દેવશયની (દેવપોઢી) એકાદશી નિમિત્તે બનાવી લઈએ સાબુદાણાને પલાળ્યા વગર બની જતા ઈન્સ્ટન્ટ સાબુદાણા વડા!
સામગ્રીઃ
- સાબુદાણા 1 કપ
- બાફેલા બટેટા 4
- આદુનો ટુકડો 2 ઈંચ
- લીલા મરચાં 2-3
- કોથમીર ધોઈને સમારેલી 1 કપ
- જીરુ 1 ટી.સ્પૂન
- સ્વાદ મુજબ સિંધવ મીઠું (ઉપવાસમાં ખવાતું મીઠું)
- શેકેલા શીંગદાણા 1 કપ
- લીંબુનો રસ 1 ટી.સ્પૂન
- સાકર 1-2 ટી.સ્પૂન (optional)
- રાજગરાનો લોટ 1-2 ટે.સ્પૂન
રીતઃ સાબુદાણાને પેનમાં બે મિનિટ માટે સાંતળી લો. ઠંડા થાય એટલે તેને મિક્સીમાં બારીક પીસીને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ આદુ, મરચાંના ટુકડા કરીને તેને તેમજ જીરુને પણ બારીક પીસી લો. શેકેલા શીંગદાણાનો પણ અધકચરો ભૂકો કરી લો. બટેટાનો છૂંદો કરી લો.
સાબુદાણાનો પાઉડર, શીંગદાણાનો ભૂકો, બટેટાનો છૂંદો તેમજ આદુ-મરચાં-કોથમીરની પેસ્ટ એક બાઉલમાં લઈ તેમાં સ્વાદ મુજબ સિંધવ મીઠું, સાકર તેમજ લીંબુનો રસ, ધોઈને સમારેલી કોથમીર તેમજ રાજગરાનો લોટ મેળવીને જરૂર મુજબ 1-2 ટે.સ્પૂન જેટલું પાણી ઉમેરીને વડા વાળી શકાય તેવો લોટ બાંધી લો. હવે આ મિશ્રણમાંથી ચપટા ગોળા વાળી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરીને આ વડા તળી લો.
આ વડા કોથમીર, શીંગદાણા, આદુ-મરચાં, લીંબુનો રસ તેમજ સિંધવ મીઠું નાખીને બનાવેલી લીલી ચટણી સાથે પીરસો.