તળ્યા વગરના સોફ્ટ દહીં વડા

દહીં વડા માટેના વડા તળ્યા વગર પણ ટેસ્ટી લાગે છે અને સોફ્ટ પણ બને છે. તો જાણી લો, કેવી રીતે બનાવી શકાય છે દહીં વડા તળ્યા વિના!

સામગ્રીઃ

  • મગ દાળ 1 વાટકી
  • અળદ દાળ 1 વાટકી
  • આદુ – 1 ઈંચ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 સેચેટ ઈનો પાવડર
  • ચપટી હીંગ
  • દહીં – 500 ગ્રામ
  • તીખી લીલી ચટણી
  • ગળી ખજૂરની ચટણી
  • શેકેલો જીરા પાવડર 2 ટે.સ્પૂન
  • સંચળ પાવડર
  • લાલ મરચાં પાવડર દહીં વડા ઉપર ભભરાવવા.
  • (રવો અથવા ચોખાનો લોટ ગોળા ના વળે તો ઉમેરવા માટે)
  • ½ કપ ધોઈને સુધારેલી કોથમીર

રીતઃ મગ દાળ તેમજ અળદ દાળને 3-4 પાણીએથી ધોઈને 6 કલાક માટે પાણીમાં પલાળી દો. ત્યારબાદ એમાંથી બધું પાણી નિતારી લો. હવે આ દાળ તેમજ આદુ મિક્સીમાં પિસી લો. મિશ્રણ બહુ બારીક નહીં પણ થોડું કરકરું દળવું. (બહુ જાડું પણ ના થવું જોઈએ) એમાં મીઠું સ્વાદ મુજબ તેમજ ચપટી હીંગ ઉમેરી દો.

ગેસ ઉપર ઈડલીનું કૂકર પાણી નાખીને ગરમ કરવા મૂકો. ઈડલીના સ્ટેન્ડના દરેક સાંચામાં તેલ ચોપડી લો.

પાણી ઉકળવા આવે એટલે વડાના ખીરામાં ઈનોનું 1 સેચેટ નાખીને મિક્સ કરો. ખીરૂ જરા જરા ફૂલે એટલે (ખીરૂ બહુ ન ફૂલવું જોઈએ) એના મધ્યમ આકારના ચપટા ગોળા વાળીને ઈડલીના ખાનામાં ગોઠવી દો. હાથ પાણીવાળા કરીને ગોળા વાળવા. જો મિશ્રણ નરમ હોય અને ગોળા ના વળે તો તેમાં રવો અથવા ચોખાનો લોટ ઉમેરી શકો છો. આ સ્ટેન્ડ કૂકરમાં ગોઠવીને કૂકર બંધ કરી દો. કૂકરની સિટી કાઢી લેવી. ગેસની આંચ મધ્યમ રાખવી. 20 મિનિટ બાદ ગેસ બંધ કરીને કૂકર ઉતારી લો. પાંચેક મિનિટ બાદ સ્ટેન્ડમાંથી વડા કાઢી લો.

દહીંમાં જોઈતા પ્રમાણમાં ખાંડ ઉમેરીને વલોવી રાખો.

એક મોટા બાઉલમાં સહેજ હૂંફાળું પાણી લો. એમાં ચપટી હીંગ, થોડું મીઠું અને 1 ટે.સ્પૂન જીરા પાવડર મિક્સ કરી વડાને 10 મિનિટ માટે પલાળી દો. ત્યારબાદ વડાને હલકા હાથે દાબીને પાણી કાઢી લો. આ વડાને પ્લેટમાં ગોઠવી દો. ઉપરથી દહીં તેમજ તીખી, મીઠી ચટણી, ચપટી મીઠું, ચપટી સંચળ પાવડર, ચપટી મરચાંની ભૂકી, જીરા પાવડર તેમજ સુધારેલી કોથમીર ભભરાવીને દહીં વડા પીરસો.