ભરેલા ગુંદાનું શાક

કેરી, ગુંદાની સિઝન છે. અથાણાં તો બની રહ્યાં છે. પરંતુ ગુંદાનું શાક પણ સારું લાગે છે. આ શાક બન્યા પછી ગરમાગરમ ખાવામાં વધુ સારું લાગે છે!

સામગ્રીઃ

  • ગુંદા 250 ગ્રામ
  • ચણાનો લોટ 250 ગ્રામ
  • ગોળ ખમણેલો અથવા દળેલી સાકર 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરુ 2 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • તેલ
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • વરિયાળી 1 ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • આમચૂર પાઉડર ½ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • સફેદ તલ ½ ટી.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન
  • રાઈ 1 ટી.સ્પૂન

રીતઃ ગુંદા ધોઈને કપડાથી કોરા કરી લેવા.

એક કઢાઈમાં બે ટી.સ્પૂન તેલ ગરમ કરી ગેસની આંચ ધીમી કરીને ચણાનો લોટ ગુલાબી રંગનો શેકી લેવો.

શેકેલા લોટમાં મીઠું સ્વાદ મુજબ લઈ તેમાં હીંગ, લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ, હળદર, ગરમ મસાલો, સફેદ તલ, આમચૂર પાઉડર, લીંબુનો રસ, વરિયાળી તેમજ થોડી ખાંડ ઉમેરી દો. હવે તેમાં 1 ટે.સ્પૂન તેલ મેળવીને ગુંદા માટેનો મસાલો તૈયાર કરી લેવો.

હવે ગુંદામાંથી ચપ્પૂ વડે કાપો પાડીને ઠળિયા કાઢી લેવા. ત્યારબાદ તેમાં ચણાના લોટનો મસાલો ભરી દેવો.

ભરેલા ગુંદાને મુઠિયા બાફીએ તે રીતે વરાળમાં બાફવાના હોય છે. એટલે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી ઉપર સ્ટીલના ચાળણી ગોઠવીને ભરેલા ગુંદા ગોઠવી દો. ઉપર ઢાંકણ ઢાંકી દેવું. 10 મિનિટ બાફ આપીને ઢાંકણ ખોલીને ચપ્પૂ વડે તપાસી જુઓ. ગુંદા નરમ થઈ ગયા હોય તો શાક તૈયાર છે. ગેસ બંધ કરી દો.

હવે ગુંદાના વઘાર માટે કઢાઈમાં 4 ચમચા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે રાઈ તતડાવો અને ત્યારબાદ જીરૂ નાખીને તતડે એટલે ગુંદા તેમાં હળવેથી ઉમેરી દો. ગેસની ધીમી આંચ કરીને ગુંદાનો રંગ બદલાય એટલે ગેસ બંધ કરીને નીચે ઉતારી લો.