કેકમાં સંતરાનો રસ તેમજ તેની છાલ નાખવાથી કેકનો સ્વાદ વધી જાય છે! એ સ્વાદ તો કેક બનાવીને ખાવાથી જ ખ્યાલ આવશે! સંતરાની સીઝન ચાલુ છે, તો બનાવી લો ઝટપટ ઓરેન્જ કેક!
સામગ્રીઃ
- ½ કપ ઓરેન્જ જ્યૂસ
- 1 કપ દળેલી ખાંડ
- ¼ કપ દહીં
- 2 ટે.સ્પૂન ઘી અથવા માખણ અથવા તેલ
- સંતરાની છાલ ધોઈને છીણેલી 2 ટે.સ્પૂન
- 1½ કપ મેંદો અથવા ઘઉંનો લોટ
- 1 ટી.સ્પૂન બેકીંગ પાવડર
- ¼ ટી.સ્પૂન બેકીંગ સોડા
રીતઃ ½ કપ ઓરેન્જ જ્યૂસ, 1 કપ દળેલી ખાંડ, ¼ કપ દહીં, ટે.સ્પૂન ઘી અથવા માખણ અથવા તેલ તેમજ સંતરાની છીણેલી છાલ 2 ટે.સ્પૂન મિક્સ કરી 3-4 મિનિટ હળવે હળવે જેરણીથી જેરીને એકબાજુએ મૂકો. (સંતરાની છાલ છીણી ના શકાતી હોય તો ઝીણી સમારી લેવી)
હવે લોટ, 1 ટી.સ્પૂન બેકીંગ પાવડર, ¼ ટી.સ્પૂન બેકીંગ સોડા પણ હલકે હાથે જેરણીથી મિક્સ કરી લો. ઢોકળાના ખીરા જેવું ખીરું હોવું જોઈએ.
કેકના વાસણમાં બટર પેપર કે બેકીંગ પેપર લઈ તેલ ચોપડીને ગોઠવવું.
એક મોટું તપેલું, કૂકર અથવા કઢાઈ લેવી. તેમાં તળિયું ઢંકાઈ એટલું મીઠું પાથરવું અને કાંઠો કે સ્ટેન્ડ મૂકીને કેકનું વાસણ ગેસ પર 10 મિનિટ માટે પ્રિ-હીટ કરવા મૂકવું.
10 મિનિટ બાદ કેકના વાસણમાં કેકનું મિશ્રણ રેડી દો અને ગેસ પર ગરમ કરવા મૂકેલા વાસણમાં ગોઠવીને ઢાંકી દો. જો કૂકર મૂકતા હોવ તો ઢાંકણમાંથી રીંગ તેમજ સીટી કાઢી લેવા.
ગેસની ધીમી મધ્યમ આંચે 45-50 મિનિટ સુધી થવા દેવું. 35 મિનિટ બાદ ચપ્પૂ વડે તમે કેક થઈ છે કે કેમ તે ચેક કરી શકો છો. ચપ્પૂ ચોખ્ખું નીકળે તો 5-10 મિનિટ બાદ ગેસ બંધ કરી દો. 2-3 મિનિટ બાદ કેકનું વાસણ બહાર કાઢીને ઠંડું થવા દો. કેક ઠંડી થાય એટલે ખાવામાં લઈ શકાય.