નવાબી સેવઈયા

ઈદને દિવસે તમે મિત્રોને ઘેર સેવઈયા તો ખાધી જ હશે. પરંતુ આજે અહીં નવાબી સેવઈયાના એક અલગ ડેઝર્ટની રેસિપી લખી છે, જે ખરેખર નવીન અને સ્વાદિષ્ટ પણ છે!

સામગ્રીઃ 

  • તૈયાર શેકેલી ઘઉંની સેવનું એક પેકેટ (200-250 ગ્રામ જેટલું)
  • ઘી 3 ટે.સ્પૂન
  • દળેલી ખાંડ 4 ટે.સ્પૂન
  • મિલ્ક પાવડર 3 ટે.સ્પૂન
  • કેસરી ખાવાનો રંગ 1 ચપટી
  • કોર્ન ફ્લોર 2 ટે.સ્પૂન
  • કસ્ટર્ડ પાવડર 2 ટે.સ્પૂન
  • ફૂલ ફેટ દૂધ 1 લિટર
  • કન્ડેન્સ્ડ મિલ્ક ½ કપ (150-200 ગ્રામ)
  • બદામ-પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન

રીતઃ સેવને  એકદમ નાના બારીક ટુકડામાં તોડી લેવી. એક મોટી કઢાઈમાં 3 ટે.સ્પૂન ઘી ગરમ કરીને સેવને તેમાં ધીમી આંચે 1-2 મિનિટ માટે શેકી લો. ત્યારબાદ તેમાં 4 ટે.સ્પૂન દળેલી ખાંડ નાખીને હલાવતા રહો. 1 મિનિટ બાદ 3 ટે.સ્પૂન મિલ્ક પાવડર તેમાં મિક્સ કરીને ગેસની આંચ ધીમી રાખીને એકસરખું હલાવતા રહેવું. 5-6 મિનિટ બાદ તેમાંથી ¾ સેવને એક ટ્રે અથવા છીછરા બાઉલમાં ફેલાવીને પાથરી દેવી અને ચપટી વાટકી અથવા ગ્લાસ વડે દાબી દેવી. જેથી એની પાતળી સખત લેયર બની જાય. આ ટ્રેને એકબાજુએ રાખી દો.

બીજી એક કઢાઈમાં 1 લિટર દૂધ ઉકળવા મૂકવું. એક ઉભરો આવે એટલે 1 કપ દૂધ એક નાના બાઉલમાં કાઢી લેવું. ગેસની આંચ ધીમી કરીને કઢાઈમાં થોડી થોડીવારે ઝારા વડે દૂધ હલાવતા રહેવું, જ્યાં સુધી એ ઘટ્ટ ના થઈ જાય. નાના બાઉલમાં કાઢેલું દૂધ ઠંડું થાય એટલે તેમાં કોર્ન ફ્લોર અને કસ્ટર્ડ પાવડર ગઠ્ઠા ના થાય એ રીતે મિક્સ કરી લો. આ પાવડર વાળું દૂધ કઢાઈમાં ગરમ કરવા મૂકેલા દૂધમાં થોડું થોડું રેડતાં જવું અને જેરણીથી એકસરખું હલાવતા રહેવું, જેથી એમાં ગઠ્ઠાના થાય. હજી 3-4 મિનિટ દૂધને ગરમ થવા દેવું. જેથી તેમાં નાખેલો કોર્ન ફ્લોર ચઢી જાય અને દૂધ થોડું ઘટ્ટ થઈ જાય, એટલું  ઘટ્ટ કે ઝારા વડે દૂધ રેડ્યા બાદ ઝારા ઉપર પાતળી લેયર ચોંટેલી હોય. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરીને 2-3 મિનિટ ગરમ કરીને ગેસ બંધ કરી લો. આ ગરમ દૂધને તરત જ બાજુએ મૂકેલી ટ્રે વાળી સેવ ઉપર ફેલાવીને રેડી દો. ટ્રેને જરા ઠેપીને તેની ઉપર કેસરી રંગવાળી અલગ રાખેલી સેવ પણ પાથરી દો, જેથી કસ્ટર્ડવાળું ફિલીંગ ના દેખાય. તેને ઉપરથી બદામ-પિસ્તાની કાતરી વડે સજાવી દો.

આ ડેઝર્ટને રૂમ ટેમ્પરેચરમાં ઠંડું થયા બાદ ખાવામાં લઈ શકાય છે. અથવા રેફ્રિઝરેટરમાં 2-3 કલાક સેટ કર્યા બાદ પણ ખાવામાં લઈ શકાય છે.

આ ડેઝર્ટને તમે ટ્રેને બદલે નાના કાચના ગ્લાસ અથવા બાઉલમાં પણ સેટ કરી શકો છો.