ ટેસલ અને અફઘાની જવેલરીના કોમ્બિનેશનમાં દોરા સાથે નવરાત્રિ જવેલરી મળી રહી છે. પરંપરાગત ઓક્સોડાઇઝ જ્વેલરીને પણ  ભાતીગળ સ્પર્શ આપવા તેની સાથે ઉનના તેમ જ રેશમી રંગીન દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્ટાઇલને તમે તહેવારમાં પણ અપનાવી શકો છો. અત્યારે તમને ફ્લેરવાળા ટોપથી માંડીને કુર્તી અને અનારકલી કે ક્રોપ ટોપ અને સ્કર્ટમાં આવા પ્રકારનું અપાર વૈવિધ્ય મળી રહેશે.

પોમપોમ એટલે કે દેશી ભાષામાં કહીએ તો ઉનના રંગીન ફૂમતાં હવે નવરાત્રિ જ્વેલરીમાં જોવા મળી રહ્યાં છે. પોમપોમ જ્વેલરી અને આઉટફિટ્સનો ફાયદો એ રહે છે કે  તે એકદમ ભાતીગળ લાગે છે. વળી ફેસ્ટિવ સિઝનમાં રંગબેરંગી પોમપોમ  આઉટફિટ્સ એકદમ કૂલ લૂક આપે છે.

હવે તો હાથના પોંચા અને પગના સાંકળા પણ ઉન તથા દોરીની બનાવટના મળે  છે. જેને નવરાત્રિના ચણિયાચોળી સાથે પહેરી શકાય છે આ એવી જ્વેલરી છે જે તમે અન્ય આઉટફિટ્સ સાથે પણ મેચ કરી શકો છો. જો બેંગલ એટલે કે કડાંની વાત કરીએ તો  મોતીથી માંડીને  મેટલ અને તારના તથા કિડિયા મોતીની ઘણી બધી વરાયટી નવરાત્રિ ક્લેકશનમાં  ઉપલબ્ધ છે. હવે તો મલ્ટિ કલર કડાં અને બલોયાંની સાથે સાથે  ગોલ્ડન, સિલ્વર અને બ્લેક ફિનિશિંગના  મોટા કડા પણ મળી રહ્યાં છે  હાથમાં ફક્ત તે એક જ પહેરો તો પણ તે  ટ્રેન્ડી લૂક આપશે.

નવરાત્રિમાં તો યુવતીઓની સાથે  યુવાનો પણ ખૂબ જ  અલગઅલગ લૂક  અપનાવતાં હોય છે. યુવાનો માટે પણ નવરાત્રિમાં હાંસડી, બાજુબંધ, મોટા પેચવાળી પ્રેસ કરવાની બુટ્ટીઓ મળી રહી છે.

તો વળી હવે લોકો નવરાત્રિમાં જુદા જુદા પ્રોપ્સ વાપરતા હોય છે તેના માટે  ભરત ભરેલી છત્રીઓ અને ડાર્ક ફ્રેમના ચશ્મા પણ મળી રહ્યાં છે. ઉપરાંત અન્ય પ્રોપ્ઝ જેમ કે છત્રી, વાંસળી, ડાંગ કે લાકડી, છત્રી પરનો મોર, પોપટ,  લેઝિમ, કરતાલ, મંજીરા, ખંજરી વગેરે. ઉપરાંત હવે નવરાત્રિમાં ગરબા ગ્રુપ સેલ્ફી લેતા થયાં છે તેથી સેલ્ફી સ્ટિક પણ એવી સરસ લાગવી જોઈએ. તેથી સેલ્ફી સ્ટિક્સમાં પણ ઘણા બધા શણગાર કરવાના ટ્રાય પણ થઈ શકે છે.