બટેટાનું ચણાના લોટવાળું આ શાક બહુ જ ઝટપટ બની જાય છે! વળી, સ્વાદિષ્ટ પણ બને છે!

સામગ્રીઃ
- બટેટા 4-5
- ચણાનો લોટ 1-2 ટે.સ્પૂન
- તેલ 2-3 ટે.સ્પૂન
- રાઈ 1 ટી.સ્પૂન
- હીંગ ¼ ટી.સ્પૂન
- આખા ધાણા 1 ટી.સ્પૂન
- જીરૂ 1 ટી.સ્પૂન
- કાળા મરી 6-7 દાણા
- કાચા શીંગદાણા 2 ટે.સ્પૂન
- સૂકા લાલ મરચાં 4-5
- લીંબુનો રસ 1 ટી.સ્પૂન (optional)
- હળદર ½ ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
- લીલાં મરચાં 3-4
રીતઃ બટેટા છોલીને મોટા ટુકડામાં સમારી લેવા. ત્યારબાદ તેને ધોઈને કોરા કરી લેવા.
એક મિક્સી જારમાં આખા ધાણા, જીરૂ, કાળા મરી, કાચા શીંગદાણા તેમજ સૂકા લાલ મરચાં અને ચણાનો લોટ નાખીને બારીક પાઉડર બનાવી લો.
એક કઢાઈમાં તેલ વઘાર માટેનું ગરમ કરી તેમાં રાઈ, હીંગ તેમજ લીમડાનો વઘાર કરી દો. ત્યારબાદ તેમાં સમારેલાં બટેટા ઉમેરીને, ગેસની તેજ આંચે ચમચા વડે એકસરખા સાંતળતા રહો. જ્યાં સુધી તેની ઉપર સોનેરી રંગની પરત ન આવી જાય.
બટેટા અડધા ચઢી જવા આવે એટલે ગેસની આંચ ધીમી કરી દો. હવે તેમાં લીલાં મરચાંમાં ઉભા કટ કરીને મેળવી હળદર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને ચમચા વડે મસાલા મિક્સ કરી દો. ત્યારબાદ દળેલો ચણાના લોટવાળો મસાલો મેળવી દો. ગેસની ધીમી આંચે ચમચા વડે હળવે હળવે પાંચેક મિનિટ હલાવતાં રહો, જેથી તેમાં રહેલો ચણાનો લોટ સરખો ચઢી જાય. હવે કઢાઈ ઢાંકીને ગેસની ધીમી આંચે બટેટા ચઢી જવા દો.
2-3 મિનિટ બાદ ઢાંકણ ખોલીને બટેટા જોઈ લો. જો બટેટા ચઢી ગયા હોય તો ગેસ બંધ કરીને સમારેલી કોથમીર ભભરાવી શાક ફુલકા રોટલી સાથે પીરસો. આ શાક પુરી સાથે પણ સારું લાગશે. લીંબુનો સ્વાદ ભાવતો હોય તો શાક પીરસતી વખતે શાક ઉપર લીંબુનો રસ મેળવીને ખાવાના ઉપયોગમાં લેવું.






