લીલા કાંદાના પૂડલા

આપણે કાંદા તેમજ ચણાના લોટના પૂડલા તો અવારનવાર બનાવી લઈએ છીએ. પરંતુ લીલા કાંદા તેમજ ઘઉંના લોટના બનેલા પૂડલા એ પહાડી વિસ્તારમાં ઠંડીની ઋતુમાં ખવાતો લોકોનો પ્રિય નાસ્તો છે. તો ચાલો આપણા શહેરોમાં પણ ફુલગુલાબી ઠંડી પડી રહી છે. આ નાસ્તો બનાવીને સિમલા, કુલુ મનાલીની સફર કરી લઈએ!

સામગ્રીઃ

  • લીલા કાંદાની ઝુડી – 2
  • કોથમીર – 1 ઝુડી
  • લીલા મરચાં 2-3
  • આદુનો ટુકડો 2 ઈંચ જેટલો
  • લસણની કળી 8-10
  • આખા ધાણા 1 ટે.સ્પૂન
  • કાળાં મરી 1 ટે.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન
  • ઘઉંનો લોટ 1 કપ
  • ચણાનો લોટ ½ કપ
  • અજમો ½ ટી.સ્પૂન
  • હળદર પાવડર ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાવડર 1½ ટી.સ્પૂન
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • પૂડલા શેકવા માટે તેલ

રીતઃ લીલા કાંદાની ઝુડી તથા કોથમીરની ઝુડીને 2-3 પાણીએથી અલગ અલગ સરખાં ધોઈને ઝીણાં સમારી લો.

 

આદુ-મરચાંના નાના ટુકડા કરી લો. ખાંડણીયામાં આદુ, મરચાં, લસણ, આખા ધાણા, કાળાં મરી તેમજ જીરુને બારીક પણ અધકચરા વાટી લો.

એક બાઉલમાં ઘઉંનો તથા ચણાનો લોટ લો. તેમાં વાટેલો મસાલો, હળદર, હીંગ, લાલ મરચાં પાવડર, મીઠું સ્વાદ મુજબ ઉમેરીને મિક્સ કરી લો. તેમાં પાણી ના ઉમેરતાં સમારેલાં લીલા કાંદા થોડા થોડા ઉમેરીને હાથેથી જ મિશ્રણ મેળવતા જાઓ. કાંદામાં પાણી હોવાને કારણે લોટમાં પાણી છૂટશે. કાંદા મિક્સ કરી લીધા બાદ કોથમીર પણ મેળવી દો. મિશ્રણ બહુ પાતળું ના થવું જોઈએ, પણ થોડું ઘટ્ટ હોવું જોઈએ.

હવે લોખંડનો તવો ગેસ પર ગરમ કરવા મૂકી, તેના પર થોડું તેલ નાખીને એક કળછી વડે પૂડલાનું મિશ્રણ ફેલાવો. પૂડલા બહુ જાડા કે બહુ પાતળા ના બનાવતા મધ્યમ જાડાઈના હોવા જોઈએ. ગેસની આંચ ધીમી-મધ્યમ હોવી જોઈએ. પૂડલા એક તરફથી શેકાય એટલે ઉથલાવીને ફરીથી તવામાં ફરતે થોડું તેલ રેડો. બંને બાજુએથી પૂડલા શેકાઈ જાય એટલે ઉતારીને ગરમાગરમ પીરસો.

પૂડલા સાથે કોથમીરની ચટણી મૂકી શકાય.