કાજુ કોકોનટ રોલ

દેવ-દિવાળી નિમિત્તે બનાવી લો, ઝટપટ તૈયાર થઈ જતા ફાયરલેસ કાજુ કોકોનટ રોલ!

સામગ્રીઃ

  • કાજુ 1 કપ
  • સૂકા કોપરાની છીણ 1 કપ
  • એલચી 4
  • સાકર ½ કપ
  • દૂધ પાઉડર 1 કપ
  • દૂધ 3 ટે.સ્પૂન,
  • ખાવાનો લાલ તેમજ લીલો રંગ
  • ચાંદીનો વરખ

રીતઃ કાજુ તેમજ કોપરાની છીણને 4-5 કલાક માટે ફ્રીઝરમાં રાખી મૂકો. ત્યારબાદ પહેલાં કાજુને મિક્સીમાં પલ્સ મોડ પર બારીક પીસી લો. ત્યારબાદ તેમાં કોપરાની છીણ ઉમેરીને ફરીથી તેનો બારીક પાઉડર કરી લો. કાજુ તેમજ કોપરાની છીણને ફ્રીઝરમાં રાખવાથી તેમાંથી તેલ છૂટ્યા વિના સરસ બારીક પાઉડર મિક્સીમાં થઈ શકે છે. જો એ રીત ન ફાવે તો કાજુ તેમજ કોપરાની છીણને પેન અથવા કઢાઈમાં અલગ અલગ હલકા શેકીને ઠંડા કરીને પીસી લેવા. આ પાઉડર એક બાઉલમાં કાઢી લો.

હવે મિક્સીમાં ખાંડ લઈ તેનો બારીક પાઉડર કરી તેને કાજુના પાઉડરવાળા બાઉલમાં કાઢી લો.

હવે આ બાઉલમાં દૂધનો પાઉડર ઉમેરીને દૂધ થોડું થોડું મિક્સ કરતાં જઈ લોટ બાંધો. બહુ નરમ લોટ ના બંધાવો જોઈએ.

આ લોટમાંથી બે ભાગ કરો. એક ભાગમાં લીલો રંગ મેળવો. બીજા લૂવામાં લાલ રંગ ઉમેરીને મેળવી લો.

લાલ રંગના લૂવામાંથી નાની ગોળી વાળી લો. લીલા રંગમાંથી લાલ ગોળીઓ કરતાં થોડા મોટાં ગોળા લઈ તેને પુરીની જેમ વણી લો. લાલ રંગની ગોળીને લીલા રંગની પુરીમાં ગોઠવીને ગોળો વાળી લો.

અંદરના ગોળામાં ડ્રાયફ્રુટના ટુકડા ભરવા હોય તો ભરી શકાય છે.

આ ગોળાને એક ટ્રેમાં બટર પેપર ઉપર 1 કલાક માટે પંખા નીચે મૂકી રાખો. ત્યારબાદ વરખને દરેક ગોળા ઉપર લગાડી દો. આ ગોળામાં ચપ્પૂ વડે અડધે સુધીના ઉભા છ કાપાં પાડી દો. જેથી કલિંગર અથવા ફૂલ જેવો આકાર આવે અથવા ઉભા ચાર ટુકડા કરીને ચારેય ટુકડા ઉપર એલચીના દાણા લગાડી દો તો કલિંગરના ટુકડા લાગે. આ તૈયાર મીઠાઈ સજાવેલી ટ્રે અથવા બોક્સમાં ગોઠવી દો.

અન્ય રીતે બંને ગોળામાંથી મોટા રોટલા વણીને એક ઉપર એક ગોઠવીને રોલ વાળીને કટ કરી લો.