કોઈવાર શાક-રોટલી ખાઈને કંટાળો આવ્યો હોય તો આ કટલેસ બનાવો તો તેમાં આવતા વેજીટેબલ્સ અને ઘઉંનો રવો તેને શાક-રોટલીની પૂરક બનાવે છે!
સામગ્રીઃ
- બારીક રવો ½ કપ
- બાફેલા બટેટા 4
- બાફેલા વટાણા 1 કપ
- સિમલા મરચું 1
- ગાજર 1
- કાંદો 1
- કોબી ઝીણી સમારેલી ½ કપ
- આદુ 2 ઈંચ
- લીલા મરચાં 3-4
- સમારેલી કોથમીર 1 કપ
- ધોઈને સમારેલી પાલક ½ કપ
- લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
- ગરમ મસાલો ½ ટી.સ્પૂન
- ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
- શેકેલા જીરાનો પાઉડર ½ ટી.સ્પૂન
- ચાટ મસાલો ½ ટી.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
- તેલ
ખીરૂ બનાવવા માટેઃ
- મેંદો 4 ટે.સ્પૂન
- રેડ ચિલી ફ્લેક્સ ½ ટી.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
- સફેદ તલ 1 ટે.સ્પૂન
- કોથમીર સમારેલી 1 ટે.સ્પૂન
રીતઃ એક પેનમાં 1 કપ પાણી ગરમ કરવા મૂકો. તેમાં થોડું મીઠું તેમજ 1 ચમચી તેલ મેળવીને પાણી ગરમ થાય એટલે રવો ઉમેરીને ચમચા વડે લોટ જેવું મિશ્રણ બંધાવા આવે ત્યાં સુધી સતત મિક્સ કરતા રહો. ગેસની આંચ ધીમી મધ્યમ રાખવી. ત્યારબાદ ગેસ બંધ કરીને મિશ્રણ ઠંડું થવા દો.
બાફેલા બટેટા, વટાણાનો મેશર વડે છૂંદો કરી લો. તેમાં ઝીણી સમારેલી કોબી, કોથમીર તેમજ પાલક ઉમેરી દો. સિમલા મરચું, કાંદા, લીલાં મરચાં તથા ગાજરને ઝીણાં સમારીને ઉમેરી દો. આદુને ખમણીને ઉમેરો સાથે લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો, ધાણાજીરુ પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, ચાટ મસાલો તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવીને આ મિશ્રણના રોટલીના લૂવા જેટલા ગોળા બનાવી રાખો. (તમે તમારી પસંદગીના શાક પણ રવા કટલેસમાં ઉમેરી શકો છો.)
એક બાઉલમાં મેંદો, ચિલી ફ્લેક્સ, થોડું મીઠું તેમજ સફેદ તલ લઈ તેમાં થોડું પાણી મેળવીને પાતળું ખીરું તૈયાર કરી લો.
રવાનું મિશ્રણ થોડું ગરમ હોવું જોઈએ જેથી લૂવો હાથમાં લઈ થાપીને પુરીનો આકાર આપી શકાશે. આ લૂવો વેજીટેબલ લૂવા કરતાં સહેજ મોટો રાખવો. પુરીનો આકાર આપ્યા બાદ તેમાં વેજીટેબલનો લૂવો મૂકીને ચારેકોરથી રવાની પુરી વાળીને પેક કરી લો. ફરીથી પૂરણવાળા લૂવાને હાથમાં થાપીને ચપટો ગોળો બનાવી લો. આમ કરવાથી રવાનું બહારનું પડ પાતળું થતું જશે. આ જ રીતે બાકીના ગોળા વાળી લો.
ફ્રાય પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે વાળેલી કટલેસને મેંદાના ખીરામાં બોળીને પેનમાં આવે તેટલી ગોઠવી, ગેસની આંચ ધીમી-મધ્યમ કરીને બંને સાઈડથી રવા કટલેસ સોનેરી રંગની શેલો ફ્રાય કરી લો.
આ કટલેસ ટોમેટો કેચ-અપ કે લીલી ચટણી સાથે પીરસો. જો કે ગરમાગરમ કટલેસ ચટણી વગર પણ સારી લાગશે.
