ચોખાના લોટની વેજ રોસ્ટી

ચોખાનો ઝીણો દળાવેલો લોટ જો ઘરમાં હોય તો તેની ઈન્સ્ટન્ટ વેજ રોસ્ટી બનાવી શકાય છે! જેનો સ્વાદ મસાલા ઉત્તપા જેવો લાગે છે. તેમાં ઉમેરવામાં આવતાં વેજીટેબલ્સને કારણે તે સ્વાસ્થ્યપ્રદ પણ છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે!

સામગ્રીઃ  

  • ચોખાનો ઝીણો લોટ 1 કપ
  • ખાટું દહીં ½ કપ
  • આદુ-મરચાંની પેસ્ટ 2 ટી.સ્પૂન
  • ખમણેલું ગાજર 1 કપ
  • ઝીણી સમારેલી કોબી 1 કપ
  • સિમલા મરચું ઝીણું સમારેલું 1 કપ
  • ટામેટું ઝીણું સમારેલું 1 કપ
  • કાળાં મરી પાઉડર 1 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • બેકીંગ સોડા ½ ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર ½ કપ
  • સફેદ તલ
  • તેલ

રીતઃ ચોખાના લોટમાં આદુ-મરચાંની પેસ્ટ તેમજ ખાટું દહીં ઉમેરીને 1 કપ જેટલું પાણી થોડું થોડું ઉમેરીને જેરણી વડે હળવે હળવે ચારવીને નહીં જાડું કે ના પાતળું એવું ખીરું બનાવી લો.

આ ખીરામાં બધાં સુધારેલાં શાક કોબી, ગાજર, ટામેટું અને સિમલા મરચું, સમારેલી કોથમીર તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવી દો. (તમારી પસંદગીના શાક પણ ઉમેરી શકો છો)

આ ચોખાની રોસ્ટી બનાવતી વખતે તેમાં ½ ટી.સ્પૂન બેકીંગ સોડા નાખીને ચમચી વડે સરસ રીતે મેળવી દો.

ઢોસા અથવા નાના પેનમાં ½ ટી.સ્પૂન તેલ ગરમ કરી તેમાં થોડાં તલ છાંટીને એક થી બે ચમચા જેટલું ખીરું રેડી દો. ગેસની આંચ ધીમી કરીને તવા ઉપર ઢાંકણ ઢાંકીને 2-3 મિનિટ થવા દો. ત્યારબાદ ઢાંકણ ખોલીને તવેથા વડે આ રોસ્ટી એક પ્લેટમાં કાઢી લો. હવે તવામાં ફરીથી ½ ટી.સ્પૂન તેલ રેડી ઉપર થોડા તલ ભભરાવીને આ જ રોસ્ટીની બીજી સાઈડ શેકી લો.

આ રોસ્ટી કોથમીર-ફુદીનાની ચટણી તેમજ ખજૂર-ગોળની ખાટી-મીઠ્ઠી ચટણી સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગશે! અથવા ટોમેટો કેચ-અપ સાથે પણ પીરસી શકાય છે.