પાનકી

ગુજરાતની પ્રખ્યાત ડિશ પાનકી કેળાના પાનમાં બનાવવામાં આવે છે. તેથી તેનું નામ ‘પાનકી’ છે. જે મોંઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવી સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી ગરમાગરમ જ સારી લાગે છે!

સામગ્રીઃ

  • ચોખાનો લોટ 1 કપ
  • ખાટું દહીં ½ કપ
  • આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • હળદર પાઉડર ¼ ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર 2 કપ
  • જીરુ અધકચરુ વાટેલુ ½ ટી.સ્પૂન
  • ઘી ½ ટી.સ્પૂન
  • ભાવનગરી અથવા સાદા લીલાં મરચાં
  • કેળાના ડાર્ક લીલા પાન
  • તેલ પાનકી શેકવા માટે તેમજ મરચાં તળવા માટે

રીતઃ એક બાઉલમાં ચોખાનો લોટ અને દહીં લઈ મિક્સ કરવું. ત્યારબાદ ચોખાના લોટના માપ પ્રમાણે જ 1 કપ પાણી થોડું થોડું ઉમેરી જેરણીથી મિક્સ કરવું. ત્યારબાદ દહીં ½ કપ લીધું હોવાથી ફરીથી ½ કપ પાણી ઉમેરની મિક્સ કરી લો. આ ખીરું બહુ જાડુ કે બહુ પાતળુ ન હોવું જોઈએ. જરૂર લાગે તો થોડું પાણી વધુ ઉમેરી દેવું.

આ મિશ્રણમાં આદુ-મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, હીંગ, હળદર પાઉડર, અધકચરુ વાટેલુ જીરુ, સમારેલી કોથમીર, ½ ટી.સ્પૂન ઘી મેળવીને જેરણી વડે સરસ એકરસ મેળવી લો. આ ખીરું અડધા કલાક માટે ઢાંકીને રહેવા દો.

કેળાના પાનને ધોઈને કિચન ટોવેલ વડે હળવેથી લૂછીને કોરા કરી લો. આ પાનને ચોરસ કટ કરી લો અથવા ગોળ ડિશ મૂકીને ચપ્પૂ વડે ગોળાકાર કટ કરી લો. દરેક કટ કરેલા પાનની ડાર્ક કલરની બાજુ પર તેલ લગાડી લો.

તવાને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. તવો ગરમ થાય એટલે તેની ઉપર તેલ ચોપડી લો. હવે ગેસની આંચ ધીમી કરી લો. કેળાનું કટ કરેલું પાન લઈ તેને તવા ઉપર મૂકો, તેલ લગાડેલો ભાગ ઉપર હોવો જોઈએ. જેની ઉપર એક અથવા બે કડછી ખીરું પાતળું ફેલાવી દો, ગોળ અથવા ચોરસ આકારમાં. તેની ઉપર કેળાનું બીજું પાન ઉંધું ગોઠવી દો. એટલે કે, તેલવાળો ભાગ અંદર ખીરાની ઉપર ઢંકાય તે રીતે.

ગેસની ધીમી આંચે 1-2 મિનિટ થવા દો. ત્યારબાદ સ્પેટુલા અથવા તવેથા વડે પાનને ઉથલાવીને ફરીથી 1-2 મિનિટ શેકી લો. પાનકી તૈયાર છે તે જોવા માટે ઉપરના પાનને હળવેથી ખોલી જુઓ. જો પાન સરળતાથી ખૂલી જાય, તેની ઉપર ખીરું ચોંટેલું ન હોય. તો પાનકી તૈયાર છે. જો ખીરું ચોંટેલું જણાય તો ફરી 1-2 મિનિટ રાખી મૂકો.

આ રીતે બાકીની પાનકી તૈયાર કરી લો. પીરસતી વખતે પ્લેટમાં પાનકી ગોઠવી, ઉપરનું પાન કાઢી લીધા બાદ પીરસો. આ પાનકી કોથમીર-ફુદીનાની તીખી લીલી ચટણી તેમજ તળેલા મરચાં સાથે સારી લાગે છે.

એકવાર પાનકી બનાવ્યા બાદ, કેળાનું ઉપરનું પાન કાઢી લીધા બાદ આ પાન ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે.