રાંદેરી આલુ પુરી

દિવાળીના નાસ્તા બનાવીને તેમજ મીઠાઈ ખાઈને જરા તરા કંટાળો જો આવ્યો હોય, તો આ મજેદાર નાસ્તો બનાવવા જેવો છે! સુરતની પ્રખ્યાત રાંદેરની આલુ પુરી કોકમની ચટણી સાથે ચટાકેદાર સ્વાદવાળી છે!

સામગ્રીઃ

  • મેંદો 2 કપ
  • મોણ માટે તેલ 2 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ તળવા માટે
  • કાંદા 3-4 (કાંદા લસણ ન ખાતા હોય તેમણે કાંદાને બદલે કોબી તેમજ ચીઝનો ઉપયોગ કરવો)
  • ચાટ મસાલો 2 ટી.સ્પૂન
  • ઝીણી તીખી સેવ અથવા તૈયાર આલૂ ભૂજિયા સેવ 1 કપ
  • ઝીણી સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન

રગડા માટેઃ

  • સૂકા સફેદ વટાણા 1 કપ
  • બટેટા 3
  • લીલાં મરચાં 2
  • આદુ-લસણ પેસ્ટ 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • જીરૂ ટી.સ્પૂન
  • તેલ 2 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ

લીલી ચટણીઃ

  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • લીલાં મરચાં 4
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • શેકેલા જીરાનો પાઉડર ½ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • લીંબુનો રસ 2 ટી.સ્પૂન

કોકમની ચટણીઃ

  • ભીના નરમ કોકમ 40 ગ્રામ
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
  • ગોળ
  • લીંબુનો રસ 2 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ

રીતઃ કઠોળના સફેદ વટાણા 2-3 પાણીએથી ધોઈને પાણીમાં આખી રાત માટે પલાળી રાખો.

સવારે વટાણામાં બટેટા છોલીને ઝીણા ચોરસ ટુકડામાં સમારીને ઉમેરી 2 કપ પાણી ઉમેરીને કૂકરની 4-5 સીટી કરી બાફી લો. કૂકર ઠંડું થવા દો.

એક વાસણમાં મેંદો લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું તેમજ 1 ટી.સ્પૂન તેલ ઉમેરી પુરીના લોટની જેમ થોડો કઠણ લોટ બાંધીને ભીના સુતરાઉ કાપડથી ઢાંકીને 20 મિનિટ માટે રાખી મૂકો.

મિક્સીમાં ધોઈને સમારેલી કોથમીર લઈ તેમાં, આદુ-મરચાંના ટુકડા, જીરા પાઉડર, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બારીક તેમજ ઘટ્ટ ચટણી પીસી લો.

 

કોકમને ધોઈને એક તપેલીમાં 2½ કપ જેટલું પાણી ઉમેરો. તેમાં લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગોળ, લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ ઉમેરીને ગેસ પર ઉકળવા મૂકો. તેમાંનું પાણી સૂકાય જાય એટલે ગેસ બંધ કરીને ઠંડું કરવા મૂકો.

લોટને રાખીને 20 મિનિટ થઈ ગઈ હોય તો તેમાંથી નાની નાની પાણી પુરી જેવી પુરીઓ વણીને એક થાળીમાં ગોઠવી દો. પુરી વણાય જાય એટલે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને પુરી તળી લો. ધ્યાન રહે, પુરીના રંગ જરાપણ ગોલ્ડન કે લાલ ન થવો જોઈએ. મધ્યમ તાપે પુરી કાચી ના રહેતાં એકસરખી તળાઈ જશે, એટલું કે પુરીનો રંગ સફેદ દેખાવો જોઈએ.

પુરી તળીને બહાર થાળીમાં એક ઉપર એક ગોઠવીને ઢગલીઓ કરતા જાઓ. જેથી પુરી નરમ રહે.

એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરૂ તતડાવીને તેમાં સુધારેલાં મરચાં તેમજ આદુનો વઘાર કરી લો. હવે તેમાં બધા સૂકા મસાલા તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બાફેલો રગડો મેળવી દો. 2-3 મિનિટ બાદ તેમાંનું પાણી સૂકાઈને રગડો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.

કોકમ ઠંડા થાય એટલે તેને મિક્સીમાં લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગોળ, લીંબુનો રસ તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને જાડી ચટણી પીસી લો.

કાંદાની ગોળ પાતળી સ્લાઈસ કરી લો.

એક પ્લેટમાં 4-5 પુરી ગોઠવી લો. તેની ઉપર 1-1 ચમચી રગડો મૂકો. ઉપર તીખી તેમજ ગળી ચટણી ઉમેરીને દરેક પુરી ઉપર કાંદાની 2-3 રીંગ મૂકી દો. ઉપર થોડો ચાટ મસાલો ભભરાવીને ઝીણી તીખી સેવ ભભરાવો, સમારેલી કોથમીર સાથે સજાવીને ખાવા માટે પીરસો.