તલની બરફી

શિયાળા માટે તલની અલગ પ્રકારની સ્વાસ્થ્યવર્ધક બરફી બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • સફેદ તલ 1 કપ
  • દૂધ 1 કપ
  • ઘી 2 ટે.સ્પૂન
  • સાકર 1 કપ
  • કાજુ 10
  • બદામ 10 નંગ
  • પિસ્તા 10 નંગ
  • સૂકા નાળિયેરનો ભૂકો ½ કપ

રીતઃ તલને પેનમાં નાખી ગેસની મધ્યમ આંચે 1-2 મિનિટ માટે શેકી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. આ તલમાંથી 1 ચમચા જેટલાં તલ એક પ્લેટમાં કાઢી લો.

પેનમાં સામાન્ય ગરમ 1 કપ દૂધ તલ સાથે મેળવીને ગેસની આંચ મધ્યમ રાખીને ચમચા વડે હલાવતાં રહો. 6-7 મિનિટમાં તલમાં દૂધ શોષાઈ જશે. તલ સહેજ ભીનાશવાળા હોય ત્યારે ગેસને બંધ કરી દો.

તલ ઠંડા થાય એટલે મિક્સીમાં પલ્સ મોડ પર અધકચરા પીસીને એક વાસણમાં કાઢી લો.

કાજુ, બદામ તેમજ પિસ્તાને મિક્સીમાં બારીક પાઉડર કરી લો.

એક ટ્રે અથવા થાળીમાં બટર પેપર મૂકી તેમાં ઘી લગાડીને થોડા તલ ભભરાવી દો.

એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં તલનું વાટેલું પેસ્ટ નાખીને ગેસની ધીમી આંચે આ મિશ્રણ ચમચા વડે સતત હલાવતાં રહો.  મિશ્રણ થોડું સૂકું થવા આવે એટલે તેમાં સાકર ઉમેરીને એકાદ મિનિટ બાદ ગેસની આંચ ધીમી જ રાખીને પેન ઢાંકીને 1-2 મિનિટ થવા દો. મિશ્રણ ફરીથી ઢીલું થવા લાગે એટલે ચમચા વડે મિશ્રણ હલાવતાં રહેવું. જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ન થાય.  ત્યારબાદ તેમાં કાજુ બદામનો પાઉડર તેમજ નાળિયેરનો ભૂકો મેળવીને ગેસની આંચ મધ્યમ કરીને ચમચા વડે મિશ્રણને હલાવતાં રહેવું. મિશ્રણ ઘટ્ટ થઈ, કઢાઈ છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દો. એકાદ મિનિટ કઢાઈમાં મિશ્રણ હલાવતા રહો. બાદમાં થોડું ઠંડું થાય એટલે બટર પેપર વાળી થાળી કે ટ્રેમાં મિશ્રણ ઠાલવીને ચમચા વડે સરખું ફેલાવી દો. ઉપરથી વધેલા તલ ભભરાવી દો.

થોડીવાર બાદ મિશ્રણ ઠંડુ થાય એટલે તેના ચોસલા પાડીને એક એર ટાઈટ બરણીમાં ભરી લો.