મગની દાળની વડીનું શાક

ગરમીની સિઝન બાદ વરસાદની ઋતુમાં પણ શાક જોઈએ તેવા મળતાં નથી. તો આવા સમયે મગની દાળની વડી કે અન્ય દાળની વડી સંઘરી શકાય છે. વડીનું શાક પણ ઘણું સ્વાદિષ્ટ બને છે! આ તૈયાર વડી કરિયાણાની દુકાનમાં મળી આવે છે.

સામગ્રીઃ

  • મગની દાળની વડી 1½ કપ
  • કાંદા 2
  • ટામેટાં 3
  • આદુ-મરચાં-લસણની અધકચરી પેસ્ટ 1 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટે.સ્પૂન
  • ધાણાજીરૂ 1 ટે.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
  • ઘી 3 ટે.સ્પૂન
  • તેલ 2 ટે.સ્પૂન,

રીતઃ કાંદાને ઝીણાં ચોરસ સમારી લો. ટામેટાંને છોલીને ઝીણાં સમારી લો અથવા છીણીમાં ખમણી લો.

એક કઢાઈમાં 1½ ટે.સ્પૂન ઘી ગરમ કરીને તેમાં મગની દાળની વડીને 2-3 મિનિટ સાંતળી લઈને એક વાસણમાં કાઢી લો. આ જ કઢાઈમાં બીજું ઘી તેમજ તેલ ઉમેરીને જીરૂ તતડાવીને હીંગનો વઘાર કરી દો. હવે તેમાં કાંદો સાંતળીને આદુ-મરચાં-લસણની પેસ્ટ 2 મિનિટ માટે સાંતળીને તેમાં સૂકા મસાલા મેળવી દો એકાદ મિનિટ બાદ ટામેટાં ઉમેરીને નરમ થાય ત્યાં સુધી થવા દો. ત્યારબાદ તેમાં ઘીમાં સાંતળેલી વડી મેળવીને 2 કપ જેટલું ગરમ પાણી મેળવીને કઢાઈ ઢાંકીને ગેસની ધીમી-મધ્યમ આંચે 6-7 મિનિટ સુધી વડી ચઢવા દો.

ત્યારબાદ કઢાઈનું ઢાંકણ ખોલીને એક ચમચામાં વડી લઈ તપાસો. જો વડી નરમ થઈ ગઈ હોય અને ચઢી ગઈ હોય તો તેની ઉપર સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને વડીનું શાક ઉતારી લો.

વડીમાં રસો વધારે જોઈતો હોય તો થોડું ગરમ પાણી વધુ ઉમેરવું.